ઇમરાન હાશ્મીએ ખુલાસો કર્યો છે કે ‘આવારાપન’ની રીરિલીઝ ‘આવારાપન 2’ પછી થશે. નિર્માતાઓએ ચાહકોને નવી રીતે વાર્તા સાથે જોડવા માટે આ નિર્ણય લીધો છે.
આવારાપન 2ની પહેલાં નહીં પણ પછી થિયેટરમાં રીરિલીઝ થશે આવારાપન
ઇમરાન હાશ્મી હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘આવારાપન 2’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ૧૪ ઑગસ્ટે થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે અને એના પ્રમોશન દરમ્યાન ઇમરાને ફિલ્મના પ્રથમ ભાગ ‘આવારાપન’ની રીરિલીઝ વિશે ફૅન્સને મહત્ત્વની માહિતી આપી છે. થોડા સમય પહેલાં એવા રિપોર્ટ આવ્યા હતા કે ‘આવારાપન 2’ની રિલીઝ પહેલાં નિર્માતાઓ ૨૦૦૭માં આવેલી ‘આવારાપન’ને ફરીથી સિનેમાઘરોમાં રજૂ કરશે અને આ ફિલ્મ ૩૧ જુલાઈએ રીરિલીઝ થશે એવી ચર્ચા પણ ચાલી રહી હતી. હવે ઇમરાને સ્પષ્ટતા કરી છે કે પહેલાં ‘આવારાપન 2’ રિલીઝ થશે અને ત્યાર બાદ જ નિર્માતાઓ પ્રથમ ભાગને ફરીથી રિલીઝ કરશે.
સામાન્ય રીતે કોઈ લોકપ્રિય ફિલ્મની સીક્વલ રિલીઝ થાય એ પહેલાં એનો પ્રથમ ભાગ ફરીથી રિલીઝ કરવામાં આવે છે જેથી જેમણે અગાઉ ફિલ્મ જોઈ ન હોય તેઓ એને જોઈ શકે અને જૂના દર્શકોની યાદો પણ તાજી થઈ જાય. જોકે ‘આવારાપન’ના મામલે નિર્માતાઓએ આનાથી અલગ નિર્ણય લીધો છે. ઇમરાન હાશ્મીએ આ નિર્ણય વિશે કહ્યું હતું કે ‘આ નિર્ણય વિચારીને લેવામાં આવ્યો છે. વર્ષો પહેલાં શિવમ પંડિતની વાર્તા જોઈ ચૂકેલા ચાહકો જ્યારે ‘આવારાપન 2’ જોશે ત્યારે તેઓ એ જ પાત્ર સાથે નવી લાગણીઓથી ફરી જોડાઈ શકશે. નવી પેઢીના ઘણા દર્શકોએ કદાચ ૨૦૦૭માં આવેલી ‘આવારાપન’ જોઈ નહીં હોય. તેમના માટે ‘આવારાપન 2’ એક સ્વતંત્ર વાર્તા તરીકે કામ કરશે, જ્યારે ત્યાર બાદ પ્રથમ ફિલ્મ જોઈને તેઓ શિવમ પંડિતના જીવનની શરૂઆતની સફરને સમજી શકશે.’
