રણજિત કહે છે, ‘માધુરીએ રડવાનું શરૂ કર્યું અને એ સીન કરવાની ના પાડી દીધી હતી
માધુરી દીક્ષિત નેને
માધુરી દીક્ષિત નેને ૧૯૮૯માં આવેલી ફિલ્મ ‘પ્રેમ પ્રતિજ્ઞા’માં મિથુન ચક્રવર્તી સાથે જોવા મળી હતી. એ ફિલ્મમાં વિલન તરીકે ખૂબ જ ફેમસ થનાર રણજિત પણ જોવા મળ્યો હતો. ફિલ્મના એક સીનમાં માધુરીએ રણજિત સાથે કામ કરવાનું છે એ સાંભળતાં જ તે રડવા લાગી હતી. મોટા ભાગની ફિલ્મોમાં રણજિતનો રોલ નેગેટિવ હતો. એ દિવસની ઘટનાને યાદ કરતાં રણજિત કહે છે, ‘માધુરીએ રડવાનું શરૂ કર્યું અને એ સીન કરવાની ના પાડી દીધી હતી. મને તો એ વખતે કોઈ જાણ નહોતી. કોઈ આર્ટ ડિરેક્ટરે મને એ વિશે જણાવ્યું હતું. હું સેટ પર ખૂબ મજાક કરું છું. ઉદાહરણ તરીકે હું મારા કો-સ્ટાર્સને કહું છું કે ડાર્લિંગ થોડા ઉધર મુંહ કરો, મૈં ચેન્જ કર લેતા હૂં. હું મેકઅપ રૂમમાં જતો નહીં. ખૂબ સામાન્ય રહેતો હતો. એ રીતે પણ લોકો મને પસંદ કરતા હતા. નહીં તો લોકો કહેત કે હું બનાવટી છું. માધુરીનું રડવાનું તો ચાલુ જ રહ્યું. મારે અન્ય શૂટ માટે જવાનું હતું. મેં તેને બોલાવવા કહ્યું. જોકે કોઈએ મને કહ્યું નહીં કે માધુરી એ સીન માટે તૈયાર નથી. ફાઇનલી તે તૈયાર થઈ. એ વખતે વીરુ દેવગન અમારા ફાઇટ માસ્ટર હતા. તેમણે કહ્યું કે અમે કૅમેરા સતત ચાલુ રાખીશું. અધવચ્ચે કૅમેરા કટ નહીં થાય. મૉલેસ્ટેશન તો અમારા કામનો જ એક ભાગ છે. વિલનનું પાત્ર ભજવતા રિયલમાં ખરાબ નથી હોતા. બધી હિરોઇન મારી ફૅન હતી, કેમ કે મેં કદી પણ તેમના પર કોઈ પ્રકારનું દબાણ નથી નાખ્યું.’


