તેમની દરેક ફિલ્મ વિશે વિસ્તારથી વાત થઈ શકે, પણ આજે ‘મધુમતી’ની વાત કરવી છે. કમાલ અમરોહીની ‘મહલ’માં પુનર્જન્મના વિષયને લઈને વાર્તા આગળ વધતી હતી
બિમલ રૉય, દિલીપકુમાર
Film making is a chance to live life many times.
- Robert Altman ( American director)
ADVERTISEMENT
ફિલ્મસર્જકને એક ભવમાં અનેક ભવ જીવી લેવાનો મોકો મળતો હોય છે. કદાચ આ જ કારણે બિમલ રૉયને કેવળ પંચાવન વર્ષની ઉંમરે દુનિયા છોડી જવાનો અફસોસ નહીં હોય. વ્યક્તિ સ્થૂળ દેહે સ્વર્ગસ્થ થાય છે, પરંતુ તેની અમર કૃતિઓ દ્વારા રસિકોના હૃદયમાં યુગો સુધી તે ચિત્રસ્થ થઈને જીવંત રહે છે.
જે વિષય પરથી ફિલ્મ બનાવવાનો કોઈ વિચાર ન કરે એવા વિષયો લઈને બિમલદાએ ફિલ્મો બનાવી એટલું જ નહીં; એ ફિલ્મોને આગવો સ્પર્શ આપી, સમધુર સંગીતથી મઢીને લોકભોગ્ય બનાવી. ‘નૌકરી’માં શિક્ષિત યુવાનની આજીવિકા માટે નોકરીની તલાશ માટેના સંઘર્ષની હળવાશભરી રજૂઆત હતી, ‘પરખ’માં ગ્રામીણ રાજકારણના કાવાદાવા આસપાસ કથાની સરસ ગૂંથણી કરી (OTT પ્લૅટફૉર્મની ‘પંચાયત’ને કદાચ અહીંથી પ્રેરણા મળી હશે), ‘બંદિની’માં એક કેદીની મનોવ્યથાનું હૃદયસ્પર્શી નિરૂપણ કર્યું. ‘ઉસને કહા થા’ અને ‘પ્રેમપત્ર’ જેવી ફિલ્મો શૉર્ટ સ્ટોરી પરથી બની હતી. જોકે આવી નાજુક પ્રણયકથાને પડદા પર આટલી કલાત્મક રીતે રજૂ કરવાની હિંમત બિમલ રૉય સિવાય કોઈ ન કરી શકે. જેના પરથી ડૉક્યુમેન્ટરી જ બને એવો અસ્પૃશ્યતા-નિવારણ જેવો રુક્ષ વિષય ‘સુજાતા’માં બિમલદાની રજૂઆતને કારણે જ મૃદુ અને સંવેદનશીલ બને છે.
તેમની દરેક ફિલ્મ વિશે વિસ્તારથી વાત થઈ શકે, પણ આજે ‘મધુમતી’ની વાત કરવી છે. કમાલ અમરોહીની ‘મહલ’માં પુનર્જન્મના વિષયને લઈને વાર્તા આગળ વધતી હતી. એના પરથી પ્રેરણા લઈને બિમલદાએ ‘મધુમતી’ની ગૂંથણી કરી. ‘મહલ’ આજે જોઈએ તો મજા ન આવે પણ ‘મધુમતી’ આજે પણ એક વાર નહીં, વારંવાર માણવી ગમે. ધૂંધળું વાતાવરણ, કુદરતી દૃશ્યો, દિલીપકુમાર અને વૈજયંતીમાલાની બહેતરીન અદાકારી, સલિલ ચૌધરીનું અમર સંગીત અને છોગામાં બિમલદાનું ડિરેક્શન. આ સૌના કસબનો સમન્વય ફિલ્મને ‘ક્લાસિક’ની શ્રેણીમાં મૂકવા મજબૂર કરે છે.
ફિલ્મના લેખક હતા ઋત્વિક ઘટક. બિમલદાએ ફિલ્મની વાર્તા માટે તેમને ૩૦૦૦ રૂપિયા આપ્યા હતા. એ દિવસે મોહન સ્ટુડિયોમાં બિમલ રૉય પ્રોડક્શનના યુનિટ મેમ્બરો સાથે કૅરમ રમતાં તેમણે કોઈ મીર માર્યો હોય એમ શેખી મારતાં કહ્યું, ‘મેં એક એવી વાહિયાત ભૂતની વાર્તા લખીને બિમલ રૉયને આપી છે કે એના પરથી તે ફિલ્મ બનાવીને ડૂબી જશે.’ પોતાની ચાલાકીનાં બણગાં ફૂંકતા ઋત્વિક ઘટકને એ સમયે ખબર નહોતી કે ‘મધુમતી’ બિમલ રૉય પ્રોડક્શનની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બનશે.
ફિલ્મનું મોટા ભાગનું આઉટડોર શૂટિંગ નૈનીતાલમાં થયું હતું. એ દિવસોમાં ત્યાં બહુ સગવડ નહોતી. યુનિટના સેંકડો માણસો સાથે લગભગ બે મહિના શૂટિંગ કરવું સહેલું નહોતું. પિનથી પિયાનો સુધીની નાની-મોટી અનેક ચીજવસ્તુઓ મુંબઈથી લાવવી પડતી. આટલા મોટા યુનિટ માટેની ખાવા-પીવાની ચીજો હિલ-સ્ટેશનથી નીચે ઊતરીને લોકલ માર્કેટમાંથી ખરીદવામાં આવતી.
ધુમ્મસનાં દૃશ્યોનો આભાસ સર્જવામાં સેંકડો સ્મોક બૉમ્બની જરૂર પડતી. આ બૉમ્બ ડિફેન્સ ડિપાર્ટમેન્ટમાંથી ખાસ પરમિટ લઈને ખરીદવા પડે. હિલ-સ્ટેશન પર હવામાન ગમે ત્યારે બદલાય એટલે શૂટિંગનું શેડ્યુલ ખોરવાઈ જાય. પરિણામે યુનિટને નિર્ધારિત સમય કરતાં વધુ સમય રોકાવું પડ્યું. આવાં અનેક કારણોસર ફિલ્મનું બજેટ ૧૫ લાખથી વધીને ૨૫ લાખ રૂપિયાનું થઈ ગયું. બિમલદાને આ વાતની ચિંતા હતી, પરંતુ તેમનો સ્વભાવ એવો હતો કે એક વખત ડિસ્ટ્રિબ્યુટર્સ સાથે ફિલ્મની કિંમત નક્કી કર્યા બાદ વધારો માગવો યોગ્ય ન ગણાય. તો પછી આનો ઉપાય શું?
જ્યારે દિલીપકુમારને આ વાતની ખબર પડી ત્યારે તેમણે વિચાર કર્યો કે બિમલદા જેવા સર્જક નાણાભીડમાં આવે તો એની અસર ફિલ્મ પર પડે. તેમને ખબર હતી કે બિમલદા એક ખરાબ બિઝનેસમૅન હતા, પણ સર્જક તરીકે ઉત્તમ હતા.
તેમણે બિમલદાને કહ્યું કે ડિસ્ટ્રિબ્યુટર્સ માટે ફિલ્મનો એક પ્રિવ્યુ શો રાખો. એ દિવસે બધા શો જોઈને લંચ લેતા હતા ત્યારે દિલીપકુમારે બધાને કહ્યું કે ‘ફિલ્મ ઓવરબજેટ થઈ છે અને બિમલદા ચિંતામાં છે એટલે મારી ફી તરીકે મને જે ૭૦,૦૦૦ રૂપિયા મળવાના છે એ હું હાલપૂરતા જતા કરું છું. તમારાથી કોણ આ બાબતમાં મદદરૂપ થઈ શકે એમ છે?’
આ સાંભળીને દિલ્હીના ડિસ્ટ્રિબ્યુટર છોટુભાઈ દેસાઈએ કહ્યું, ‘હું પણ દિલીપકુમારની ફી જેટલી કિંમત વધારી આપું છું.’ આ જોઈને બીજા ડિસ્ટ્રિબ્યુટર્સ પણ બિમલદાની મુશ્કેલી દૂર કરવા તૈયાર થયા. આમ ૧૦ લાખ રૂપિયા જેટલી વધારાની રકમની વ્યવસ્થા થઈ ગઈ. આ શક્ય બન્યું એનું મુખ્ય કારણ દિલીપકુમારનો બિમલદા પ્રત્યેનો પ્રેમ અને આદર હતા.
ફિલ્મ રિલીઝ થઈ અને હિટ ગઈ. ડિસ્ટ્રિબ્યુટર્સે વધારેલી કિંમત બાદ પણ ફિલ્મે સારોએવો નફો કર્યો. દિલીપકુમારની ફી બિમલદાએ ચૂકવી આપી. જો તેમની સમયસર મદદ ન મળી હોત તો ‘મધુમતી’ જેવી ક્લાસિક ફિલ્મ હજી સુધી ડબ્બામાં જ પડી હોત.
જે રીતે ‘મધુમતી’ને પ્રેક્ષકોનો પ્રતિસાદ મળ્યો એ જોઈને સૌને હતું કે આ ફિલ્મ સિલ્વર જ્યુબિલી (પચીસ અઠવાડિયાં) જરૂર ઊજવશે. જોકે નવાઈની વાત એ બની કે મુંબઈના રૉક્સી થિયેટરમાં દરેક શો હાઉસફુલ હોવા છતાં ચોવીસમા અઠવાડિયા બાદ ફિલ્મ ઉતારી લેવામાં આવી. એ વખતે સામાન્ય જનતાને આ વાત ન સમજાઈ.
કેવળ એક અઠવાડિયું ફિલ્મ વધુ ચાલી હોત તો સિલ્વર જ્યુબિલી ઊજવાઈ હોત અને એક માઇલસ્ટોન થાત. જોકે આવું કેમ થયું એનું કારણ ખૂબ જ હાસ્યાસ્પદ હતું. પૂરા દેશમાં ૧૮થી ૨૦ પ્રિન્ટ સાથે રિલીઝ થયેલી ‘મધુમતી’ ગામેગામ ધૂમ મચાવતી હતી. દેશના દરેક સેન્ટરમાં એની બોલબાલા હતી. રૉક્સીમાં પચીસ નહીં પણ ૫૦ અઠવાડિયાં સુધી આ ફિલ્મ ચાલી હોત, પણ એ ન બન્યું.
વાત એમ હતી કે મુંબઈના થિયેટર્સ ઓનર્સ અસોસિએશનના કામગાર યુનિયનનો એક નિયમ હતો કે જો કોઈ ફિલ્મ પચીસ અઠવાડિયાં પૂરાં કરીને સિલ્વર જ્યુબિલી ઊજવે તો માલિકે થિયેટરના સ્ટાફને મોટું બોનસ આપવું પડે. કારણ જે હોય તે, થિયેટરના માલિકે ૨૪ અઠવાડિયાં બાદ ફિલ્મનો કૉન્ટ્રૅક્ટ રિન્યુ ન કર્યો.
બિમલદાએ પોતાના સ્ટાફની પૂરી કદર કરી. તેમણે સૌને ૬ મહિનાનો પગાર બોનસમાં આપ્યો. આ ફિલ્મે બિમલદાને ૪ કરોડ રૂપિયાની કમાણી કરાવી. ‘મધુમતી’એ બિમલદાને કેવળ કલદાર નહીં, કીર્તિ પણ અપાવી. ભારતની પચીસ મહત્ત્વની ફિલ્મોમાં ‘મધુમતી’ અગિયારમા સ્થાને છે. ૧૯૫૮ના ફિલ્મફેર અવૉર્ડ્સમાં ૧૨ નૉમિનેશન્સમાંથી ‘મધુમતી’ને ૯ અવૉર્ડ્સ મળ્યા જેમાં બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડિરેક્ટર (બિમલ રૉય), બેસ્ટ મ્યુઝિક-ડિરેક્ટર (સલિલ ચૌધરી), બેસ્ટ પ્લેબૅક સિંગર (લતા મંગેશકર ), બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર (જૉની વૉકર) અને બીજા ટેક્નિકલ અવૉર્ડ્સનો સમાવેશ થાય છે. એ વર્ષનો નૅશનલ ફિલ્મ અવૉર્ડ પણ ફિલ્મને મળ્યો. ૧૯૭૬માં ‘મધુમતી’ની મલયાલમ રીમેક ‘વનદેવથા’ બની.
બિમલ રૉયે બીજા પ્રોડ્યુસર્સ માટે ડિરેક્ટ કરેલી ‘પરિણીતા’ (૧૯૫૩), ‘બિરાજ બહૂ’ (૧૯૫૪ ) અને ‘યહૂદી’ (૧૯૫૮) જોઈને એમ જ લાગે કે તેઓ જ આ ફિલ્મોના પ્રોડ્યુસર હશે. તેમના નામે એક રેકૉર્ડ છે. ‘દો બીઘા ઝમીન’, ‘મધુમતી’, ‘સુજાતા’ અને ‘બંદિની’ માટે બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડિરેક્ટર અવૉર્ડ ઉપરાંત ‘પરિણીતા’, ‘બિરાજ બહૂ’, ‘પરખ’ અને ‘બંદિની’ માટે બેસ્ટ ડિરેક્ટર અવૉર્ડ આમ કુલ ૧૧ અવૉર્ડ મેળવનાર તેઓ પ્રથમ અને કદાચ અંતિમ ફિલ્મમેકર છે.
૨૦૦૭માં ભારત સરકારે તેમની સ્મૃતિમાં પોસ્ટલ સ્ટૅમ્પ બહાર પાડી હતી. પરબીડિયા પર ટિકિટ ચોંટાડવા પાણીને બદલે થૂંક વાપરતા અરસિકોને એ યાદ જ નહીં હોય કે આ ચહેરો કોનો છે? રાજ કપૂર અને ગુરુ દત્તની ફિલ્મોના ફેસ્ટિવલ થાય છે, થવા જ જોઈએ. આજકાલ તો હીરો-હિરોઇનની ફિલ્મોના ફેસ્ટિવલ થવા માંડ્યા છે. કોઈને બિમલ રૉયની ફિલ્મો યાદ નથી આવતી. એનો ફેસ્ટિવલ કરવાનું જોખમ લેવા જેવું છે. ભલે ‘હાઉસફુલ’ ન જાય, એટલો આત્મસંતોષ મળશે કે ટોળાં ભેગા કરવા એક નામવાળી સીક્વલ બનતી ફિલ્મોનો ફેસ્ટિવલ કરવાનું પાપ તો નથી કરવું પડ્યું.

