આ મિત્ર બીજું કોઈ નહીં પણ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની એ ફેમસ ઍક્ટ્રેસ છે જેણે સૌદાગરમાં મનીષા કોઇરાલાની સાસુનો રોલ ભજવ્યો હતો
મનીષા કોઇરાલાએ સોશ્યલ મીડિયામાં કરેલી પોસ્ટનો ફોટો
મનીષા કોઇરાલા સોશ્યલ મીડિયામાં ભાગ્યે જ પોસ્ટ કરતી હોય છે. જોકે તાજેતરમાં તેણે પોતાની લેટેસ્ટ પોસ્ટમાં તેના ફૅન્સની મુલાકાત તેની ખાસ મિત્ર સાથે કરાવી છે. તેની આ ખાસ મિત્ર બીજું કોઈ નહીં પણ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની એ ફેમસ ઍક્ટ્રેસ છે જેણે ‘સૌદાગર’માં તેની સાસુનો રોલ ભજવ્યો હતો. મનીષાની આ ખાસ મિત્ર છે દીપ્તિ નવલ. ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર શૅર કરીને મનીષાએ લખ્યું કે ‘પોતાની સૌથી નજીકની મિત્ર સાથે દરિયાકિનારે લટાર મારવી એ શાનદાર અનુભવ છે. મને યાદ છે કે બાળપણમાં હું દીપ્તિ નવલની ફિલ્મો જોતી હતી અને પછી મને તેમની સાથે ‘સૌદાગર’માં કામ કરવાની જ્યારે તક મળી ત્યારે હું બહુ ખુશ થઈ ગઈ હતી. આ ફિલ્મમાં તેમણે મારી સાસુનો રોલ કર્યો હતો અને અમારા સંબંધ આજે પણ મધુર અને સહજ છે.’
મનીષા કોઇરાલા અને દીપ્તિ નવલ વચ્ચે વર્ષોથી ગાઢ મિત્રતા છે. મનીષાની ડેબ્યુ ફિલ્મ ‘સૌદાગર’માં પણ દીપ્તિ નવલે કામ કર્યું હતું અને ત્યારથી બન્ને વચ્ચે સારી મિત્રતા છે. એ પછી મનીષા કૅન્સરનો ભોગ બની અને કૅન્સર સામેનો જંગ જીત્યા પછી તેણે બૉલીવુડમાં બીજી ઇનિંગ્સની શરૂઆત કરી ત્યારે તેણે પહેલી ફિલ્મ કરી હતી ‘દો પૈસે કી ધૂપ, ચાર આને કી બારિશ’. ૨૦૦૯માં આવેલી અને દીપ્તિ નવલે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં મનીષાએ ૧૨ વર્ષના બાળકની માતાનો રોલ કર્યો હતો અને ત્યારથી બન્ને એકબીજાની અત્યંત નજીક છે.


