તેનું કહેવું છે કે તે તેના યુનિયન અને તેના કલીગ્સના પડખે ઊભી છે
હૉલીવુડની સ્ટ્રાઇકને સપોર્ટ કર્યો પ્રિયંકાએ
પ્રિયંકા ચોપડા જોનસે હૉલીવુડમાં ચાલી રહેલી હડતાળને પોતાનો ટેકો આપ્યો છે. બે મહિના અગાઉ રાઇટર્સ સ્ટ્રાઇક પર ઊતર્યા છે અને હવે તેમને સપોર્ટ કરવા હૉલીવુડના ઍક્ટર્સ પણ આગળ આવ્યા છે. ધ સ્ક્રીન ઍક્ટર્સ ગીલ્ડ-અમેરિકન ફેડરેશન ઑફ રેડિયો ઍન્ડ ટેલિવિઝન આર્ટિસ્ટ્સએ સ્ક્રીન રાઇટર્સની હડતાળને ટેકો આપતાં તેમના પક્ષમાં વોટ કર્યા હતા. ૧૯૮૦ બાદ હૉલીવુડની આ પહેલી હડતાળ છે. સાથે જ આવું પહેલી વખત બન્યું છે જ્યારે હૉલીવુડનાં બે યુનિયન એકસાથે સ્ટ્રાઇક પર ઊતર્યાં છે. રાઇટર્સ ગીલ્ડ ઑફ અમેરિકાની ડિમાન્ડ છે કે તેમને સારું મહેનતાણું મળે, મિનિમમ પેમાં વધારો થાય અને એક શોમાં વધારે રાઇટર્સને કામ આપવામાં આવે. તેમની આ ડિમાન્ડને જોતાં અત્યાર સુધી સુપરસ્ટાર સિલિયન મર્ફી, એમિલી બ્લન્ટ, ફ્લોરેન્સ પુઘ અને ઑસ્કર વિજેતા મેરિલ સ્ટ્રીપે પણ સપોર્ટ કર્યો છે. હવે પ્રિયંકાએ પણ તેમને સપોર્ટ દેખાડ્યો છે. એ વિશે ઇન્સ્ટાગ્રામ પર પ્રિયંકાએ લખ્યું કે ‘મારા યુનિયન અને મારા કલીગ્સની પડખે હું ઊભી છું. સાથે મળીને આપણે આપણું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનાવીશું.’


