રાની મુખરજીએ કહ્યું કે ‘મને એ સ્ટોરીમાં કામ કરવું ગમે છે જેમાં મહિલાઓ પરિવર્તન લઈને આવે છે. જ્યાં એક મહિલા એટલી તો સક્ષમ હોય છે કે જે વ્યવસ્થાનો સામનો કરવામાં સક્ષમ હોય છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે પરિવર્તન લાવી શકે છે

રાની મુખરજી
રાની મુખરજીનું કહેવું છે કે તેને એવી ભૂમિકા ભજવવી ગમે છે જેમાં મહિલાઓ તમામ પડકારોને ઝીલીને પોતાનાં લક્ષને પૂરાં કરવા માટે આગળ વધે છે. તેણે ‘રાજા કી આએગી બારાત’થી પોતાની કરીઅરની શરૂઆત કરી હતી. બાદમાં તેણે ‘ગુલામ’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘ચોરી ચોરી ચુપકે ચુપકે’, ‘મુઝસે દોસ્તી કરોગે’, ‘વીર-ઝારા, ‘સાથિયા’ અને ‘બન્ટી ઔર બબલી’માં કામ કર્યું છે. કેવાં પાત્રો ભજવવાં માગે છે એ વિશે રાની મુખરજીએ કહ્યું કે ‘મને એ સ્ટોરીમાં કામ કરવું ગમે છે જેમાં મહિલાઓ પરિવર્તન લઈને આવે છે. જ્યાં એક મહિલા એટલી તો સક્ષમ હોય છે કે જે વ્યવસ્થાનો સામનો કરવામાં સક્ષમ હોય છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે પરિવર્તન લાવી શકે છે. જે કહાણીમાં એક મહિલા પિતૃસત્તાનો સામનો કરવાની હિમ્મત રાખે છે, જેને ગ્લાસ સીલિંગ કહે છે. એને તે પોતાની મહત્ત્વાકાંક્ષા અને પ્રતિભાથી તોડે છે. આવી ભૂમિકાઓ મને સ્વાભાવિક રૂપે આકર્ષિત કરે છે, કેમ કે હું હંમેશાં મહિલાઓને આપણા દેશની સ્વતંત્ર ઘડવૈયા તરીકે જોવા માગું છું.’
તેની સૌથી મનપસંદ ફિલ્મ વિશે જણાવતાં રાનીએ કહ્યું કે ‘હું જ્યારે નાની હતી ત્યારે મારી મનપસંદ ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ હતી અને હંમેશાં રહેશે. એ ફિલ્મમાં એક એવી મહિલાની સ્ટોરી પર પ્રકાશ પાડવામાં આવ્યો છે જે કપરી પરિસ્થિતિ અને સમાજના દબાણ છતાં પણ પ્રામાણિકતા છોડતી નથી. મને આવાં પાત્રો ભજવવાની પ્રેરણા મળે છે. મહિલાઓએ એ સાહસનો જશન મનાવવાની જરૂર છે જેને તે રોજબરોજના જીવનમાં ચૂપચાપ દેખાડે છે.’
રાનીની છેલ્લી ફિલ્મ ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’ હતી. એ ફિલ્મ રિયલ સ્ટોરી પર આધારિત હતી જેમાં એક મહિલા પોતાનાં બાળકો માટે દેશ સામે ઝઝૂમે છે. એ વિશે રાનીએ કહ્યું કે ‘ફિલ્મ ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’ જુઓ, એમાં એ મહિલાની હિમ્મતની કલ્પના પણ ન કરી શકીએ, કેમ કે તેણે પોતાનાં બાળકો માટે એક દેશની સિસ્ટમ સામે લડાઈ લડી હતી અને તે જીતી પણ ગઈ. એ વસ્તુને લોકોએ ખૂબ સારી રીતે સમજી. ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’ જેવી ફિલ્મો સામાજિક રૂપે પ્રાસંગિક છે. આવી ફિલ્મો એટલા માટે બનાવવામાં આવે છે જેથી સમાજમાં પરિવર્તન લાવવાની આશા કાયમ રહે. આપણે એવા અનેક કેસ જાણીએ છીએ જેમાં વિદેશમાં ભારતીય માતા-પિતા પોતાનાં બાળકોથી અલગ થઈ ગયાં. અમારી ફિલ્મ પેરન્ટ્સના આ ગ્લોબલ મુદ્દાને વધુ સજાગ બનાવવામાં મદદ કરી શકે તો આ ફિલ્મ બનાવવી અમારા માટે સાર્થક છે. મારી કરીઅરમાં હું આવી વધુ મહિલાઓની સ્ટોરીને દેખાડવા માગું છું. મને દુનિયાને એ કહેવું સારું લાગશે કે તેઓ ભારતીય મહિલાઓ તરફ પણ ધ્યાન આપે. તેઓ એક એવી દુર્લભ માટીની બનેલી છે કે જેને જોવાની જરૂર છે.’