રીમેક બનાવી, પરંતુ સ્ટોરી અને ડીટેલ્સની જગ્યાએ ઍક્શન પર વધુ મહત્ત્વ આપવામાં આવ્યું હોય એવું લાગે છે : આદિત્ય અને મૃણાલની સાથે લીડ ઍક્ટર રૉનિત રૉયના પાત્રને પણ ખૂબ જ કમજોર લખવામાં આવ્યું છે
ગુમરાહ રિવ્યુ: કમજોર સ્ટોરીમાં થઈ ‘ગુમરાહ’
ફિલ્મ : ગુમરાહ
કાસ્ટ : આદિત્ય રૉય કપૂર, મૃણાલ ઠાકરુ, રૉનિત રૉય
ADVERTISEMENT
ડિરેક્ટર : વર્ધાન કેતકર
સ્ટાર : ૧.૫
૨૦૧૯માં આવેલી સાઉથની ફિલ્મ થડામની રીમેક છે ગુમરાહ. આદિત્ય રૉય કપૂરની ‘ગુમરાહ’ને ભૂષણકુમાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મને વર્ધાન કેતકરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં આદિત્યની સાથે રૉનિત રૉય અને મૃણાલ ઠાકુરે કામ કર્યું છે.
સ્ટોરી ટાઇમ
ફિલ્મની શરૂઆત એક મર્ડરથી થાય છે. આ મર્ડર માટે આદિત્ય રૉય કપૂરનું નામ આવે છે. તેણે આ ફિલ્મમાં બે પાત્ર ભજવ્યાં છે, જેમાંથી અર્જુન સેહગલ અને સૂરજ રાણા એટલે કે રૉની હોય છે. આદિત્ય સૂટ-બૂટમાં ફરતો ક્લાસિક અવતારમાં જોવા મળતો હોય છે અને તે સ્માર્ટ હોય છે. મર્ડર થયા બાદ આ કેસ મૃણાલ ઠાકુરના પાત્ર શિવાનીને સોંપવામાં આવે છે. તે જબરદસ્ત ઇન્વેસ્ટિગેશન કરીને આ માટે અર્જુનને અરેસ્ટ કરે છે. શિવાનીના બૉસ રૉનિત રૉય ત્યારે પિક્ચરમાં આવે છે. તેણે એસીપી ધીરેન યાદવનું પાત્ર ભજવ્યું છે. ધીરેને તો અર્જુનને દોષી જ સાબિત કરી દીધો હોય છે. આ પાછળનું કારણ એ છે કે અર્જુને ભૂતકાળમાં ધીરેનની દીકરીને ભાગી જવામાં મદદ કરી હોય છે. જોકે એ સમયે જ તેમની સામે અન્ય પોલીસ-કર્મચારી રૉનીને લાવીને ઊભો કરી દે છે. રૉની ટપોરી ટાઇપ હોય છે. તેની ભાષા પણ એવી હોય છે. જોકે એક મર્ડર માટે બે જણને કેવી રીતે દેષી ઠેરવવા એ માટે પોલીસ અવઢવમાં પડી જાય છે અને તેઓ વધુ તપાસ કરે છે અને એના પર આ ફિલ્મ છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
વર્ધાન અને અસીમ અરોરાએ લખેલી ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ જ કમજોર છે. તેમણે આ રીમેકમાં થ્રિલર પર અને ડીટેલ્સ પર ફોકસ કરવાની જગ્યાએ ‘ભોલા’ની જેમ ફક્ત ઍક્શન પર જ ફોકસ કર્યું હોય એવું લાગે છે. સ્ટોરી લિનિયર સ્ટાઇલમાં નથી એટલે કે સ્ટોરી કૂદકા મારતી હોય એવું લાગે છે. મર્ડર બાદ સૂરજ અને આદિત્યની સ્ટોરી ફ્લૅશબૅકમાં શરૂ થઈ જાય છે. આદિત્યની લવ લાઇફ અને ત્યાર બાદ સૂરજની સ્ટોરી. આમ આ બધા વચ્ચે મર્ડરની સ્ટોરી સાઇડલાઇન થઈ જાય છે. ફિલ્મની સ્ટોરી ટુકડા-ટુકડામાં લખી હોય એવું લાગે છે. બની શકે કે એને પહેલાં વેબ-શો બનાવવાના હેતુથી લખવામાં આવી હોય, કેમ કે આદિત્યની લવ સ્ટોરીનો એક અલગ એપિસોડ છે. રૉનીની સ્ટોરી અલગ છે. કહેવાનો મતલબ એ કે આ બધી સ્ટોરીને મેઇન પ્લૉટ સાથે સીધું કોઈ કનેક્શન નથી. સ્ટોરી સતત જમ્પ થતી લાગે છે. વર્ધાને પણ તેના ડિરેક્શન દ્વારા કોઈ ખાસ કમાલ નથી કરી. ફિલ્મમાં કોઈ એવું દૃશ્ય નથી જેના કારણે દર્શકોમાં જોતી વખતે રોમાંચ જાગે. ફિલ્મને જોઈને લાગે છે કે ફિલ્મ પણ પોતાને સિરિયસલી નથી લઈ રહી. તેમ જ ડાયલૉગ પણ એક-બે જગ્યાએ હસાવી જાય છે બાકી એ વધુપડતા ફિલ્મી લાગે છે.
પર્ફોર્મન્સ
આદિત્ય રૉય કપૂરે ડબલ રોલ કર્યો છે. જોકે શરૂઆતમાં તે બન્ને પાત્ર માટે અલગ-અલગ અવાજ કાઢવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ત્યાર બાદ એ સરખો જ લાગે છે. અવાજ માટેની તેની મહેનતમાં પણ પાણી ફરી વળે છે. તેમ જ તે આજ સુધી જે કરતો આવ્યો છે એ જ આ ફિલ્મમાં છે, એ સિવાય તેની પાસે નવું કઈ નથી. જોકે તેના પાત્રને જે રીતે લખવામાં આવ્યું છે એમાં તે પણ કંઈ કરી શકે એમ નથી. ફક્ત કપડાં અને ટૅટૂને કારણે વ્યક્તિ અલગ થઈ જાય એવું નથી હોતું. મૃણાલ ઠાકુરે પોલીસ-ઑફિસરના પાત્રમાં બંધ બેસવાની ખૂબ જ કોશિશ કરી છે, પરંતુ તે નિષ્ફળ રહી છે. તે પોલીસના રોલમાં એટલી જામતી નથી. કેટલાક મૅનરિઝમ અને બૉડી-લૅન્ગવેજ માટે કામ કરવું જરૂરી છે. ‘ભોલા’ની તબુ અને ‘ગુમરાહ’ની શિવાની વચ્ચે ખૂબ જ મોટો તફાવત છે. રૉનિત રૉય હવે પિતાના પાત્રમાં બીબાઢાળ થઈ ગયો છે. તેની પાસે હવે બસ આવા જ પાત્રની ઑફર આવે છે. તે એક દાદૂ ઍક્ટર છે, પરંતુ આ ફિલ્મમાં તેની પાસે પણ કરવા જેવું કંઈ ખાસ નથી.
મ્યુઝિક
ફિલ્મનો બૅકગ્રાઉન્ડ સ્કોર કેતન સોઢા અને ગીતનું મ્યુઝિક વિશાલ મિશ્રા, તનિષ્ક બાગચી, મિથુન અને અભિજિત વાઘાણીએ આપ્યું છે. દરેક ગીતને અલગ-અલગ સિંગરે કમ્પોઝ કર્યું છે, પરંતુ એમ છતાં એક પણ ગીતમાં ખાસ દમ નથી. એક વાર એ. આર. રહમાને કહ્યું હતું કે એક ફિલ્મમાં જ્યારે અલગ-અલગ મ્યુઝિશ્યન સંગીત આપે છે ત્યારે એનો આત્મા મરી પરવારે છે. એ માટેનું આ ફિલ્મ ઉત્તમ ઉદાહરણ છે. તેમ જ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ફિલ્મને ખાસ સપોર્ટ નથી કરતું.
આખરી સલામ
આજકાલ ઓટીટીના રાઇટ્સ માટે પણ ખૂબ જ પૈસા મળે છે. એની સાથે મ્યુઝિક રાઇટ્સ, સૅટેલાઇટ રાઇટ્સ વગેરે વગેરે દ્વારા ફિલ્મના પૈસા કવર થઈ જાય છે. આથી ફિલ્મમેકર હવે ફિલ્મ પર વધુ ફોકસ કરવા ન માગતા હોય એવું લાગે છે. કોઈ પણ ફિલ્મને ઉઠાવી એની રીમેક બનાવી દેવામાં આવે છે અને એ ચાલે છે કે નહીં એની સાથે કોઈ લેવાદેવા નથી, ફક્ત ફિલ્મ બનવી જોઈએ. પૈસા તો રાઇટ્સ વેચીને કમાઈ લઈશું એવી મેન્ટાલિટી હોય એવું લાગે છે.


