કદે વી નહીં...
દિલજિત દોસાંઝ
પંજાબી સિંગર અને ઍક્ટર દિલજિત દોસાંઝ અવારનવાર સમાચારમાં રહે છે. તેની કૉન્સર્ટ, નિવેદનો અને હવે રાજકારણમાં જોડાવાની ચર્ચાને લઈને તે ચર્ચામાં છે. આ સંદર્ભે હવે તેણે સ્પષ્ટતા કરી છે.
દિલજિત પંજાબના મુદ્દાઓ પર અવારનવાર અવાજ ઉઠાવતો રહે છે. તાજેતરમાં મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયો હતો જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું દિલજિત પંજાબનો નવો રાજકીય ચહેરો બની શકે છે? આ રિપોર્ટના જવાબમાં દિલજિતે સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર જવાબ આપતાં કહ્યું હતું, ‘કદે વી નહીં (ક્યારેય નહીં)... મારું કામ મનોરંજન કરવાનું છે. હું મારા ફીલ્ડમાં ઘણો ખુશ છું. ખૂબ-ખૂબ આભાર.’
ગયા અઠવાડિયે કૅનેડાના કૅલ્ગરીમાં દિલજિતની કૉન્સર્ટ દરમ્યાન તેણે પર્ફોર્મન્સ અધવચ્ચે અટકાવી દીધો હતો. આ કૉન્સર્ટમાં ખાલિસ્તાની ઝંડા લહેરાવતા કેટલાક લોકોને જોઈને તેણે આવું કર્યું હતું. એ પછી તેણે ભીડને સંબોધતાં કહ્યું હતું કે ‘લોકો મરજી પડે એવા ઝંડા લહેરાવી શકે છે, પરંતુ હું જ્યાં જઈશ ત્યાં પંજાબનું ગૌરવ વધારતો રહીશ. મારે ભારત તરફથી અને અલગાવવાદી જૂથો તરફથી એમ બન્ને તરફથી ટીકાનો સામનો કરવો પડે છે. જ્યારે હું ભારત જાઉં છું ત્યારે લોકો કહે છે ખાલિસ્તાની આવી ગયો અને જ્યારે અહીં આવું છું ત્યારે લોકો કંઈક અલગ જ કહે છે. મને બન્ને તરફથી ગાળો પડે છે. મને સમજાતું નથી કે હું ક્યાં જાઉં? મને માત્ર એક જ રસ્તાની ખબર છે અને હું એના પર જ ચાલું છું.’
