૧૭૦ કરોડ રૂપિયા નેટવર્થની અફવાને લઈને મનોજ બાજપાઈએ કહ્યું કે તેની અને તેની પત્નીની વૃદ્ધાવસ્થા સારી રીતે પસાર થઈ શકે એટલા પૈસા છે

મનોજ બાજપાઈ
મનોજ બાજપાઈની નેટવર્થ ૧૭૦ કરોડ રૂપિયા છે એવી અફવા ફેલાતાં તે ચોંકી ગયો છે. એના પર પ્રતિક્રિયા આપતાં તેણે જણાવ્યું કે તેની અને તેની પત્નીની વૃદ્ધાવસ્થા સારી રીતે પસાર થઈ શકે એટલી જમા પૂંજી તેની પાસે છે. તેની હાલમાં રિલીઝ થયેલી ‘બંદા’માં તેના પર્ફોર્મન્સની ખૂબ પ્રશંસા થઈ રહી છે. તે ત્રણ દાયકાથી ઍક્ટિંગમાં સક્રિય છે. તેને હાલમાં જ પૂછવામાં આવ્યું હતું કે શું તેની નેટવર્થ ૧૭૦ કરોડ રૂપિયા છે? એનો જવાબ આપતાં મનોજ બાજપાઈએ કહ્યું કે ‘બાપ રે બાપ! ‘અલીગઢ’ અને ‘ગલી ગુલિયાં’ કરીને? જરા પણ નહીં. હા, પણ એટલું તો જરૂર છે કે ભગવાનની દયાથી મારી અને મારી પત્નીની વૃદ્ધાવસ્થા સારી રીતે પસાર થઈ જશે અને મારી દીકરી પણ સેટ થઈ જશે.’ મનોજ બાજપાઈ મૂળ બિહારનો છે અને સબર્બમાં રહે છે. એ વિશે મનોજ બાજપાઈએ કહ્યું કે ‘હું સાઉથ મુંબઈનો નથી. ન તો બાંદરાનો છું. હું આજે પણ અંધેરીના લોખંડવાલામાં રહું છું. હું હંમેશાં કહેતો આવ્યો છું કે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મધ્યમાં નથી રહેતો. હું ઇન્ડસ્ટ્રીની બાઉન્ડરી પર બેઠો છું અને આ મારી પોતાની પસંદ છે.’