આશા ભોસલેનો ગઈ કાલે બર્થ-ડે હતો અને દુબઈમાં તેમની લાઇવ કૉન્સર્ટ હતી. એથી ૯૦ વર્ષની વયે સ્ટેજ પર ત્રણ કલાક પર્ફોર્મ કરવાની તેમને ખુશી છે.
આશા ભોસલે
આશા ભોસલેનો ગઈ કાલે બર્થ-ડે હતો અને દુબઈમાં તેમની લાઇવ કૉન્સર્ટ હતી. એથી ૯૦ વર્ષની વયે સ્ટેજ પર ત્રણ કલાક પર્ફોર્મ કરવાની તેમને ખુશી છે. આ ઉંમરે પણ તેમના જોશ અને ઉત્સાહમાં કોઈ કમી નથી. તેઓ એંસી વર્ષથી સક્રિય છે. તેમણે અનેક ભાષામાં ગીતો ગાઈને એને યાદગાર બનાવી દીધાં છે. સ્ટેજ પર પર્ફોર્મ કરવા વિશે આશા ભોસલેએ કહ્યું કે ‘૯૦ વર્ષની ઉંમરમાં મારે ત્રણ કલાક સ્ટેજ પર ઊભાં રહીને ગીતો ગાવાનાં હોય છે. મને એ વાતની ખુશી છે કે આ ઉંમરે પણ હું પર્ફોર્મ કરી શકું છું.’
પોતાની કરીઅર દરમ્યાન તેમણે લગભગ બાર હજાર ગીતો ગાયાં છે. તેમણે પહેલું ગીત મરાઠી ફિલ્મ ‘માઝા બાળ’માં ૧૯૪૩માં ગાયું હતું. તેમણે દરેક પેઢીની ઍક્ટ્રેસિસ માટે ગીતો ગાયાં છે. સંગીત
સમર્પિત આશા ભોસલેએ કહ્યું કે ‘જો આપણી અંદર શ્વાસ ન હોય તો વ્યક્તિનું મૃત્યુ થાય છે. ઠીક એ રીતે મ્યુઝિક મારા માટે શ્વાસ છે. આ જ વિચાર સાથે મેં મારું જીવન પસાર કર્યું છે. મેં મ્યુઝિકને ઘણુંબધું આપ્યું છે. કપરા સમયમાંથી બહાર આવવાનો મને આનંદ છે. અનેક વખત એવું બન્યું હતું કે એવું લાગતું હતું કે હું હવે નહીં બચી શકું, પરંતુ એમાંથી બહાર આવી ગઈ છું. મ્યુઝિક કદી પણ ખતમ નથી થતું. આ દરિયો છે. જો કોઈ એમ કહે કે હું સંપૂર્ણતાનો અનુભવ કરું છું તો એ ખોટું છે, કારણ કે કોઈ પૂર્ણ નથી હોતું. આપણે માત્ર સમય સાથે બદલાઈએ છીએ અથવા તો વિકસિત થઈએ છીએ. મેં મુખ્ય આર્ટિસ્ટ અને ડાન્સર્સ માટે પણ ગીતો ગાયાં છે. મારું એવું માનવું છે કે મારો અવાજ બધા પર બંધ બેસે છે. જોકે એવી ઇચ્છા હતી કે મેં હજી અન્ય ભાષામાં અને ક્લાસિકલ ગીતો પણ ગાયાં હોત તો સારું હતું.’
ADVERTISEMENT
ભૂતકાળમાં જે તકલીફ પડી હતી એને યાદ કરીને આશા ભોસલેએ કહ્યું કે ‘દરેક ક્ષેત્રમાં પૉલિટિક્સ હોય છે. ફિલ્મોમાં પણ હોય છે. એથી એ સહેલું નહોતું. હું નસીબ પર ખૂબ વિશ્વાસ કરું છું. મારું એવું માનવું છે કે જે વસ્તુ મારા માટે લખાયેલી છે એ મારી પાસે આવીને જ રહેશે અને જે નહીં હોય એ નહીં મળે. મને પણ મુશ્કેલી પડી હતી, પરંતુ આજે જ્યારે હું ભૂતકાળમાં જોઉં છું તો એ બધું મજેદાર લાગે છે, કેમ કે એમાંથી હું બહાર નીકળી આવી છું.’
દુબઈમાં તેમની લાઇવ કૉન્સર્ટ વિશે આશા ભોસલેએ કહ્યું કે ‘આ એક બ્રૉડવે શો છે જેમાં અનેક ડાન્સર્સ, મ્યુઝિશ્યન્સ અને ટેક્નિશ્યન્સ રહેશે. સ્ટેજ વિશાળ છે. આટલા મોટા પાયે મેં કદી પણ શો નથી કર્યો. આ સ્પેશ્યલ શો છે. આવી રીતે બર્થ-ડે સેલિબ્રેટ કરવાનું મેં નહોતું વિચાર્યું. મારા દીકરા અને ફૅમિલી મેમ્બર્સની ઇચ્છા હતી કે આવી રીતે સેલિબ્રેટ કરવામાં આવે. મારી જર્ની પ્રમાણે ગીતો પ્લે કરવામાં આવશે. એમાં ક્લાસિકલ સૉન્ગ્સ, ફિલ્મનાં ગીતો અને કેવી રીતે મારી સ્ટાઇલ બદલાઈ, જે
ગીતો મેં લેજન્ડરી સિંગર્સ અને મ્યુઝિશ્યન્સ સાથે ગાયાં હતાં એ બધાં રજૂ કરવામાં આવશે. જે લેજન્ડ્સ આપણને છોડીને ગયા છે તેમને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવશે.’


