કૉમેડી ફિલ્મના ઇન્ટરવલ પછીના પાર્ટમાં જે સોશ્યલ ઇશ્યુનો સમાવેશ કરવામાં આવ્યો છે એની જરૂર નહોતી : વરુણ શર્મા, પુલકિત અને પકંજ ત્રિપાઠીનાે પર્ફોર્મન્સ જોરદાર છે ત્યારે મનજોત અને રિચાના પાત્રને જોઈએ એટલો સ્ક્રીન-ટાઇમ આપવામાં નથી આવ્યો
ફુકરે 3 ફિલ્મ
ફુકરે 3
કાસ્ટ : વરુણ શર્મા, પંકજ ત્રિપાઠી, રિચા ચઢ્ઢા, પુલકિત સમ્રાટ અને મનજોત સિંહ
ડિરેક્ટર : મ્રિગદીપ સિંહ લામ્બા
ADVERTISEMENT
સ્ટાર:3/5
વરુણ શર્મા, પંકજ ત્રિપાઠી, રિચા ચઢ્ઢા, પુલકિત સમ્રાટ અને મનજોત સિંહની ‘ફુકરે 3’ થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને મૃગદીપ સિંહ લામ્બાએ ડિરેક્ટ અને ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીએ પ્રોડ્યુસ કરી છે.
સ્ટોરી ટાઇમ
‘ફુકરે’ અને ‘ફુકરે રિટર્ન્સ’ જ્યાં પૂરી થઈ હતી ત્યાંથી ત્રીજા પાર્ટની શરૂઆત કરવામાં આવી છે. જોકે ત્રીજા પાર્ટની શરૂઆતમાં એક ગીતની સાથે પહેલી બે ફિલ્મનો એક રીકૅપ આપવામાં આવ્યો છે. આ રીકૅપની મદદથી દર્શકોને પહેલી બે ફિલ્મમાં શું થયું હતું એની યાદ તાજી થઈ જશે. ફિલ્મ શરૂ કરવાનો આ યુનિક નહીં, પરંતુ ઇન્ટરેસ્ટિંગ રસ્તો છે. ચૂચા એટલે કે વરુણ શર્મા પહેલાં કરતાં વધુ ફુકરો હોય છે. તે તેના સુપરપાવર ડેજા ચૂ વડે હની એટલે કે પુલકિત સમ્રાટ સાથે મળીને લૉટરી જીતવાનાં સપનાં જોતો હોય છે. જોકે તેઓ એ જીતતા નથી. ચૂચાના ઍન્ટિકની પાછળ હનીનું દિમાગ હોય છે. તેમની સાથે લાલી એટલે કે મનજોત સિંહ પણ હોય છે. આ ત્રણની ગૅન્ગને પંડિત એટલે કે પંકજ ત્રિપાઠી જોડીને રાખે છે. ફિલ્મની હિરોઇન તેની ગુંડાગર્દીથી હટીને હવે પૉલિટિક્સમાં જતી રહે છે. જોકે તે ઇલેક્શન લડવાની હોય છે ત્યારે તેના રસ્તામાં ચૂચા કાંટો બને છે. ભોલી પંજાબન કરતાં ચૂચા ખૂબ જ પૉપ્યુલર થઈ જાય છે. જોકે એમ છતાં ભોલી રસ્તો શોધી કાઢે છે કે ચૂચા ઍન્ડ કંપનીને કેવી રીતે પોતાના માટે કામ કરાવવું. જોકે વિલન કોણ છે અને તેમની સીધીસાદી લાઇફમાં આગળ શું થાય છે એ જોવા માટે ફિલ્મ જોવી રહી.
સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
ફિલ્મની સ્ટોરી વિપુલ વિગે લખી છે અને ડાયલૉગ પણ તેણે લખ્યા છે. ઍડિશનલ ડાયલૉગ મૃગદીપ સિંહ લામ્બાએ લખ્યા છે. ફિલ્મની સ્ટોરી પર ધ્યાન આપવામાં આવે તો એ ખાસ અને ખાસ ફુકરા લોકોને માટે લખવામાં આવી હોય એવું લાગે છે. આ ફિલ્મનો યુએસપી છે. ચૂચા પાસે કોઈ સુપરપાવર નથી હોતો, પરંતુ એમ છતાં સુપરપાવર હોય છે. અહીં સ્ક્રિપ્ટ હોવા છતાં બધું ઑર્ગેનિક થઈ રહ્યું હોય એવું લાગે છે. પહેલા પાર્ટને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનાવવામા આવ્યો છે અને એમાં પંચલાઇન પણ ઘણી છે. જોકે પહેલો પાર્ટ ક્યાં પૂરો થઈ જાય છે એ ખબર નથી પડતી ત્યાં બીજા પાર્ટમાં ફિલ્મ સિરિયસ થવા માંડે છે. ‘ફુકરે’ જોવા આવેલા લોકો માટે આ ફિલ્મ થોડી સિરિયસ બની જાય છે એ વિચિત્ર છે. ફિલ્મમાં દિલ્હીના લોકોને પાણી માટે પડતી તકલીફ અને પાણીના ટૅન્કર માફિયાની તાનાશાહીની વાત કરવામાં આવી છે. ફિલ્મમાં ડાયલૉગ લખવામાં પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પંકજ ત્રિપાઠીના ભાગે એવા ડાયલૉગ આપવામાં આવ્યા છે જે તેની પર્સનાલિટીને સૂટ કરે. તેની પાસે સૌથી સારા ડાયલૉગ છે. બીજી તરફ ચૂચાને એવા ડાયલૉગ આપવામાં આવે છે જે ફક્ત તે અને તે જ બોલી શકે, પરંતુ આ ફક્ત પહેલા પાર્ટમાં જ. બીજા પાર્ટમાં રાઇટર્સ અને મેકર્સ ડાયલૉગ લખવાનું અને ફિલ્મને ફની બનાવવાનું ભૂલી ગયા હોય એવું લાગે છે. જો ફિલ્મને સિરિયસ ન બનાવવામાં આવી હોત અને વધુ પંચલાઇન હોત તો ફિલ્મ અલગ જ લેવલની બની હોત. આ ફિલ્મને ખાસ કરીને ચૂચાની આસપાસ બનાવવામાં આવી છે. દર્શકોમાં તે ફેમસ છે એટલે એ વાજબી પણ છે. જોકે ભોલી પંજાબનને સાઇડલાઇન નહોતી કરવી જોઈતી હતી. આ ફિલ્મમાં અલગ વિલનની એન્ટ્રી કરતાં તેનો સ્ક્રીન ટાઇમ ઓછો થઈ ગયો છે. જોકે ચૂચા અને પંડિતજી એ કસર પૂરી કરે છે. આ સાથે જ હનીને પણ સારો સ્ક્રીન ટાઇમ મળ્યો છે, પરંતુ લાલીનો ટાઇમ ઓછો થઈ ગયો છે. મૃગદીપ સિંહ લામ્બાએ જૂનીપુરાણી ટેસ્ટેડ ફૉર્મ્યુલાનો જ આ ફિલ્મમાં ઉપયોગ કર્યો છે અને એ ટેમ્પલેટને વળગી રહ્યો છે.
પર્ફોર્મન્સ
ફિલ્મ ૩૬૦ ડિગ્રી ચૂચાની આસપાસ ફરે છે. તેના પાત્રને લોકોમાં કુતૂહલ જગાડવા માટે ખાસ ધ્યાન રાખીને બનાવવામાં આવ્યું હતું કે ચૂચા આ ફિલ્મમાં હવે શું કરશે. તેને વધુ માઇલેજ આપવામાં આવતાં તેની ગતિ કેટલીક વાર સ્પીડમાં જોવા મળી છે તો કેટલીક વાર ધીમી. જોકે ચૂચાએ તેના પર્ફોર્મન્સને કારણે ચૂચાની લાજ બચાવીને રાખી છે. પુલકિતે પણ સારું કામ કર્યું છે. તેની અગાઉની ફિલ્મો કરતાં તેનો પર્ફોર્મન્સ વધુ નૅચરલ જોવા મળે છે. મનજોત સિંહ પાસે ખૂબ જ ઓછું કામ છે, પરંતુ તેને જ્યારે પણ ચાન્સ મળ્યો તેણે સ્ક્રીન પર લાઇમ લાઇટ ચોરી લીધી છે. રિચાને વેડફી કાઢવામાં આવી છે. ભોલી પંજાબન જે એક સ્ટ્રૉન્ગ કૅરૅક્ટર હતું એ હવે એટલું જોવા નથી મળ્યું. પંકજ ત્રિપાઠીના પાત્રને પહેલાં કરતાં વધુ સ્ક્રીન ટાઇમ આપવામાં આવ્યો છે અને તેણે એનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કર્યો છે. ત્રીજી ફિલ્મને ચૂચાની આસપાસ બનાવવામાં આવી છે અને ચોથી ફિલ્મ પંડિતજીની આસપાસ બનાવવામાં આવે તો નવાઈ નહીં. જોકે અલી ફઝલ ત્રીજા પાર્ટમાંથી ગાયબ હતો, પરંતુ ચોથા પાર્ટમાં તે જોવા મળશે આથી તેની આસપાસ પણ સ્ટોરી વણવામાં આવે એવું બની શકે છે.
આખરી સલામ
ફિલ્મમાં તેનો કૅમિયો છે એ રિલીઝ પહેલાં આવી ગયું હતું. આ ફિલ્મમાં સિરિયસનેસની સાથે બીજો એક માઇન્સ પૉઇન્ટ એનાં ગીત છે. જોકે મેકર્સે ‘અંબરસરિયા’ને હાઇલાઇટ બનાવી એક સારા ગીતની કસર પણ દૂર કરવાની કોશિશ કરી છે.


