દીકરાની કરીઅરમાં ગોવિંદાનો કોઈ સપોર્ટ નથી એવા પત્નીના આરોપ વિશે તેણે કરી સ્પષ્ટતા
ફાઇલ તસવીર
ગોવિંદા પર તેની પત્ની સુનીતા આહુજાએ આરોપ લગાવ્યો હતો કે ગોવિંદાએ દીકરા યશવર્ધનની કરીઅરમાં કોઈ પ્રકારની મદદ કે સપોર્ટ નથી કર્યો. હાલમાં એક ઇન્ટરવ્યુમાં ગોવિંદાએ આ આરોપનો જવાબ આપ્યો છે. ગોવિંદાએ જણાવ્યું હતું કે ‘મેં પરિવારને ધ્યાનમાં રાખીને જ રાજકારણથી અંતર જાળવવાનો નિર્ણય લીધો હતો, કારણ કે હું નથી ઇચ્છતો કે મારી રાજકીય જિંદગીની નકારાત્મક અસર મારાં બાળકો પર પડે.’
આ ઇન્ટરવ્યુમાં ગોવિંદાએ જણાવ્યું હતું કે ‘મેં રાજકારણ છોડવાનો નિર્ણય લીધો, કારણ કે મેં વિચાર્યું કે મારી સ્પર્ધા કે વિરોધને કારણે પરિવારને અને ખાસ કરીને બાળકોને કોઈ નુકસાન ન થવું જોઈએ. મેં આ નિર્ણય પરિવાર માટે જ લીધો હતો. યશની કરીઅરનો સવાલ છે ત્યાં સુધી મેં તેના વિશે નડિયાદવાલાને વાત કરી તો તેણે પોતાની કૅબિન યશને આપી દીધી જેથી તે ફિલ્મમેકિંગની સમજ કેળવી શકે. હું યશ માટે કહું છું કે તે મારા કરતાં વધુ સારો અભિનેતા સાબિત થશે. તે ટેક્નિકલી મારા કરતાં વધુ મજબૂત છે. જો તેને યોગ્ય રીતે લૉન્ચ કરવામાં આવશે તો તે ઘણી નામના મેળવી શકશે.’


