રવીના ટંડનનું કહેવુ છે કે ગોવિંદાને કારણે તેના કૉમિક ટાઇમિંગમાં સુધારો આવ્યો હતો.
રવીના ટંડન
રવીના ટંડનનું કહેવુ છે કે ગોવિંદાને કારણે તેના કૉમિક ટાઇમિંગમાં સુધારો આવ્યો હતો. આ બન્નેની જોડી ૯૦ના દાયકામાં ખૂબ ચમકી હતી. તેમણે ‘દુલ્હે રાજા’, ‘આન્ટી નંબર 1’, ‘બડે મિયાં છોટે મિયાં’ અને ‘અનાડી નંબર 1’માં સાથે કામ કર્યું હતું. ગોવિંદાની પ્રશંસા કરતાં રવીનાએ કહ્યું કે ‘મને ઇન્ડસ્ટ્રીમાં અનેક સારા ફ્રેન્ડ્સ મળ્યા છે. એમાં મનમોહક માધુરી દીક્ષિત નેને, આકર્ષક શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને હા કદી ન વીસરી શકાય એવી શ્રીદેવી. જોકે મારે એ બધામાંથી કોઈ એકને પસંદ કરવાના હોય તો એ ગોવિંદા છે જેને આપણે પ્રેમથી ચીચી કહીએ છીએ. અમને બન્નેને મ્યુઝિક અને ડાન્સ પર ખૂબ લગાવ રહ્યો છે. ગોવિંદાને કારણે જ મારા કૉમિક ટાઇમિંગમાં અદ્ભુત રીતે સુધારો આવ્યો હતો.’
આ બન્નેનાં ગીતો ‘કિસી ડિસ્કો મેં જાએં’ અને ‘અખિયોં સે ગોલી મારે’ ખૂબ હિટ રહ્યાં હતાં. એ ગીતનું શૂટિંગ તેમણે ખૂબ ઝડપથી પૂરું કરી દીધું હતું. એ વિશે રવીનાએ કહ્યું કે ‘ડાન્સ કરવામાં પણ અમે ખૂબ ઝડપ રાખતાં હતાં. અમે ‘કિસી ડિસ્કો મેં જાએં’ને દોઢ દિવસમાં અને ‘અખિયોં સે ગોલી મારે’ને એક જ દિવસમાં પૂરું કરી લીધું હતું. અમે સવારે સાડાનવ-દસ વાગ્યે શૂટિંગ શરૂ કરતાં અને સાંજે પૂરું કરી લેતાં. અમે સાથે-સાથે અંતરા અને મુખડાનું પણ શૂટિંગ કરતાં હતાં. અમારી કેમિસ્ટ્રી પ્યૉર મૅજિક હતી. એમાં અમારી એનર્જીનો ઉમેરો થતો હતો અને હેલ્ધી કૉમ્પિટિશન પણ રહેતી હતી.’


