શેફાલી શાહને એમી અવૉર્ડ્સ માટે નૉમિનેટ કરવામાં આવી છે ત્યારે તેણે પાર્ટીનું આયોજન કર્યું હશે એવી લોકોને આશા હશે. જોકે તેનો જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે પાર્ટી નથી રાખવામાં આવી
ફાઇલ તસવીર
શેફાલી શાહને એમી અવૉર્ડ્સ માટે નૉમિનેટ કરવામાં આવી છે ત્યારે તેણે પાર્ટીનું આયોજન કર્યું હશે એવી લોકોને આશા હશે. જોકે તેનો જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે પાર્ટી નથી રાખવામાં આવી. જોકે તેને બુક વાંચવામાં વધુ ઇન્ટરેસ્ટ છે. આ વિશે શેફાલીએ કહ્યું કે ‘મારા માટે કોઈ પણ સિદ્ધિ વધુ સમય સુધી નથી રહેતી. થોડી મિનિટોમાં જ હું ફરી રિયલિટીમાં આવી જાઉં છું.’
‘દિલ્હી ક્રાઇમ 2’ માટે શેફાલી શાહને બેસ્ટ પર્ફોર્મન્સની કૅટેગરી માટે નૉમિનેટ કરવામાં આવી છે. આ શોમાં તેણે ડીસીપી વર્તિકા ચતુર્વેદીનું પાત્ર ભજવ્યું છે. આ વિશે વાત કરતાં શેફાલીએ કહ્યું કે ‘મને નૉમિનેટ કરવામાં આવી એ સન્માનની વાત છે. હું જીતીશ કે નહીં એ વિશે હું વિચાર પણ નથી કરી રહી. ભવિષ્યમાં શું થશે એ વિચારીને હું અત્યારની ખુશીથી દૂર નથી થતી.’
ADVERTISEMENT
૨૦૨૦માં ‘દિલ્હી ક્રાઇમ’ને ઍમી અવૉર્ડ્સમાં બેસ્ટ ડ્રામા સિરીઝનો અવૉર્ડ મળ્યો હતો. ત્રણ વર્ષ બાદ તેના પાત્ર વર્તિકાને બેસ્ટ ઍક્ટ્રેસ તરીકે નૉમિનેટ કરવામાં આવતાં શેફાલીએ કહ્યું કે ‘તે કોઈ કૅરિકેચર નહોતી. ‘દિલ્હી ક્રાઇમ 2’માં સોશ્યલ ઇશ્યુ દેખાડવામાં આવ્યા છે. મને યાદ છે કે બીજી સીઝન આવી હતી ત્યારે હું બપોરે બે વાગ્યા સુધી સૂતી હતી. પહેલી સીઝનને ખૂબ સફળતા મળી હોવાથી હું ડરી ગઈ હતી. જોકે બપોરે હું જ્યારે ઊંઘમાંથી જાગી ત્યારે રિવ્યુ જોઈને ખુશીથી રડી પડી હતી.’
બીજી સીઝનના ડિરેક્ટર તનુજ ચોપડાનું માનવું છે કે હવે આ શોની આગામી સીઝનને લઈને લોકોની વધુ આશા વધી જશે. આ વિશે શેફાલીએ કહ્યું કે ‘તનુજે કહ્યું કે હવે વધુ લોકો આ શો જોશે અને એને લઈને હવે લોકોની આશા વધી જશે. મારા પર હવે ખૂબ પ્રેશર છે. વર્તિકા હીરો બનશે એ મેં ક્યારેય નહોતું વિચાર્યું. હું માની જ નહોતી શકતી કે વર્તિકાને આટલી પસંદ કરવામાં આવશે. દુનિયા હવે નાની થઈ રહી છે. આપણી ભાષા જે જાણતું ન હોય તેણે પણ વર્તિકાને એ રીતે જોઈ હતી જેમ આપણે ‘નાર્કોસ’ને ઓરિજિનલ ભાષામાં જોઈ હતી.’
એમી અવૉર્ડ્સમાં જિમ સર્ભ, શેફાલી શાહ અને વીર દાસને મળ્યું નૉમિનેશન
ધ ઇન્ટરનૅશનલ એમી અવૉર્ડ્સમાં ભારતની ત્રણ વેબ-સિરીઝને નૉમિનેશન મળ્યું છે એ ખરેખર ગર્વ લેવા જેવી બાબત છે. ‘ધ રૉકેટ બૉય્ઝ’ માટે જિમ સર્ભને બેસ્ટ ઍક્ટરની કૅટેગરીમાં બેસ્ટ પર્ફોર્મન્સ માટે નૉમિનેટ કરવામાં આવ્યો છે. તેની સામે કૉમ્પિટિશનમાં આર્જેન્ટિનાની ‘લોસી, અલ એસ્પિયા ઍરેપેન્ટિડો’, યુકેની ‘ધ રિસ્પૉન્ડર’ અને સ્વીડનની ‘રાઇડિંગ ઇન ડાર્કનેસ’ છે. તો બીજી તરફ શેફાલી શાહને ‘દિલ્હી ક્રાઇમ 2’માં બેસ્ટ પર્ફોર્મન્સ માટે બેસ્ટ ઍક્ટ્રેસનું નૉમિનેશન મળ્યું છે. તેની સામે સ્પર્ધામાં ડેન્માર્કની ‘ધ ડ્રીમર-બિકમિંગ કરેન બ્લિક્સર’, યુકેની ‘આઇ હેટ સુઝી ટુ’ અને મેક્સિકોની ‘લા કઇડા/ડાઇવ’ છે. ‘વીર દાસ : લૅન્ડિંગ’ને કૉમેડીની કૅટેગરીમાં નૉમિનેશન મળ્યું છે. તેની સ્પર્ધા યુકેની ‘ડેરી ગર્લ્સ-સીઝન 3’, આર્જેન્ટિનાની ‘ધ બૉસ’ અને ફ્રાન્સની ‘લા ફ્લૅમ્બ્યો-સીઝન 2’ રહેશે. આ સિવાય એકતા કપૂરને ડિરેક્ટરેટ અવૉર્ડ મળવાનો છે. ૫૧મો આ ધ ઇન્ટરનૅશનલ એમી અવૉર્ડ્સ ન્યુ યૉર્કમાં આ વર્ષે ૨૦ નવેમ્બરે યોજાવાનો છે. તમામ નૉમિનીઝ ન્યુ યૉર્ક પહોંચી જશે અને ૧૭થી ૧૯ નવેમ્બર સુધી આયોજિત થનાર વિવિધ ઇવેન્ટ્સમાં ભાગ લેશે.


