તેની સાથે બે ફિલ્મો કરી ચૂકેલા અર્શદ વારસીએ તેના સહકલાકાર વિશે કહ્યું કે તે પોતાની દુનિયામાં જ જીવે છે
અક્ષય ખન્ના સાથે બે ફિલ્મો કરી ચૂક્યો છે અર્શદ વારસી
આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’માં પાકિસ્તાનના રહમાન ડકૈત બનીને ભારે લોકપ્રિયતા મેળવનાર અક્ષય ખન્ના હાલમાં ભારે વિવાદમાં છે. તેણે ‘દૃશ્યમ 3’માં કામ કરવાની ના પાડી દીધા પછી ફિલ્મના પ્રોડ્યુસર કુમાર મંગત પાઠકે આરોપ મૂક્યો છે કે અક્ષયના મગજમાં સફળતાની રાઈ ભરાઈ ગઈ છે. આ સંજોગોમાં અર્શદ વારસીએ એક ઇન્ટરવ્યુમાં અક્ષય ખન્નાના સ્વભાવ વિશે એક મોટો ખુલાસો કરતાં જણાવ્યું છે કે અક્ષયને કોઈની કશી ફિકર નથી અને તે પોતાની દુનિયામાં જ જીવે છે.
અર્શદ વારસીએ અક્ષય ખન્ના સાથે ‘હલચલ’ અને ‘શૉર્ટ કટ’માં કામ કર્યું છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં જ્યારે અર્શદને અક્ષય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે ‘અક્ષય ખૂબ ગંભીર વ્યક્તિ છે. ઍક્ટર તરીકે તો તે પહેલેથી જ બહુ સારો છે એમાં કોઈ શંકા નથી, પરંતુ તે પોતાની દુનિયામાં જ રહે છે. તમે તેના વિશે શું વિચારો છો કે શું નથી વિચારતા એનાથી તેને કોઈ ફરક નથી પડતો. તેને કોઈની પરવા નથી. તેની પોતાની જિંદગી છે. તે પોતાની રીતે જિંદગી જીવે છે. તેને કોઈની સાથે કોઈ મતલબ નથી. પી.આર. વગેરેની પણ તેને કોઈ ચિંતા નથી. તે પહેલાંથી જ એવો છે.’


