ઍક્ટ્રેસે જાહેરમાં કહ્યું હતું કે અક્ષયની સૌપ્રથમ ફિલ્મ હિમાલય પુત્ર તેણે ઓછામાં ઓછી વીસ વખત જોઈ હતી
કરીના કપૂર
અક્ષય ખન્ના હાલમાં ‘ધુરંધર’માં પોતાના અભિનયને કારણે ચર્ચામાં છે. ફિલ્મમાં તેના દમદાર પર્ફોર્મન્સ તેમ જ વાઇરલ એન્ટ્રી-ડાન્સથી તેના ચાહકોમાં વધારો થયો છે. આ સ્થિતિમાં કરીના કપૂરનો એક જૂનો વિડિયો સોશ્યલ મીડિયામાં ફરી સામે આવ્યો છે, જેમાં તેણે ખુલાસો કર્યો હતો કે ‘હિમાલય પુત્ર’ ફિલ્મ જોયા પછી તે અક્ષય ખન્ના પર ફિદા થઈ ગઈ હતી એટલું જ નહીં, કરીનાએ મજાકમાં કહ્યું હતું કે અક્ષય ખન્ના હૉલીવુડમાં જવા માટે યોગ્ય વ્યક્તિ છે.
૨૦૦૪માં ‘હલચલ’ના પ્રમોશન દરમ્યાન કરીનાએ અક્ષય ખન્ના સાથે કામ કરવાનો અનુભવ શૅર કર્યો હતો. તેણે કહ્યું હતું, ‘મેં ‘હિમાલય પુત્ર’ ઓછામાં ઓછી ૨૦ વખત જોઈ છે, કારણ કે એ સમયે હું સ્કૂલમાં હતી અને અક્ષય ખન્ના એ સમયનો લેટેસ્ટ હાર્ટથ્રૉબ હતો. છોકરીઓ તેની પાછળ પાગલ હતી અને એમાં હું પણ સામેલ હતી. હું હંમેશાં અક્ષયને પસંદ કરતી આવી છું. તે બહુ જ ક્યુટ, આકર્ષક અને સારો ઇન્સાન છે. તે શાનદાર ઍક્ટર છે. તેનો પર્ફોર્મન્સ ખરેખર માઇન્ડ-બ્લોઇંગ હોય છે એટલે તે હૉલીવુડમાં જવા માટે એકદમ યોગ્ય વ્યક્તિ છે.’


