પહેલાં લાઇફ નહીં હૈ લડ્ડુ અને જસ્સી જૈસી કોઈ નહીંથી જાણીતા થયેલા અને હવે ધુરંધર સિરીઝના આલમના પાત્રથી ખૂબ નામના મેળવનારા ગૌરવ ગેરાએ બે વર્ષ આ ફિલ્મ માટે ખરેખર તપ કર્યું હતું એમ કહી શકાય.
ધુરંધર ન ચાલી હોત તો મેં માની લીધું હોત કે ફિલ્મો મારા માટે છે જ નહીં
પહેલાં લાઇફ નહીં હૈ લડ્ડુ અને જસ્સી જૈસી કોઈ નહીંથી જાણીતા થયેલા અને હવે ધુરંધર સિરીઝના આલમના પાત્રથી ખૂબ નામના મેળવનારા ગૌરવ ગેરાએ બે વર્ષ આ ફિલ્મ માટે ખરેખર તપ કર્યું હતું એમ કહી શકાય. આ ફિલ્મથી તેમને આશા હતી, પરંતુ જો એ આશા ખરી ન ઊતરી હોત તો તેમણે માની લીધું હોત કે ફિલ્મો માટે પ્રયત્ન કરવા જેવો નથી. જોકે થયું ઊંધું. નામના તો મળી જ, પરંતુ તેમનાં જૂનાં કામોની પણ લોકોએ અઢળક પ્રશંસા કરી
૧૯૯૮માં ઍક્ટર બનવાનાં સપનાં આંખોમાં ભરીને દિલ્હીથી મુંબઈ આવનારા ગૌરવ ગેરાને ખબર હતી કે અહીં ઑડિશન આપવાં હશે તો પોર્ટફોલિયો બનાવવો પડશે. એ સમયે જીવન એટલું ડિજિટલ નહોતું એટલે ફોટોની એક ફાઇલ જેવું બનાવીને બધે લઈ જવું પડતું હતું. મુંબઈમાં સપનાં લઈને આવનારા અઢળક લોકોને એ ખબર છે કે એ સપનાં જોવા અહીં કેટલાં મોંઘાં પડે છે. અહીંનાં ભાડાં અને ખર્ચા કમરતોડ હોય છે. એમાં એક બનાવ એવો બની ગયો કે વ્યક્તિ હલી જાય. ગૌરવ રિક્ષામાં એક જગ્યાએ ઑડિશન આપવા જઈ રહ્યો હતો અને એ રિક્ષામાં તેનો પોર્ટફોલિયો ભૂલી ગયો. એના વગર હવે કામ શોધવું કઈ રીતે? મુંબઈ તે આવ્યો ત્યારે તેણે સાંભળેલું કે મુંબઈ તમારું કંઈક ને કંઈક છીનવી લે છે, તમારી પાસેથી લઈ લે છે અને પછી જ તમને આપે છે. મુંબઈએ તેનો પોર્ટફોલિયો લઈ લીધેલો, હવે એ (કામ) આપશે એ આશાએ તેણે ફરી પૈસા ભેગા કર્યા અને ફોટો પડાવ્યા. એ સમયે ગૌરવ પાસે
ફૅશન-ડિઝાઇનિંગની ડિગ્રી હતી. ઍક્ટિંગ કરી શકશે કે નહીં, કામ મળશે કે નહીં એ પ્રશ્નો મનમાં હોવા સહજ હતું. જીવનમાં પ્લાન A વર્ક ન કર્યો તો પ્લાન B હોવો જ જોઈએ એ સ્ટ્રૅટેજી સાથે જ કોઈ પણ સમજદાર વ્યક્તિ મુંબઈ આવે છે. ગૌરવે પણ એમ જ વિચાર્યું કે થોડો સમય કોશિશ કરી જોઉં; કંઈ થયું તો ઠીક છે, નહીંતર પાછો જતો રહીશ. એ સમયે ગૌરવનો એક સિનિયર હતો જે પણ ઍક્ટર બનવા આવેલો. તે બન્ને એકસાથે જ ઑડિશન આપવા જતા. તે સિનિયરને કામ મળી જતું અને ગૌરવને મળતું નહીં. ગૌરવને સમજાતું નહીં કે એવું આ શું કરે છે જે હું નથી કરતો. આ દિવસો યાદ કરતાં ગૌરવ કહે છે, ‘એક દિવસ હું ખૂબ ત્રસ્ત હતો. મેં તેને પૂછી લીધું કે આવું કેમ છે, મને લાગે છે કે અહીં કશું થવાનું નથી, મારે પાછા જતું રહેવું જોઈએ. એના જવાબમાં પેલાએ મને કહ્યું કે તારી પાસે પ્લાન B છે એટલે તારો પ્લાન A વર્ક નથી થતો; જીવનમાં ઑપ્શન હોય જ નહીં, જે જોઈએ છે એ જોઈએ જ છે એમ મનમાં હોય ત્યારે જ વસ્તુ મળે; મળે તો ઠીક છે અને નહીં મળે તો કંઈ બીજું કરી લઈશું એમ જ્યારે મગજમાં હોય ત્યારે વસ્તુ મળતી નથી. મને એ દિવસે રિયલાઇઝ થયું અને મેં પાછા જવાનો વિચાર જ માંડી વાળ્યો. જેવો મેં એ વિચાર અમલમાં મૂક્યો કે મને કામ મળવાનું શરૂ થઈ ગયું. એ પછી મેં જે-જે વસ્તુ વિચારી કે માગી એ બધું જ મને મળ્યું છે. મુંબઈએ મને ઘણું આપ્યું છે અને હું એ બાબતે ઘણો તૃપ્ત છું.’
કરીઅર
મુંબઈ આવ્યા પછી તેણે જાહેરખબરોમાં કામ કર્યું. એ પછી બે જ વર્ષમાં ટીવીમાં સૌથી પહેલો શો ‘લાઇફ નહીં હૈ લડ્ડુ’માં તેમણે ટાઇટલ રોલ કર્યો હતો. એ પછી ઘણા ટીવી-શો પણ કર્યા છે પણ ગૌરવને ટીવી પર સૌથી વધુ ખ્યાતિ ‘જસ્સી જૈસી કોઈ નહીં’ સિરિયલથી મળી. ‘ધ ગ્રેટ ઇન્ડિયન કૉમેડી શો’માં તેમણે ઘણા કૉમિક ઍક્ટ કર્યા જે એ સમયે ખાસ્સા પ્રચલિત બન્યા હતા. નાની-મોટી ફિલ્મો પણ કરી. જોકે હાલમાં ‘ધુરંધર’ ફિલ્મના બન્ને ભાગમાં ‘આલમ’ના પાત્રને ભજવીને તેમણે તેની કરીઅરની અત્યાર સુધીની મહત્તમ ખ્યાતિ મેળવી છે. તેમનો દૂધ સોડાવાળો ડાયલૉગ લોકોના મોઢે ચડી ગયો છે. શરૂઆતમાં લોકોને આલમનું પાત્ર ગૌરવ ગેરાએ ભજવ્યું છે એ ખબર જ નહોતી. મોડેથી લોકોને રિયલાઇઝ થયું કે આ તો ‘જસ્સી જૈસી કોઈ નહીં’વાળો ગૌરવ છે.
બાળપણ
મૂળ ફરીદાબાદના પણ છઠ્ઠા ધોરણથી ગુરુગ્રામમાં રહેતા ગૌરવ ગેરાના પપ્પા IIT-ભુવનેશ્વરમાંથી પાસ-આઉટ એન્જિનિયર હતા. મમ્મી પણ BA, MA, BEd જેવી અઢળક ડિગ્રીઓ સાથે ટીચર તરીકે જૉબ કરતાં હતાં. મોટો ભાઈ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો, પણ ગૌરવ ભણવામાં ઍવરેજ બાળક હતો. પોતાના બાળપણ વિશે વાત કરતાં તે કહે છે, ‘હું એક શાંત બાળક હતો, તોફાની નહોતો. એવું બાળક હતો જેનો એક જ મિત્ર હોય. વધુ પડતા મિત્રો પણ નહોતા મારા. મને આર્ટ-ક્રાફ્ટમાં ખૂબ રસ હતો. ચિત્રો હું ખૂબ બનાવતો. ઘરમાં મને કોઈ કહેતું નહોતું કે ભણવું તો પડશે જ, પણ મને ખુદને જ ટેન્શન થતું કે હું મોટો થઈને કરીશ શું? પપ્પાનો બિઝનેસ તો છે નહીં કે ચિંતા ન હોય. જોકે આજે એવું થાય છે કે સારું થયું કે પપ્પા જૉબ કરતા હતા અને તેમનો બિઝનેસ નહોતો, નહીંતર આજે જે હું કરી રહ્યો છું એ ન કરી શક્યો હોત. જોકે મારા પેરન્ટ્સ સપોર્ટિવ હતા. તેમણે મને પૂરી આઝાદી આપેલી. મારે જે કરવું હોય એ હું કરી શકું એમ હતો.’
મુંબઈ કૉલિંગ
ગૌરવ સ્કેચ સારા બનાવી જાણતો હતો એટલે તેણે ફૅશન-ડિઝાઇનિંગ પસંદ કર્યું. દિલ્હીની એક મોંઘી ઇન્સ્ટિટ્યૂટમાંથી તેણે આ કોર્સ કર્યો જે કરતાં-કરતાં તેને સમજાઈ ગયું કે આ કામ તેણે કરવું નથી. તેણે પેરન્ટ્સને કહ્યું, ‘મારે આ કામ કરવું નથી. તમારે પૈસા બચાવવા હોય તો છેલ્લું વર્ષ રહેવા દઈએ. મારે થિયેટર કરવું છે.’
ત્યારે પેરન્ટ્સે કહ્યું, ‘જે શરૂ કર્યું છે એ પૂરું કર અને ડિગ્રી લઈ લે. પછી તારી ઇચ્છા પ્રમાણે કર.’
જોકે અચાનક થિયેટર કરવાની ઇચ્છા કેમ થઈ આવી? આ પ્રશ્નના જવાબમાં ગૌરવ કહે છે, ‘ગુરુગ્રામ એક નાનકડું શહેર હતું. ત્યારે ત્યાં કંઈ નહોતું. છતાં મેં સમુદ્રમંથન પર એક નાટક કર્યું હતું જેમાં હું રાક્ષસ બન્યો હતો. સ્ટેજ પર હોવું, ડ્રેસ-અપ કરવું એટલે કે કૉસ્ચ્યુમ-ડ્રામા પ્રકારનું ગ્લૅમર મને આકર્ષિત કરી ગયું હતું. ૩ વર્ષ મેં દિલ્હીમાં થિયેટર કર્યું અને એ દરમ્યાન એટલે કે ૧૯૯૮માં મને મારા જીવનની પહેલી જાહેરખબર મળી. એ પછી મેં નક્કી કર્યું કે મારા હાથમાં હવે કંઈક છે જે લઈને હું મુંબઈ જઈ શકું એમ છું એટલે હું મુંબઈ આવી ગયો.’
કન્ટેન્ટ ક્રીએશન
આજે રીલ્સ પાછળ લોકો ઘેલા થયા છે, પણ એ રીલનું નામ જ્યારે રીલ હતું નહીં ત્યારે એની શરૂઆત ગૌરવે કરેલી. ટીવી-શો, ફિલ્મો અને જાહેરખબરો કરતાં-કરતાં તેમને એ વિચાર આવ્યો કે ઇન્ટરનેટ પર કન્ટેન્ટ બનાવીએ તો કેવું. એ વિશે વાત કરતાં ગૌરવ કહે છે, ‘હું પહેલાં લાંબા વિડિયો બનાવતો હતો. એ સમયે ઇન્ટરનેટ મોંઘું હતું, ડેટા ખર્ચાળ હતો એટલે લાંબા વિડિયો ઓછા લોકો જોતા હતા. એટલે મેં વિચાર્યું કે થોડા શૉર્ટ વિડિયો બનાવું તો કેવું? વળી મારા ઑડિયન્સમાં મેં જોયું કે સ્ત્રીઓ ઘણી વધારે હતી એટલે મેં ઇન્સ્ટાગ્રામ જેવું પ્લૅટફૉર્મ પસંદ કર્યું, કારણ કે એ સ્ત્રીઓને ગમે એવું કલરફુલ અને વાઇબ્રન્ટ હતું. મેં એ વિચાર્યું કે હું તો ઘરે જ વિડિયો શૂટ કરીશ તો પાત્રો પણ એવાં જ પસંદ કર્યાં જે ઘરના સેટ-અપમાં બંધ બેસે.’
ગૌરવે બિલ્લી માસી, ચુટકી, શૉપકીપર, કુમારી કુસુમ જેવાં ઘણાં પાત્રો ખુદ વિચાર્યાં, બનાવ્યાં, લખ્યાં અને ઍક્ટ પણ કર્યાં છે. ઍક્ટિંગ કરવી એક બાબત છે અને કંઈક શૂન્યથી ક્રીએટ કરવું એક જુદી જ બાબત છે. એક સર્જક તરીકેનો સંતોષ વ્યક્ત કરતાં ગૌરવ કહે છે, ‘મેં ૮-૧૦ વર્ષ આ કામ કર્યું. એ દરમ્યાન લોકોએ મને ખૂબ પસંદ કર્યો. સાચું કહું તો એક લૉયલ ફૅન-બેઝ તૈયાર થયો. મને ખૂબ મજા આવી છે આ કામ કરવાની. પૈસા, પ્રસિદ્ધિ અને કંઈક ક્રીએટ કરવાનો કલાકાર તરીકેનો સંતોષ બધું જ મને આનાથી મળ્યું.’
ધુરંધર
સાથે-સાથે ગૌરવ કોશિશ કરી રહ્યો હતો કે તેને ફિલ્મોમાં કામ મળે, પણ કશું ક્લિક નહોતું થઈ રહ્યું. ત્યારે તેને મુકેશ છાબરાની ઑફિસથી ‘ધુરંધર’ના ઑડિશન માટે ફોન આવ્યો. એ વિશે વાત કરતાં ગૌરવ ગેરા કહે છે, ‘ફિલ્મ જ્યારે આવી ત્યારે મને થયું કે રોલ તો નાનો છે પણ ખૂબ સારો છે. આટલી મોટી ફિલ્મમાં નક્કી ન કહી શકાય કે એડિટ થઈને રોલ કેટલો બચે. જોકે ઍક્શન ફિલ્મ, આટલા મોટા સ્કેલ પર, આટલો સશક્ત રોલ બધું જ એવું હતું કે ‘ના’ પાડવાનો તો કોઈ સવાલ જ નથી ઊઠતો. મેં મારા જીવનમાં જેટલા પ્રોજેક્ટને ‘હા’ પાડી છે એના કરતાં વધુને ‘ના’ પાડી છે. કામ બાબતે હું ચૉઇસિસ ક્લિયર રાખું છું. ‘ધુરંધર’ સાઇન કરી ત્યારે મને ઘણી આશા હતી, પણ બે વર્ષ શૂટિંગ ચાલ્યું. બે વર્ષ મારે દાઢી વધારી રાખવી પડી હતી. મારાં બધાં જ પાત્રો દાઢી વગરનાં હતાં એટલે કન્ટેન્ટ ક્રીએશન સંપૂર્ણ બે વર્ષ બંધ રહ્યું. એ દરમ્યાન ઘણી વાર વિચાર આવ્યો કે આ ફિલ્મ ન ચાલી તો શું? અથવા ફિલ્મમાં મારો રોલ કપાઈ ગયો તો શું? તો મેં વિચારી લીધું હતું કે હું પાછો જતો રહીશ, હવે બસ થઈ ગયું. મેં ધારી લીધું હતું કે ફિલ્મો મારા માટે છે નહીં. જોકે સારું થયું કે આવું કશું થયું નહીં. હું અતિ ખુશ છું કે લોકોએ ફિલ્મ અને મારું પાત્ર બન્નેને ખૂબ પ્રેમ આપ્યો.’
‘ધુરંધર’એ તમને અઢળક પ્રેમ અપાવ્યો, કરીઅર માટે ઘણી નવી બારીઓ ખોલી આપી, કૉમેડી છોડીને સિરિયસ રોલ પણ તમે ખૂબ સારી રીતે કરી શકો છો એ સાબિત કરી બતાવ્યું. આમ અઢળક વસ્તુઓ આપી પણ એવી એક વસ્તુ શું છે જેને લઈને તમે ગદ્ગદ થઈ ગયા છો? આ પ્રશ્નનો જવાબ આપતાં ગૌરવ કહે છે, ‘‘ધુરંધર’ને કારણે લોકો મારું જૂનું કામ પણ બિરદાવી રહ્યા છે. બધા મારી ચૉઇસિસ કેટલી સારી હતી એ વાત કરી રહ્યા છે જે મને ખૂબ પ્રસન્નતા આપી રહી છે. લોકોએ પહેલાં પણ વખાણ કર્યાં છે; પણ એક એવી ફિલ્મ આવી જેને કારણે આ ફિલ્મમાં કરેલા કામની જ નહીં, પાછલાં કામોની પણ ખૂબ ગણના થઈ રહી છે જે ઘણી મોટી વાત છે.’
ADVERTISEMENT
હૉબી : શોખ કહો કે જરૂરિયાત પણ કુકિંગ મને ગમે છે. મારી ક્રીએટિવિટીનો પૂરો ઉપયોગ હું એમાં કરું છું. મુંબઈએ મને કુકિંગ શીખવ્યું છે. ઘરથી દૂર રહેતી દરેક વ્યક્તિની જેમ મેં પણ રસોઈ શરૂ કરી હતી.
ફરિયાદ : મેં જે પણ માગ્યું એ મને મળ્યું છે. મારો પહેલો શો ‘લાઇફ નહીં હૈ લડ્ડુ’ ૬ મહિનામાં બંધ થઈ ગયો ત્યારે મેં માગ્યું હતું કે આવો જ રોલ મારે કરવો છે. એ પછી મને જસ્સી મળી જેમાં લડ્ડુ જેવું જ પાત્ર હતું. મેં માગેલું કે એક એવો રોલ જોઈએ જેના પર મને ખુદ માટે માન થાય અને મને ‘ધુરંધર’ મળી. જે માગો એ મળે તે વ્યક્તિને જીવનમાં કોઈ ફરિયાદ હોય ખરી?
શું ન ગમે? : તીક્ષ્ણ અવાજો મારાથી સહન નથી થતા. છેલ્લાં દસેક વર્ષથી હું પાર્ટીઓમાં જતો જ નથી. મને વાતોમાં, ક્રીએટિવ કામમાં વધુ રસ છે. મને ગૉસિપ કરવી ગમતી નથી.
રિલેશનશિપ સ્ટેટસ : હું સિંગલ છું અને ખૂબ ખુશ છું. હું અત્યારે બેસ્ટ લાઇફ જીવી રહ્યો છું. હું પચાસ વર્ષે પણ આજે મારાં મમ્મી-પપ્પાની રૂમમાં જઈને તેમની વચ્ચે સૂઈ જાઉં એવો છું.
જીવનમંત્ર : સફળતા કે નિષ્ફળતા બન્નેને ગંભીરતાથી લેવી નહીં. જીવન સંપૂર્ણ રીતે જીવવું. કામ જીવનનો એક ભાગ છે, સમગ્ર જીવન નહીં. રાત્રે બે વાગે મન થાય તો ખીર બનાવીને હું પ્રેમથી ખાઉં છું. એવી વ્યક્તિ છું હું.
