કહ્યું કે તમે કર્ણાટકમાં ફિલ્મ રિલીઝ કરીને પૈસા કમાવા ઇચ્છો છો પણ તમારે માફી નથી માગવી
કમલ હાસન
કમલ હાસનના કન્નડા ભાષા વિશેના નિવેદનને લઈને વિવાદ ઊભો થયો છે, જેના કારણે ૫ જૂને રિલીઝ થનારી તેમની આગામી ફિલ્મ ‘ઠગ લાઇફ’ની કર્ણાટકમાં રિલીઝ અટકી ગઈ છે. કર્ણાટક હાઈ કોર્ટે મંગળવારે આ મામલે સુનાવણી દરમિયાન કમલ હાસનની ઝાટકણી કાઢી અને ફિલ્મની રિલીઝ માટે તેમની પોલીસ-સુરક્ષાની માગણી પર સવાલ ઉઠાવ્યા. કોર્ટે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે ન થવો જોઈએ.
કમલ હાસને ૨૮ મેએ ચેન્નઈમાં ‘ઠગ લાઇફ’ના ઑડિયો-લૉન્ચ દરમ્યાન કહ્યું હતું કે ‘કન્નડા ભાષા તામિલમાંથી જન્મી છે.’ કમલ હાસનના આ નિવેદનનો કર્ણાટકમાં વ્યાપક વિરોધ થયો; જેમાં કન્નડા સમર્થક સંગઠનો, રાજકીય નેતાઓ અને સામાન્ય લોકોએ આને કન્નડા ભાષા અને સંસ્કૃતિનું અપમાન ગણાવ્યું. કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઑફ કૉમર્સ (KFCC)એ જો કમલ હાસન ૨૪ કલાકમાં જાહેરમાં માફી નહીં માગે તો ‘ઠગ લાઇફ’ની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. આ પછી કમલ હાસને તેમની પ્રોડક્શન કંપની રાજકમલ ફિલ્મ્સ ઇન્ટરનૅશનલ દ્વારા કર્ણાટક હાઈ કોર્ટમાં અપીલ કરી જેમાં ‘ઠગ લાઇફ’ના સ્ક્રીનિંગ માટે પોલીસ-સુરક્ષા અને KFCCના પ્રતિબંધને રદ કરવાની માગણી કરવામાં આવી. આ અપીલમાં દલીલ કરવામાં આવી હતી કે આ નિવેદનને ખોટી રીતે સમજવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આ મામલે સુનાવણી કરતા ન્યાયમૂર્તિ એમ. નાગપ્રસન્નાએ કમલ હાસનને ફટકાર લગાવતા કહ્યું, ‘તમે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અધિકાર નથી રાખતા. ભાષા એ લોકો સાથે જોડાયેલી ભાવના છે. કન્નડા એક મજબૂત ભાષા છે, અને તે આવા નિવેદનોથી નબળી નથી પડતી, પરંતુ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે ન કરી શકાય.’
૧૯૫૦માં સી. રાજગોપાલાચારી દ્વારા આવા જ નિવેદન પર માફી માગવામાં આવી હતી એનું કોર્ટે ઉદાહરણ આપ્યું અને પૂછ્યું, ‘જો રાજગોપાલાચારી ૭૫ વર્ષ પહેલાં માફી માગી શકે છે તો કમલ હાસન કેમ નહીં? એક માફીથી આખો વિવાદ ઉકેલાઈ શકે છે. તમે કર્ણાટકમાં ફિલ્મ રિલીઝ કરીને પૈસા કમાવા ઇચ્છો છો પણ તમારે માફી નથી માગવી. હું પણ તમારી ફિલ્મ જોવા ઇચ્છું છું પણ આ વિવાદને કારણે નહીં જોઈ શકું. જો માફી નથી માગવી તો પછી કર્ણાટકમાં ફિલ્મ કેમ રિલીઝ કરવી છે? એક માફીથી સમસ્યા ઉકેલાઈ શકે છે. તમે નિવેદન આપ્યું છે પણ માફી માગવાનો ઇનકાર કરી રહ્યા છો.’


