કાજોલ કહે છે કે કામ અને જીવન વચ્ચે સંતુલન જાળવવું એ મારી પ્રાથમિકતા રહી છે
કાજોલ
દીપિકા પાદુકોણે ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’ છોડ્યા પછી નવી ચર્ચા શરૂ થઈ છે. આ ચર્ચા કામના નિર્ધારિત કલાકોને લઈને છે. ઘણા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે દીપિકાએ ‘સ્પિરિટ’ના ડિરેક્ટર સામે શરત મૂકી હતી કે તે માત્ર ૮ કલાકની શિફ્ટ જ કરશે. આ સાથે જ તેણે ઊંચી ફી પણ રાખી હતી. જોકે તેની શરતો માનવામાં ન આવતાં દીપિકાએ ફિલ્મ છોડી દીધી. આ ઘટનાક્રમ પછી આ વિષય પર સતત ચર્ચા થઈ રહી છે. હાલમાં જ કાજોલે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે.
કાજોલનું કહેવું છે કે ૧૯૯૦ના દાયકામાં અભિનય શરૂ કર્યા પછીથી જ કામ અને જીવન વચ્ચે સંતુલન જાળવવું એ તેની પ્રાથમિકતા રહી છે. આ મુદ્દે પરિવાર અને ઇન્ડસ્ટ્રીના નિર્માતાઓ તરફથી મળેલા સહયોગથી તેની સફર ઘણી સરળ બની ગઈ. કાજોલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘એ સમયે કેટલાક લોકો હતા જે એક સમયે માત્ર એક જ ફિલ્મ કરતા હતા. હું તે થોડા લોકોમાં સામેલ હતી. હું પહેલાં એક ફિલ્મ પૂરી કરતી હતી, પછી જ બીજી શરૂ કરતી. હું ૨૦-૩૦ કલાક કામ નહોતી કરતી. હું હંમેશાં ખૂબ જ સ્પષ્ટ હતી કે હું ચોક્કસ સમય સુધી જ કામ કરીશ અને મારી મમ્મીએ પણ આમાં મારો પૂરો સાથ આપ્યો. મારી દીકરી નિસાના જન્મ પછી પતિ અને અભિનેતા અજય દેવગન સાથે પણ આ જ ચર્ચા થઈ હતી.’

