રાની મુખરજીએ કહ્યું કે ‘એક ઍક્ટર તરીકે તમારું સિનેમા પ્રત્યેનું વિઝન અને રોલ સતત વિકસિત થવા જોઈએ, પરંતુ એક વસ્તુ જે હંમેશાં મારી સાથે સતત જળવાઈ રહી છે એ એ છે કે હું મહિલાઓને ઑન-સ્ક્રીન રેપ્રિઝેન્ટ કરું.
રાની મુખરજી
રાની મુખરજીને એવી ફિલ્મોમાં કામ કરવું પસંદ છે જેમાં મહિલાઓને સન્માન સાથે દેખાડવામાં આવે. તેની છેલ્લી ફિલ્મ ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’ હતી. અગાઉ તેણે ‘બ્લૅક’, ‘વીર-ઝારા’, ‘મર્દાની’, ‘યુવા’, ‘નો વન કિલ્ડ જેસિકા’ અને ‘હિચકી’માં કામ કર્યું હતું. તેનું કહેવું છે કે મહિલાઓ સમાજ અને પરિવારનો મુખ્ય આધાર છે. આ જ વસ્તુ તે દેશ અને દુનિયાને દેખાડવા માગે છે. એ વિશે રાની મુખરજીએ કહ્યું કે ‘એક ઍક્ટર તરીકે તમારું સિનેમા પ્રત્યેનું વિઝન અને રોલ સતત વિકસિત થવા જોઈએ, પરંતુ એક વસ્તુ જે હંમેશાં મારી સાથે સતત જળવાઈ રહી છે એ એ છે કે હું મહિલાઓને ઑન-સ્ક્રીન રેપ્રિઝેન્ટ કરું. પરિવાર અને સમાજનો મુખ્ય આધાર મહિલાઓ છે. મારું એવું માનવું છે કે એક ઍક્ટર તરીકે મારી જવાબદારી બને છે કે એને હું દેશ અને દુનિયામાં વધુ ને વધુ લોકોને દેખાડું. લોકોનાં દિમાગ પર સિનેમાની છાપ અમીટ હોય છે. રાષ્ટ્રીય મુદ્દાઓની ચર્ચા કરવાનું એ શક્તિશાળી માધ્યમ છે. મેં શરૂઆતથી જ નક્કી કર્યું હતું કે હું મારી કરીઅર દરમ્યાન મહિલાઓને ઑન-સ્ક્રીન જે રીતે દેખાડવામાં આવે છે એમાં ખરો સકારાત્મક બદલાવ લાવું. મેં પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું કે હું એવી ફિલ્મોમાં કામ કરીશ જેમાં મહિલાનો અગત્યનો રોલ હોય, જેમાં યુવતીને સન્માનભેર અને તાકતવર દેખાડવામાં આવે. મારું એવું માનવું છે કે મહિલાઓ પરિવર્તન લાવવામાં સમર્થ છે. તે સ્વતંત્ર, સાહસી, કાળજી લેનાર, સપનાંઓને પૂરાં કરવા તરફ આગળ વધનાર અને સૌથી બેસ્ટ મલ્ટિટાસ્કર છે. હું એવાં પાત્રો ભજવવા માગું છું કે જેમાં મહિલાઓના આ ગુણને દેખાડી શકું.’

