પ્રેમ અને યુદ્ધ ક્યારે શરૂ થાય એ કહેવાય નહીં. લાગણીઓને દિમાગ સાથે નહીં, દિલ સાથે સંબંધ છે.
ઓ. પી. નૈયર સાથે આશા ભોસલે અને કમલ બારોટ.
પ્રેમ નામના શસ્ત્રથી ઘાયલ થવું ગમે
એ ગમે તેને ગમે ત્યારે ઉગામો તમે
પ્રેમ અને યુદ્ધ ક્યારે શરૂ થાય એ કહેવાય નહીં. લાગણીઓને દિમાગ સાથે નહીં, દિલ સાથે સંબંધ છે. સ્વામી સચ્ચિદાનંદે કહ્યું છે, ‘શાણા માણસો પ્રેમમાં પડતાં બે વાર વિચાર કરે છે.’ ‘દિલ દિયા દર્દ લિયા’માં દિલીપકુમાર નિષ્ફળ પ્રેમમાં ઘાયલ થઈને પસ્તાવો કરતાં કહે છે ‘દિલને બહોત ધોકે ખાએ હૈં, આજકલ મૈં દિમાગ સે કામ લેતા હૂં.’ શાણા માણસો આ વાત સાથે પૂરી રીતે સંમત થતા હોય છે.
Familiarity breeds contempt અર્થાત્ અતિ નિકટતા અવગણનામાં પરિણમે છે. જેમ પ્રેમને કારણો સાથે કાંઈ સંબંધ નથી એથી વિપરીત સંબંધ-વિચ્છેદ માટે કારણોની કમી નથી હોતી. હકીકતમાં થાક સંબંધનો નહીં, એની સાથે જોડાયેલી અપેક્ષાઓનો લાગતો હોય છે. પંક્તિઓ યાદ આવે છે.
દૂરતા થોડી વખત મોંઘી પડી
પણ નિકટતા તો સતત મોંઘી પડી
આવું જ કૈંક આશા ભોસલે અને ઓ. પી. નૈયરના કિસ્સામાં બન્યું. બંને કારકિર્દીની ટોચ તરફ પ્રયાણ કરતાં હતાં પરંતુ દિવસે-દિવસે સંબંધ કથળતા જતા હતા. આ કૉલમમાં કોઈના અંગત જીવનમાં ડોકિયું કરીને ખણખોદ ન કરવાનો શિરસ્તો કાયમ રાખીને એટલું જ કહેવું પર્યાપ્ત રહેશે કે એક અવિસ્મરણીય સંગીતયાત્રાનો અંત નજીક આવતો જતો હતો. લોકો એ માટે રાહુલદેવ બર્મનને જવાબદાર ગણે છે પણ એ વાતમાં સત્ય નથી. (ઓ. પી. નૈયર અને આશા ભોસલે સાથે નિકટતા ધરાવનાર એક મિત્રે સાચી હકીકત શું હતી એ મારી સાથે શૅર કરી છે.)
ઓ. પી. નૈયર અને આશા ભોસલેની જોડીનું અંતિમ ગીત હતું ૧૯૭૩ની ફિલ્મ ‘પ્રાણ જાયે પર વચન ન જાયે’નું ‘ચૈન સે હમકો કભી આપને જીને ના દિયા.’ આ ગીતના રચયિતા એસ. એચ. બિહારીએ અમીન સાયાનીને આપેલો એક ઇન્ટરવ્યુ મારી લાઇબ્રેરીમાં છે. બંનેના સંબંધોથી વાકેફ શાયરે આ વિશે વાત કરતાં કહ્યું હતું, ‘બે પ્રતિભાશાળી વ્યક્તિત્વ વચ્ચેનો તનાવ ઘણી વખત એક વ્યક્તિ માટે જીરવવો મુશ્કેલ બની જાય છે. એક દિવસ આશાજી ખૂબ જ વ્યગ્ર હાલતમાં મારી સાથે વાત કરતાં બોલી પડ્યાં, ‘કૈસી હૈ મેરી ઝિંદગી? કોઈ મુઝે ચૈન સે જીને ભી નહીં દેતા.’ મેં વધુ કંઈ ન કહેતાં તેમને આશ્વાસન આપ્યું. તેમની વાત પરથી મેં ગીતનું મુખડું લખ્યું. ગીત પૂરું કરી મેં નૈયરસા’બને બતાવ્યું. એ સમજી ગયા કે કોની વાત છે, પણ એટલું જ કહ્યું, ‘અચ્છા લિખા હૈ.’ ત્યાર બાદ આ ગીત રતન મોહનની ફિલ્મ ‘પ્રાણ જાયે પર વચન ન જાયે’ માટે પસંદ કર્યું.’
સંગીતપ્રેમીઓની જાણ ખાતર કહેવાનું કે આ ફિલ્મનાં સાત ગીતોમાંથી છ ગીતો આશા ભોસલે અને એક મોહમ્મદ રફીના સ્વરમાં રેકૉર્ડ થયાં, પરંતુ આ ગીતના રેકૉર્ડિંગ (જે ફિલ્મનું રેકૉર્ડ થયેલું અંતિમ ગીત હતું) સમયે બંનેના સંબંધો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. નિર્માતાને ડર હતો કે આશા ભોસલે ગીત રેકૉર્ડ કરશે કે નહીં? પરંતુ તે આવ્યાં અને ગીત રેકૉર્ડ થયું. એ સમયને યાદ કરતાં એસ. એચ. બિહારી કહે છે, ‘એ દિવસે રેકૉર્ડિંગ રૂમમાં તંગ વાતાવરણ હતું. સૌને ખબર હતી કે બંને એકમેકની જિંદગીથી અલગ થઈ ગયાં છે પણ આશાજીએ એક સાચા પ્રોફેશનલ આર્ટિસ્ટની જેમ પોતાનું કમિટમેન્ટ પૂરું કર્યું. ગીતના શબ્દો પણ કેટલા સૂચક હતા. જ્યારે મેં આ ગીત લખ્યું ત્યારે મને ખબર નહોતી કે આવા સંજોગોમાં આ ગીત રેકૉર્ડ થશે. આ પહેલાંનાં ગીતો રેકૉર્ડ થયાં ત્યારે પણ બંને વચ્ચેનું અંતર સાફ દેખાતું હતું. ખપ પૂરતી જ વાત થતી. પરંતુ એ દિવસનો માહોલ જુદો હતો. આશાજીએ આવતાં વેંત કહ્યું, ‘સીધો ટેક લઈએ.’ નૈયરસા’બે કહ્યું, ‘એક રિહર્સલ કરી લઈએ.’ બંને એકમેક સાથે સીધી નહીં પરંતુ સહાયકોની મદદ દ્વારા વાત કરતાં. આશાજી સિંગરની કૅબિનમાં અને નૈયરસા’બ રેકૉર્ડિસ્ટની કૅબિનમાં, એકમેકથી દૂર, નજરની સામે હોવા છતાં એકમેક સામે જોવાનું ટાળતાં. પહેલા જ ટેકમાં ગીત ઓકે થયું. વાસ્તવિકતા બયાન કરતું આ ગીત આશાજીએ જે દર્દથી ગાયું એની સચ્ચાઈ સૌને સ્પર્શી ગઈ. નૈયરસા’બ માથું ધુણાવતાં આશાજીના દર્દને પંપાળતા હોય એમ બોલી ઊઠ્યા, ‘ક્યા બાત હૈ! બહોત ખૂબ.’
ગીત પૂરું થયું અને આશાજીએ ચૂપચાપ, કોઈની પણ સાથે વાત કર્યા વિના વિદાય લીધી. ક્યાંય સુધી વાતાવરણમાં સન્નાટો રહ્યો. ચારે તરફ ગમગીની છવાયેલી હતી. સૌને એક વાતનો રંજ હતો કે હવે આ જોડીની કમાલ સાંભળવા નહીં મળે. નૈયરસા’બ ઉપરથી સ્વસ્થ દેખાતા હતા પણ મને ખાતરી હતી કે દિલથી તેઓ પણ બેચેન હશે.’
એકમેકને ચાહતી બે વ્યક્તિઓ દૂર થાય ત્યારે બંનેની મનોસ્થિતિ આવી જ કૈંક હોય છે.
આમ શાને આપણું
અડબંગ ખાતું હોય છે
એક જીવન કેટલા
સ્તર પર જિવાતું હોય છે
ચાહવામાં હૂંફ કેવળ
અમુક માત્રા સુધી
એ પછી તો માત્ર
આડેધડ દઝાતું હોય છે
— હેમેન શાહ
છૂટાં પડ્યા બાદ બંનેનો ઇન્ટરવ્યુ લેવાનો પત્રકારોએ ખૂબ પ્રયાસ કર્યો. થોડા દિવસ હા–ના કર્યા બાદ આશા ભોસલેએ મર્યાદામાં રહીને કારણો અને હકીકતની રજૂઆત કરી પરંતુ ઓ. પી. નૈયરનું વલણ જુદું હતું. તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો. પત્રકારોએ કહ્યું કે આશાજીએ પોતાની વાત કરી છે, અમારે તમારી બાજુ પણ લોકો સુધી પહોંચાડવી છે. તમારો પ્રતિભાવ શું છે? ત્યારે તેમણે જે જવાબ આપ્યો એ આપણે સૌએ જીવનમાં ઉતારવા જેવો છે.
‘I don’t want to give any explanation. Because my friends don’t need them and my enemies won’t believe them. મારે કોઈ ખુલાસા નથી કરવા. મારા મિત્રોને એની જરૂર નથી અને મારા શત્રુઓને એમાં વિશ્વાસ નહીં બેસે. વાહ નૈયરસા’બ વાહ. કયા બાત હૈ. તમારા સંગીતની સાથે આ વાત પણ અમને જીવનભર યાદ રહી જશે કારણ કે..
બોલવું એ તો ગૌણ હોય છે
પ્રેમમાં પ્રથમ મૌન હોય છે
૧૯૮૦માં એચએમવીએ આશા ભોસલેનાં યાદગાર ગીતોની એલ. પી. બહાર પાડી, જેમાં ઓ. પી. નૈયર સિવાય બાકીના સંગીતકારોનાં ગીત હતાં. પત્રકારોએ આ વિશે તેમનો પ્રતિભાવ પૂછ્યો તો જવાબમાં ઓ. પી. નૈયરે કહ્યું, ‘તમે સૌ કેવળ આ જ સવાલ પૂછો છો એ જ મારી જીત છે. અન્ય સંગીતકારો સાથે મારું પણ એકાદ ગીત હોત તો શું ફરક પડવાનો હતો? હકીકત બદલાતી નથી. મારું ગીત હોત તો એ લોકોની કિંમત વધી હોત. તમારા પ્રશ્નો જ એ વાત સાબિત કરે છે કે મને બાકાત રાખવાનું પગલું અયોગ્ય હતું.’
૧૯૯૦માં શિરીષ કણેકરને આપેલા એક ઇન્ટરવ્યુમાં ઓ. પી. નૈયર કહે છે, ‘ઍસ્ટ્રોલૉજીનો મારો અભ્યાસ એમ કહેતો હતો કે અમે બંને એક દિવસ છૂટાં પડીશું. અમારી વચ્ચે મનદુઃખ થશે જ એ નક્કી હતું. એટલે તે મને છોડી દે એ પહેલાં જ મેં તેને છોડવાનું નક્કી કર્યું. જીવન હંમેશાં હું મારી શરતોએ જીવ્યો છું. લતા મંગેશકર માટે કહેવાતું કે તેના સ્વરના સહારાથી સંગીતકારોની કારકિર્દી બને છે એટલે તેની પાસે કદી ગીત ન ગવડાવ્યું. આશા સાથે પણ મને એ મંજૂર નહોતું કે મારું અસ્તિત્વ તેના કારણે છે. તેની ગેરહાજરીથી મારા સંગીત પર અસર પડે એ મને કબૂલ છે, પણ હું સમાધાનો સાથે જીવવામાં માનતો નથી. આજે પણ હું મારી શરતોએ જીવું છું. ભૂખે મરીશ પણ કોઈની સામે નમીશ નહીં. કબૂલ કે આશા એક મહાન ગાયિકા છે, પરંતુ તેને મહાન બનાવવામાં મારા સંગીતનો ફાળો કેટલો છે એ પૂરી દુનિયા જાણે છે.’
સ્વાભિમાન અને અહંકાર વચ્ચે પાતળી ભેદરેખા છે. એને કેમ, ક્યારે અને કેટલી વાર ઓળંગવી એ વ્યક્તિએ પોતે જ નક્કી કરવાનું છે. થોડા દિવસો પહેલાં નીતા અંબાણી કલ્ચરલ સેન્ટરના ગ્રૅન્ડ થિયેટરમાં અદ્ભુત મરાઠી નાટક ‘ચારચૌઘી’ જોયું. નાટકનો સૂર એ જ હતો. તમે લીધેલા નિર્ણય માટે તમે પોતે જ જવાબદાર છો. ત્યાર બાદ જે (સારાં કે નરસાં) પરિણામ આવે એના માટે કોઈને જવાબદાર ન ઠેરવી શકો. નિર્ણય લીધા બાદ એનાં પરિણામ ભોગવવાની તૈયારી ન હોય તો એ લેતાં પહેલાં સાત વાર વિચારી લેવું.
ઓ. પી. નૈયરે પોતાના નિર્ણયની કેવી અને કેટલી કિંમત ચૂકવી એ વાત આવતા શનિવારે.


