વિકી કૌશલનું માનવું છે કે આપણા દેશની વિવિધતાને ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સુંદર રીતે રજૂ કરે છે.

વિકી કૌશલ
વિકી કૌશલનું માનવું છે કે આપણા દેશની વિવિધતાને ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સુંદર રીતે રજૂ કરે છે. વિકીની ફિલ્મ ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફૅમિલી’ બાવીસમી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં વિકી ભજન-ગાયકના રોલમાં દેખાશે. આ પારિવારિક ફિલ્મમાં તેની સાથે માનુષી છિલ્લર, કુમુદ મિશ્રા અને મનોજ પાહવા પણ જોવા મળશે. ફિલ્મને વિજય ક્રિષ્ન આચાર્યએ ડિરેક્ટ કરી છે અને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં પરસ્પર એકતા પર ભાર મૂકવામાં આવ્યો છે. દેશની વિવિધતામાં એકતા વિશે વિકી કૌશલે કહ્યું હતું કે ‘આપણી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી ભારતની સુંદર વિવિધતાનું ખરા અર્થમાં પ્રતિનિધિત્વ કરે છે. અહીં અલગ-અલગ બૅકગ્રાઉન્ડ ધરાવતા લોકો પોતાની ટૅલન્ટ અને કામ દ્વારા પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે. આ વિવિધતાનો મને ગર્વ છે કે જ્યાં સેટ પર અમે બધા એક યુનિટ તરીકે ફિલ્મ અથવા પ્રોજેક્ટને પૂરો કરવા માટે કામ કરીએ છીએ. એથી અમે ખૂબ ખુશ છીએ અને ગર્વ અનુભવી રહ્યા છીએ. અમારી ઇન્ડસ્ટ્રી ભારતનું સૂક્ષ્મ રૂપ છે અને એનો ભાગ બનીને હું પોતાને નસીબદાર માનું છું.’