ટ્રેલર જોયા બાદ ફિલ્મ કૉમેડી લાગે છે, પરંતુ આ એક સ્લાઇસ-ઑફ-લાઇફ ફિલ્મ છે : સાન્યા મલ્હોત્રાએ ખૂબ સારું કામ કર્યું છે, પરંતુ ઉમેશ બિસ્તે એકસાથે વધુ ઇશ્યુ પર વાત કરતાં ફિલ્મ થોડી માર ખાઈ ગઈ છે
ઇમોશન્સથી ભરપૂર ‘પગલૈટ’
સાન્યા મલ્હોત્રાની ‘પગલૈટ’ હાલમાં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મને ઉમેશ બિસ્ત દ્વારા લખવામાં અને ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં ઘણા ઍક્ટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ સ્ટોરી જે વ્યક્તિની આસપાસ ફરે છે એ વ્યક્તિ જ ફિલ્મમાંથી ગાયબ છે.
સ્ટોરી
સાન્યા મલ્હોત્રાએ સંધ્યા ગિરિનું પાત્ર ભજવ્યું છે જેના પતિ આસ્તિક ગિરિનું મૃત્યુ થાય છે. ભણેલી-ગણેલી સંધ્યાનાં લગ્ન થયાના થોડા મહિનામાં જ તેના પતિનું મૃત્યુ થાય છે જેનું દુઃખ પણ તેને મહેસૂસ નથી થતું. એક તરફ ઘરમાં તેના પતિના મૃત્યુનો શોક મનાવાઈ રહ્યો હોય છે ત્યાં તે પેપ્સી અને વેફર ખાતી જોવા મળે છે તેમ જ રડવાને બદલે તેને વધુ ને વધુ ભૂખ લાગતી હોય છે. તેને સદમો લાગ્યો હોવાનું તેના ફૅમિલીનું કહેવું છે અને તેની મમ્મી તેની નજર પણ ઉતારે છે. જોકે સંધ્યાને એવું કંઈ નથી હોતું. કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે તેના પતિએ તેને માટે ૫૦ લાખ રૂપિયાની ઇન્શ્યૉરન્સ પૉલિસી લીધી હોય છે એના રૂપિયા આવે છે. એ પૈસાની પાછળ તેની ફૅમિલી અને એક્સટેન્ડેડ ફૅમિલી પડી જાય છે. આ તમામ વચ્ચે સંધ્યા પોતાની જાતને કેવી રીતે શોધે છે એની આ કહાની છે.
ડિરેક્શન અને સ્ક્રિપ્ટ
ઉમેશ બિસ્તે આ ફિલ્મની સ્ટોરી અને ડાયલૉગ લખ્યાં છે અને ડિરેક્ટ કરી છે. સ્ટોરી ખૂબ સારી રીતે લખવામાં આવી છે. શરૂઆતમાં આ સ્ટોરી દરેક ઘરની કહાની હોય એવી લાગે છે, પરંતુ સમય જતાં એમાં ટ્વિસ્ટ આવવાનું શરૂ થાય છે. લાલચ, દુઃખ, પ્રેમ, હિંમત અને બિન્દાસપણા જેવાં ઇમોશન્સને ઉમેશ બિસ્તે સારી રીતે રજૂ કર્યાં છે. તેણે કેટલાક ડાયલૉગ ખૂબ સારી રીતે લખ્યા છે જેની ફિલ્મ પર અસર જોવા મળે છે. ઉમેશે આ સ્ટોરી સંધ્યા કયા-કયા ઇમોશનમાંથી પસાર થાય છે એ મુજબ રજૂ કરી છે. એક જ સેટમાં કહો કે પછી ઘરમાં મોટા ભાગની ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે છતાં તેણે તેના ડિરેક્શનમાં કમાલ કરી દેખાડી છે તેમ જ કૅમેરાવર્કને કારણે ફિલ્મનાં દરેક ઇમોશન્સને સારી રીતે જોઈ શકાય છે.
ઍક્ટિંગ
સાન્યા મલ્હોત્રાએ ખૂબ અદ્ભુત કામ કર્યું છે. પતિના મૃત્યુ છતાં તેને કોઈ પ્રકારનું દુઃખ ન થયું હોય એ તેના ચહેરા પર જોઈ શકાય છે તેમ જ પોતાના પતિને સારી રીતે જાણી ન શકી અને પ્રેમ ન મેળવી શકી એની તેને જ્યારે જાણ થાય છે ત્યારે પણ તેના ચહેરા પર એનું દુઃખ ખૂબ સારી રીતે દેખાઈ આવે છે.એ સિવાય રઘુવીર યાદવે ખૂબ સારું કામ કર્યું છે. આશુતોષ રાણાએ એક લાચાર પિતાનું કામ ખૂબ સારી રીતે કર્યું છે, પરંતુ તેમને વધુ સ્ક્રીનટાઇમ આપવાની જરૂર હતી. એ જ રીતે રાજેશ તેલંગને પણ વધુ સ્ક્રીનટાઇમની જરૂર હતી. ‘સાઇના’માં ઍક્ટિંગની અદાકારી દેખાડનાર મેઘના મલિકને લિમિટેડ કામ મળ્યું છે. સયાની ગુપ્તાએ તેની મહેમાન ભૂમિકા સારી રીતે ભજવી છે તો શ્રુતિ શર્માએ પણ સારો સપોર્ટિંગ રોલ કર્યો છે.
માઇનસ પૉઇન્ટ
આ ફિલ્મમાં એકસાથે ઘણા ઇશ્યુ પર વાતો કરવામાં આવી છે. પતિના મૃત્યુના દુઃખની સાથે ફરી લગ્ન કરવાની, અન્ય ધર્મની વ્યક્તિ સાથે ઘરમાં અણછાજતું વર્તન કરવું, મહિલાઓ શું વિચારે છે અને તેમણે શું કરવું છે એના પર કોઈ ધ્યાન ન આપવું, પરિવારના સભ્યોની પૈસા પર નજર વગેરે બાબતોને વણી લેવામાં આવી છે. જોકે આ તમામ વિશે થોડી-થોડી વાત કરવામાં સ્ટોરીમાં જોઈએ એટલી ઇમ્પૅક્ટ નથી આવી. શરૂઆતથી સંધ્યાને શું જોઈએ છે એની તેને જાણ નથી હોતી, પરંતુ તેના પતિના ભૂતકાળના અફેર વિશે તેને જ્યારે જાણ થાય છે ત્યારે તે તેના મૃત્યુ પામેલા પતિ વિશે જાણવાની કોશિશ કરે છે. આ ટ્રૅકને ખૂબ લાંબો ખેંચવામાં આવ્યો છે જેની જરૂર નહોતી લાગતી. ફિલ્મનો ક્લાઇમેક્સ પણ એકદમ પ્રિડિક્ટેબલ બનાવવામાં આવ્યો છે.
મ્યુઝિક
અરિજિત સિંહ આ ફિલ્મ દ્વારા કમ્પોઝર બન્યો છે અને તેણે સારું મ્યુઝિક પણ આપ્યું છે. ફિલ્મનાં ગીતો નીલેશ મિશ્રા અને ટાઇટલ-ટ્રૅક રફતાર દ્વારા લખવામાં આવ્યો છે. ‘ફિરે ફકીરા’ સ્ટોરી સાથે ખૂબ બંધ બેસતું લાગે છે.
આખરી સલામ
આસ્તિક બસ્તી કોણ છે એ જાણવાની કોશિશ કરવા કરતાં સાન્યા મલ્હોત્રાની ઍક્ટિંગને એન્જૉય કરવું વધુ સારું છે. આ ફિલ્મ ઇન્ટેન્સ અથવા તો કૉમેડી બની શકી હોત, પરંતુ ઉમેશ બિસ્તે સ્ટોરી પર ખૂબ કાબૂ રાખ્યો છે અને તેને ઇમોશન્સથી ભરપૂર સ્લાઇસ-ઑફ-લાઇફ ફિલ્મ બનાવવામાં સફળતા મળી છે.

