વામન વ્યક્તિત્વ ધરાવતા ઍક્ટર લિલિપુટે એક પૉડકાસ્ટમાં કહ્યું કે કિંગ ખાનની હીરો તરીકેની ઇમેજને કારણે તેને ઠીંગણાના રોલમાં જોવું મુશ્કેલ હતું
લિલિપુટ
બૉલીવુડના લિલિપુટ નામના ઍક્ટરે શાહરુખ ખાને ૨૦૧૮માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝીરો’માં ઠીંગણાની ભૂમિકા ભજવી એ બદલ તેની ટીકા કરી છે. લિલિપુટ પોતે વામન વ્યક્તિત્વ ધરાવે છે અને એક પૉડકાસ્ટમાં તેણે શાહરુખની ઍક્ટિંગની તુલના કમલ હાસનની ફિલ્મ ‘અપ્પુ રાજા’ (૧૯૮૯) સાથે કરી અને કહ્યું કે શાહરુખે ‘ઝીરો’માં કમલ હાસનની નકલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે તેમનાં ચરણોની ધૂળની પણ બરાબર નથી.

ADVERTISEMENT
ઝીરો, અપ્પુ રાજા
પોતાના ઇન્ટરવ્યુમાં લિલિપુટે જણાવ્યું, ‘જે વ્યક્તિ દૃષ્ટિહીન નથી તે દૃષ્ટિહીનની જેમ અભિનય કરી શકે છે પરંતુ જે વ્યક્તિ ઠીંગણી નથી તે ઠીંગણાની જેમ કેવી રીતે અભિનય કરશે? કારણ કે ઠીંગણા લોકો સામાન્ય હોય છે. તેમની હાથની હિલચાલ સામાન્ય હોય છે. તેઓ હસે છે અને બીજા કોઈની જેમ વિચારે છે, ફક્ત તેમનો દેખાવ અલગ હોય છે. તો તમે તેમનો અભિનય કેવી રીતે કરશો? કમલજીએ ‘અપ્પુ રાજા’માં ઠીંગણી વ્યક્તિની શારીરિક વિગતોને ઝીણવટથી દર્શાવી. ઠીંગણા લોકોનું શરીર થોડું અલગ હોય છે, તેમની આંગળીઓ નાની અને થોડી જાડી હોય છે. હાથ, ચહેરો અને પગ અલગ હોય છે. જો તમે પ્રભાવ ન છોડી શકો તો ફિલ્મ શા માટે બનાવો? શાહરુખની હીરો તરીકેની ઇમેજને કારણે તેને ઠીંગણાના રોલમાં જોવું મુશ્કેલ હતું. વળી ‘ઝીરો’માં ઠીંગણી વ્યક્તિનાં દુઃખ અને લાગણીઓને યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યાં નથી.’
આ ટીકા શાહરુખ ખાનના તાજેતરના રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યા બાદ આવી છે, જેના કારણે એ વધુ ચર્ચામાં આવી છે.


