કાંતારા : અ લેજન્ડ – ચૅપ્ટર 1 અને તન્વી ધ ગ્રેટનો બેસ્ટ પિક્ચર માટેની ૨૦૧ ફિલ્મોમાં સમાવેશ, બન્ને ફિલ્મોને બેસ્ટ પિક્ચરની કૅટેગરી માટેની ૨૦૧ ફીચર ફિલ્મોની યાદીમાં સ્થાન મળ્યું છે.
ભારતની બે ફિલ્મો ઑસ્કર જીતવાની દિશામાં એક ડગલું આગળ વધી
૨૦૨૬ની ૧૬ માર્ચે યોજનારા ૯૮મા ઑસ્કર અવૉર્ડ્સની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આ વર્ષે ભારતની બે ફિલ્મો ઑસ્કર જીતવાની દિશામાં વધુ એક પગલું આગળ વધી ગઈ છે. આ બે ફિલ્મો છે રિષબ શેટ્ટીની ‘કાંતારા : અ લેજન્ડ – ચૅપ્ટર 1’ અને અનુપમ ખેરની ‘તન્વી ધ ગ્રેટ’. બન્ને ફિલ્મોને બેસ્ટ પિક્ચરની કૅટેગરી માટેની ૨૦૧ ફીચર ફિલ્મોની યાદીમાં સ્થાન મળ્યું છે. રિપોર્ટ પ્રમાણે ઍકૅડેમી ઑફ મોશન પિક્ચર આર્ટ્સ ઍન્ડ સાયન્સિસ (AMPAS)એ એવી ૨૦૧ યોગ્ય ફિલ્મોની યાદી જાહેર કરી છે જે સીધી રીતે બેસ્ટ ફિલ્મ માટેના અવૉર્ડની દોડમાં સામેલ છે. ઍકૅડેમીનું કહેવું છે કે ‘કાંતારા : અ લેજન્ડ – ચૅપ્ટર 1’ અને ‘તન્વી ધ ગ્રેટ’ એ બન્ને ભારતીય ફિલ્મો આ યાદીમાં સામેલ થવાને લાયક છે. જોકે આ ફિલ્મોને અંતિમ નૉમિનેશનમાં સ્થાન મળશે કે નહીં એનો નિર્ણય નૉમિનેશન-લિસ્ટ બહાર આવ્યા બાદ જ થશે. ઑસ્કર નૉમિનેશનની જાહેરાત બાવીસમી જાન્યુઆરીએ કરવામાં આવશે.


