Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાંતતા, નાટક ચાલુ આહે...

શાંતતા, નાટક ચાલુ આહે...

11 June, 2019 09:36 AM IST |
પ્રીતિ ખુમાણ ઠાકુર

શાંતતા, નાટક ચાલુ આહે...

નાટ્યઘરોમા મોબાઈલ જામર કેટલા યોગ્ય

નાટ્યઘરોમા મોબાઈલ જામર કેટલા યોગ્ય


નાટ્યગૃહમાં નાટક ચાલતું હોય ત્યારે મોબાઇલ રણકતો હોય કે કોઈ વૉટ્સઍપ પર ટાઇમપાસ કરતું હોય ત્યારે આ બાબત ઘણી વાર પ્રેક્ષકોમાં ઝઘડા કરાવવાનું અને બોલાચાલીનું કારણ બની જાય છે. અનેક વખત મોબાઇલ રણકતો હોવાથી નાટકને અધવચ્ચે અટકાવી દેવામાં આવે છે. એને કારણે નાટક જોતી વખતે પ્રેક્ષકોનો જે રસ જળવાયેલો હોય છે એમાં ખલેલ પડે છે અને પ્રેક્ષકોની નાટક જોવાની મજા બગડી જાય છે. આ બધાની વિપરીત અસર ક્યાંક ને ક્યાંક રંગભૂમિ પર પણ પડે છે.

 તાજેતરમાં નાશિકમાં ‘નૉક-નૉક સેલિબ્રિટી’ નામના નાટક વચ્ચે પ્રેક્ષકોના ડિસ્ટર્બન્સને કારણે નાટકમાં મુખ્ય પાત્ર ભજવતા તથા ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ ફેમ સુમીત રાઘવને અધવચ્ચેથી નાટક અટકાવી દીધું હતું. આવાં કારણોને ધ્યાનમાં લઈને દહિસરના વૉર્ડ-ક્રમાંક ૭નાં શિવસેનાનાં કૉપોર્રેટર શીતલ મ્હાત્રેએ એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે જેમાં નાટ્યગૃહમાં મોબાઇલ-જૅમર બેસાડવાની વાત કરી છે એથી આવતી મુંબઈ મહાનગરપાલિકાની મહાસભામાં એ પ્રસ્તાવ પર ચર્ચા કરીને એને મંજૂરી મળે છે કે નહીં એના પર બધાનું ધ્યાન રહેશે. જોકે ધાર્યા મુજબ ‘મિડ-ડે’એ જે નાટ્યરસિકો સાથે વાત કરી તેમને આ મોબાઇલ-જૅમર બેસાડવાનો વિચાર જરાય ગમ્યો નથી. બીજી તરફ નાટ્ય કસબીઓએ તો આવાં મોબાઇલ-જૅમર્સ બેસાડવાના નર્ણિયનું સ્વાગત કર્યું છે.



નાટકરસિકો શું કહે છે?


ઇમર્જન્સી ઊભી થાય ત્યારે શું?

છેલ્લાં પંચાવન વર્ષથી હું નાટક જોઉં છું. લોકો મનોરંજન માટે નાટક જોવા આવતા હોય છે. લોકોએ પોતે જ સમજીને ફોન બંધ અથવા સાયલન્ટ પર રાખવા જોઈએ. જોકે મોબાઇલ-જૅમર બેસાડવાનો પ્રસ્તાવ મને યોગ્ય લાગતો નથી. નાટક જોતા લોકો મોબાઇલ બંધ કરે ત્યારે કોઈ પણ પ્રકારની એટલે કે ઘરની કે સોશ્યલી ઇમર્જન્સી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. મોબાઇલ બંધ કરવામાં આવે તો તકલીફ ઊભી થઈ શકે છે. ફોન બંધ હોવાને કારણે કોઈ વ્યક્તિની જિંદગી જોખમમાં પણ મુકાઈ શકે છે. એથી મોબાઇલ-જૅમર બેસાડવા જેવાં પગલાં લેવાં અયોગ્ય છે.


- અશોક મહેતા (લાલુભાઈ), વાલકેશ્વર

...એટલે કાંઈ જૅમર ન લગાડાય

નાટ્યગૃહમાં નાટક જોતા લોકો મોટા ભાગે મોબાઇલ સ્વિચ્ડ-ઑફ અથવા સાયલન્ટ પર રાખતા હોય છે. અમુક વખત એવું બને કે લોકો મોબાઇલ બંધ કરવાનું કે સાયલન્ટ પર મૂકવાનું ભૂલી જતા હશે, પરંતુ એનો મતબલ એ નથી કે જૅમર બેસાડી દેવામાં આવે. આ પ્રસ્તાવ સાથે હું તો જરાય સહમત નથી. મોબાઇલ આજની તારીખે અતિમહkવનું સાધન છે અને એ બંધ કરવાથી અમુક વખત ભારે તકલીફ ઊભી થઈ શકે છે. હું છેલ્લાં પંદરેક વર્ષથી પરિવાર, મિત્રો સાથે નાટક જોવા જાઉં છું, પરંતુ મોબાઇલ જૅમરનો વિકલ્પ એક રીતે તો ખોટો કહેવાય.

જેનેન્દ્ર શાહ, બ્રીચ કૅન્ડી

સેલ્ફ ડિસિપ્લિન જરૂરી

હું ૧૮ વર્ષનો હતો ત્યારથી નાટક જોઉં છું. સેલ્ફ ડિસિપ્લિન તમારામાં હોવી જોઈએ અને એ કોઈ શીખવાડે અને આપણે શીખીએ એવું ન હોવું જોઈએ. મોબાઇલને વાઇબ્રેશન પર તમારે પોતે રાખવો જોઈએ. બાળકો રડે તો તેમને બહાર લઈ જવાય છે એ રીતે મોબાઇલ સાયલન્ટ કે વાઇબ્રેશન પર રાખવામાં આવે અને ફોન આવે ત્યારે શોમાંથી બહાર જઈને વાત કરવી જોઈએ.  જોકે જૅમરનો પ્રસ્તાવ પ્રેક્ષકો માટે તદ્દન ખોટું પગલું ગણાશે અને એને કારણે વિપરીત અસર પણ થઈ શકે છે.’

હિતેન શાહ, મલાડ

ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા જાણીતા ચહેરાઓ શું કહે છે?

વિકલ્પ ઊભો કરવો જોઈએ...

મોબાઇલ-જૅમરનો વિકલ્પ પ્રથમ દૃષ્ટિએ એકદમ યોગ્ય લાગે છે, પરંતુ પ્રેક્ષકોમાં અનેક ડૉક્ટર, વકીલ વગેરે પણ આવે છે એટલે મોબાઇલ સ્વિચ્ડ-ઑફ કરીને બેસી જાય તો એ ન ચાલે. એનાથી તકલીફ થઈ શકે છે. ચાલુ નાટકે ૧૦ ટકા જેટલા લોકો મોબાઇલ પર પોતાના મેસેજિસ વાંચતા હોય છે અને એમાંથી આવતો પ્રકાશ અન્ય પ્રેક્ષકોને હેરાન કરે છે એથી જૅમર સામે વિકલ્પરૂપે એવું કરી શકાય કે પ્રેક્ષકોએ નાટયગૃહના નંબર તેમના પરિવારજનોને આપી રાખવા જોઈએ જેથી કોઈ ઇમર્જન્સી જેવી પરિસ્થિતિ સર્જાય થાય તો નાટ્યગૃહવાળા અનાઉન્સ કરીને અથવા તો આપણને આવીને જાણ કરી શકે છે. આવો વિકલ્પ રંગભૂમિના હિતમાં પણ છે.

- પ્રવીણ સોલંકી, નાટ્યલેખક

પ્રેક્ષકો મોબાઇલને ચોંટેલા હોય છે

અનેક પ્રેક્ષકો નાટકમાંથી થોડો રસ ઓછો થાય એટલે મોબાઇલ પર ચોંટી જાય છે. ફોન કરવા માંડે, વૉટ્સઍપ કરવા માંડે અને એને લીધે તેઓ પ્લેને ડિસ્ટર્બ તો કરે જ છે, પણ સાથે પ્રેક્ષકોને પણ હેરાન કરતા હોવાથી તેમનો નાટક જોવાનો રસ મરી જાય છે. એટલે જૅમરનો વિકલ્પ સારો છે અને એને કારણે અમુક કલાક મોબાઇલ બંધ થઈ જશે. આ માટે પહેલાં લોકોને એ વિશે સુશિક્ષિત કરવું અત્યંત જરૂરી છે.

લતેશ શાહ, લેખક-દિગ્દર્શક-નર્મિાતા

ફ્લાઇટના નિયમોની માફક પાલન થવું જોઈએ

મોબાઇલ-જૅમરનો પ્રસ્તાવ એકદમ યોગ્ય છે. નાટ્યગૃહના અમુક નિયમો છે; જેમાં વિડિયો કે ફોટો ન લેવા, પાંચ વર્ષથી નાનાં બાળકોને પ્રવેશ નહીં અને મોબાઇલ સાયલન્ટ પર રાખવા જોઈએ. જોકે આ નિયમોને ભાગ્યે જ લોકો પાળે છે. જ્યારે તમે ફ્લાઇટમાં બેસો ત્યારે તમને કહેવામાં આવે છે કે મોબાઇલ બંધ કરો, સ્મોકિંગ ન કરો અને એ નિયમોનું આપણે પાલન કરીએ છીએને? બધા પ્રેક્ષકો પૈસા આપીને નાટક જોવા આવે છે તો અન્ય પ્રેક્ષકોને મોબાઇલને કારણે હેરાનગતિ ન થવી જોઈએ. થિયેટરના જે નિયમો છે એ જાળવી રાખવા જોઈએ. સુમીત રાઘવનના નાટક વખતે બનેલા બનાવ બાદ મોબાઇલ-જૅમરની માગણી થઈ એ એકદમ યોગ્ય છે. વર્ષો પહેલાં મોબાઇલ વગર લોકો નાટક જોતા જ હતાને, ત્યારે કેવી રીતે સંપર્ક થતો હતો?

સંજય ગોરડિયા, નર્મિાતા-દિગ્દર્શક-અભિનેતા

 

લોકોએ પોતે સમજવું જરૂરી

મારા હિસાબે મોબાઇલ-જૅમર બેસાડવાં એ યોગ્ય સૉલ્યુશન નથી, કારણ કે અમુક વખત અમને કોઈ કલાકાર મોડો પડ્યો હોય તો તેનો સંપર્ક કરવાનું ભારે પડી જાય છે. નેહરુમાં જૅમર હોવાથી અમને કોઈનો સંપર્ક કરવો હોય તો તકલીફ થઈ જાય છે. નાટક વખતે અમે વારંવાર અનાઉન્સમેન્ટ કરતા હોઈએ છીએ અને અનેક વખત નાટકને અટકાવી દેવાય છે. એથી આ સમસ્યાનો એક જ વિકલ્પ છે કે લોકોએ પોતે જ સમજવાની જરૂર છે કે આપણે લીધે અન્ય પ્રેક્ષકોને હેરાનગતિ ન થાય. જોકે પહેલાં કરતાં હવે લોકો ઓછા પ્રમાણમાં મોબાઇલનો ઉપયોગ કરે છે.

અપરા મહેતા, અભિનેત્રી

કલાકારોની મહેનત સામે ધ્યાન આપતા નથી

મોબાઇલ-જૅમરનો પ્રસ્તાવ એકદમ સારો છે. કલાકાર તરીકે મને તો ખૂબ સારો લાગ્યો છે. એનું કારણ એ છે કે કલાકારો મહેનત કરીને તેમનો પર્ફોર્મન્સ આપતા હોય ત્યારે લોકો મોબાઇલમાં ખૂંપ્યા હોય તો તેમની મહેનત એક રીતે તો પાણીમાં જતી રહે છે. નાટકની ટિકિટ લઈને તમે જો નાટક જોવા આવતા હો તો તમારે નાટકનો આનંદ લેવો જ જોઈએ, મોબાઇલનો નહીં. ઇમર્જન્સીની વાત કરો તો એનો કોઈ વિકલ્પ જ નથી. લોકોને એવું લાગતું હોય કે અમુક સમય સુધી મોબાઇલ બંધ રહેશે તો આફત તૂટી પડશે તો મારા હિસાબે એવા લોકોએ નાટક જોવા આવવું ન જોઈએ. પહેલાં પણ લોકો મોબાઇલ વગર નાટક જોવા આવતા જ હતાને.

પ્રતીક ગાંધી, નાટ્યકલાકાર

Whatsapp-channel Whatsapp-channel

11 June, 2019 09:36 AM IST | | પ્રીતિ ખુમાણ ઠાકુર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK