૧૮૦ કરોડ કરતાં વધુ બજેટની બેબી જૉન સુપરફ્લૉપ સાબિત થઈ એને પગલે જૅકી શ્રોફ કહે છે
જૅકી શ્રોફ
વરુણ ધવનની લેટેસ્ટ ફિલ્મ ‘બેબી જૉન’ બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ સાબિત થઈ છે. આ ફિલ્મ રિલીઝ થઈ એ પહેલાં એના વિશે બહુ ચર્ચા હતી, પણ રિલીઝ થયા પછી એ ખાસ કમાણી નથી કરી શકી. આ સંજોગોમાં ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળેલા જૅકી શ્રોફે ફિલ્મની નિષ્ફળતા વિશે પોતાની લાગણી જણાવી છે. એક ઇન્ટરવ્યુમાં જૅકી શ્રોફે આ ફિલ્મની નિષ્ફળતાની સૌથી વધારે અસર પ્રોડ્યુસર પર પડી હોવાનું જણાવીને કહ્યું છે કે તેમણે બહુ વિશ્વાસ સાથે આ પ્રોજેક્ટમાં મોટી રકમ લગાવી હતી અને તેમને જ્યારે આ પૈસા પાછા નથી મળ્યા ત્યારે બહુ દુઃખ થાય છે.
જૅકી શ્રોફે ફિલ્મની નિષ્ફળતાની પોતાના પર પડેલી અસર વિશે વાત કરતાં કહ્યું કે ‘એક ઍક્ટર તરીકે તમે ઇચ્છો કે લોકોને તમારી ઍક્ટિંગ ગમે તો એ બહુ સ્વાભાવિક છે, પણ સાથોસાથ સફળતા મળવી પણ બહુ જરૂરી છે. ફિલ્મ જ્યારે નિષ્ફળ જાય ત્યારે દુઃખ થાય છે, પણ એ દુઃખ મારા માટે નહીં, પ્રોડ્યુસર માટે હોય છે. તમે તમારું કામ ઈમાનદારીથી કરો, પણ સાથે-સાથે એ લોકો વિશે પણ વિચારો જેમણે પૈસા લગાવ્યા છે.’
ADVERTISEMENT
‘બેબી જૉન’ ઍટલીની સાઉથની ફિલ્મ ‘થેરી’ની રીમેક હતી. આ ફિલ્મનું બજેટ ૧૮૦ કરોડ રૂપિયા કરતાં વધારે હતું, પણ એ આખી દુનિયામાંથી માત્ર ૬૦.૪ કરોડ રૂપિયા જેટલી જ કમાણી કરી શકી. ‘બેબી જૉન’માં લીડ રોલમાં વરુણ ધવન હતો અને ફિલ્મમાં તેની સાથે કીર્તિ સુરેશ, વામિકા ગબ્બી, જૅકી શ્રોફ અને રાજપાલ યાદવ મુખ્ય ભૂમિકામાં હતાં.

