Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સતલજ` વિવાદમાં ડિરેક્ટર હની ત્રેહાનનો મોટો દાવો, "સરકારના દબાણથી ફિલ્મ અટકી, શું આપણે લોકશાહી દેશમાં છીએ?"

સતલજ` વિવાદમાં ડિરેક્ટર હની ત્રેહાનનો મોટો દાવો, "સરકારના દબાણથી ફિલ્મ અટકી, શું આપણે લોકશાહી દેશમાં છીએ?"

Published : 15 July, 2026 05:19 PM | Modified : 15 July, 2026 06:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દિલજીત દોસાંઝની ફિલ્મ `સતલજ`ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ડિરેક્ટર હની ત્રેહાને પહેલીવાર મૌન તોડ્યું. તેમણે સરકારના દબાણ, ફિલ્મને OTT પરથી હટાવવાના નિર્ણય અને જસવંત સિંહ ખાલરાની કહાણી દુનિયા સુધી પહોંચાડવાની અપીલ અંગે ખુલાસા કર્યા.

દિલજીત દોસાંઝ (સૌજન્ય: મિડ-ડે)

દિલજીત દોસાંઝ (સૌજન્ય: મિડ-ડે)


દિલજીત દોસાંઝની ફિલ્મ સતલજ (અગાઉ પંજાબ 95ના નામે જાણીતી)નો વિવાદ સતત વધી રહ્યો છે. આ ફિલ્મ લગભગ 4 વર્ષ સુધી સેન્સર બોર્ડમાં અટવાઈ રહી હતી. પછી મામલો હાઇકોર્ટ પહોંચ્યો, ત્યાં પણ રાહત ન મળી.  ત્યારબાદ ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મને સેન્સર બોર્ડની મજૂરી વગર જ OTT પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ કરી. જોકે રિલીઝ થયાના 48 કલાકમાં જ ફિલ્મ ZEE5 પ્લેટફોર્મ પરથી ખસેડી દેવામાં આવી હતી. આ ઘટનાને એકબીજા પર આરોપ-પ્રત્યારોપો મૂકવાનું શરૂ થયું છે. જોકે બીજી તરફ પંજાબના અનેક વિસ્તારોમાં લોકો ફિલ્મની જાહેર સ્ક્રિનિંગ પણ કરી રહ્યા છે. જોકે હવે આ સમગ્ર વિવાદ વચ્ચે ફિલ્મના ડિરેક્ટર હની ત્રેહાને પહેલી વાર પોતાની પ્રતિક્રિયા આપી છે.

એક ઇન્ટરવ્યૂમાં ત્રેહાને દાવો કર્યો કે કેન્દ્ર સરકારના એક મંત્રાલય તરફથી ફિલ્મની રિલીઝ રોકવા માટે પત્ર મોકલવામાં આવ્યો હતો. હની ત્રેહાને કહ્યું કે OTT પર ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય નિર્માતાઓ અને પ્લેટફોર્મનો હતો. ત્રેહાને જણાવ્યું કે સરકાર તરફથી દબાણ કરવામાં આવતાં ફિલ્મની રિલીઝ મુલતવી રાખવામાં આવી. હનીના જણાવ્યા મુજબ, તેમને આ અંગે થોડા દિવસ પહેલાં જ જાણ થઈ હતી. નિર્માતાઓએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે ZEE5 હવે ફિલ્મને `પંજાબ `95`ના બદલે બીજા નામથી રિલીઝ કરવા માગતું હતું.



પંજાબ 95`થી `સતલજ` સુધી, નામ બદલવા પાછળ પણ હતો વિવાદ


આ ફિલ્મનું મૂળ નામ `ઘલ્લૂઘારા` રાખવામાં આવ્યું હતું, જેનો અર્થ `નરસંહાર` થાય છે. પછી સેન્સર બોર્ડે ફિલ્મનું નામ બદલવા માટે કહ્યું હતું. ડિરેક્ટર હની ત્રેહાને જણાવ્યું કે ત્યારબાદ તેણે `પંજાબ `95` અને `સતલજ` સહિત 2-3 નામ સૂચવ્યા હતા. તેણે કહ્યું કે `પંજાબ `95` નામ પણ CBFCની મંજૂરી બાદ જ નક્કી કરવામાં આવ્યું હતું. જોકે બાદમાં ફિલ્મને `સતલજ` નામથી રિલીઝ કરવામાં આવી. હની ત્રેહાનના જણાવ્યા મુજબ, ZEE5ને પણ માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી ફિલ્મની રિલીઝ રોકવા માટે પત્ર મળ્યો હતો. આ અંગે હનીએ કહ્યું કે ફિલ્મ હટાવવાના નિર્ણયથી તેનું દિલ તૂટી ગયું હતું. તેણે ઉમેર્યું કે જ્યારે કોઈ ફિલ્મ પર પ્રતિબંધ લાગે છે, ત્યારે તે ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકો માટે ખૂબ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. "જ્યારે કોઈ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, ત્યારે સર્જકો ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં આવી જાય છે. આવી સ્થિતિમાં મનમાં સવાલ ઊભો થાય છે કે શું આપણે ખરેખર એક લોકશાહી દેશમાં જીવી રહ્યા છીએ?"

જસવંત સિંહ ખાલરાની કહાણી દુનિયા સુધી પહોંચવા દો: હની ત્રેહાન


ડિરેક્ટર હની ત્રેહાને જણાવ્યું કે `સતલજ` ફિલ્મ પંજાબના જાણીતા માનવાધિકાર કાર્યકર જસવંત સિંહ ખાલરાના જીવન પર આધારિત છે. તેણે કહ્યું કે લગભગ 31 વર્ષ પહેલાં પંજાબ પોલીસે જસવંત સિંહ ખાલરાનું અપહરણ કરીને તેમની હત્યા કરી હતી. તે સમયે તેમને ન્યાય અપાવવામાં કેન્દ્ર સરકારની મહત્વની ભૂમિકા રહી હતી. હનીએ કહ્યું, "આજે 31 વર્ષ પછી એવું લાગે છે કે ખાલરાની કહાણીનું ફરી એકવાર અપહરણ થઈ રહ્યું છે. મારી કેન્દ્ર સરકારને માત્ર એટલી જ વિનંતી છે કે તેઓ મોટું મન રાખે અને અમને તેમની વાર્તા આખા વિશ્વ સુધી પહોંચાડવાની તક આપે." ફિલ્મ સમાજમાં વિભાજન ફેલાવે છે એવા આરોપો અંગે પણ હની ત્રેહાને પ્રતિક્રિયા આપી. તેણે કહ્યું કે પંજાબમાં અનેક સ્થળોએ હિન્દુ અને શીખ લોકો સાથે મળીને શાંતિપૂર્ણ રીતે ફિલ્મ જોઈ રહ્યા છે. તેના જણાવ્યા પ્રમાણે, ફિલ્મના જાહેર સ્ક્રીનિંગ દરમિયાન લોકોને લંગર પણ પીરસવામાં આવી રહ્યો છે અને અત્યાર સુધી ક્યાંય કોઈ અશાંતિ કે તણાવનો માહોલ જોવા મળ્યો નથી.

Whatsapp-channel Whatsapp-channel

15 July, 2026 06:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK