સારા અર્જુને પહેલી વખત ધુરંધરના તેના હીરો રણવીર સિંહ અને તેની વચ્ચેના વીસ વર્ષના ઉંમરના તફાવત વિશે વાત કરી
રણવીર સિંહ અને સારા અર્જુન વચ્ચેના લગભગ ૨૦ વર્ષનો તફાવત છે
આદિત્ય ધર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધુરંધર’ ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થઈ હતી. ફિલ્મનું ફર્સ્ટ લુક ટીઝર જાહેર થયા પછી તરત જ રણવીર સિંહ અને સારા અર્જુન વચ્ચેના લગભગ ૨૦ વર્ષના ઉંમરના તફાવતને લઈને સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચા થવા લાગી હતી. હવે આ મુદ્દે સારા અર્જુને પોતાની ચુપકીદી તોડી છે.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં સારા અર્જુને જણાવ્યું કે ફિલ્મની રિલીઝ પહેલાંથી જ તેણે સોશ્યલ મીડિયાથી અંતર જાળવી રાખ્યું હતું, જેના કારણે ઉંમરના તફાવતને લઈને થતી ચર્ચા અને ટ્રોલિંગ તેના સુધી પહોંચ્યાં જ નહોતાં. તેણે કહ્યું, ‘આ બધો હોબાળો સોશ્યલ મીડિયા પર જ છેને? હું ત્યાં બહુ ઍક્ટિવ નથી. મેં એમાં ખાસ ભાગ લીધો નથી. મને લાગે છે કે દરેકનો પોતપોતાનો મત હોય છે. હું ‘જીવો અને જીવવા દો’માં માનું છું. મારા પર લોકોના વિચારોની ખાસ અસર પડતી નથી. મને વાર્તા ખબર હતી અને એ સંપૂર્ણ રીતે યોગ્ય હતી.’
ADVERTISEMENT
સોશ્યલ મીડિયાથી દૂર રહેવાની પોતાની આદત વિશે સારા અર્જુન કહે છે, ‘હું સોશ્યલ મીડિયાથી દૂર જ રહું છું. મારાં માતા-પિતા મને સારી અને સકારાત્મક બાબતો બતાવે છે અને મને એનો આનંદ આવે છે. હું જે બોર્ડિંગ સ્કૂલમાં ભણતી હતી ત્યાં અભ્યાસ દરમ્યાન મારી પાસે કોઈ ગૅજેટ્સ નહોતાં. સ્કૂલ પૂરી થયા પછી હું એટલી વ્યસ્ત થઈ ગઈ કે એની આદત જ ન પડી. એટલે હજી સુધી મને એની ખાસ આદત નથી અને એ વાત મને મારી જાત વિશે સારી લાગે છે. હું ગૅજેટ્સનો ઉપયોગ ત્યારે જ કરું છું જ્યારે ખરેખર જરૂર હોય અથવા કંઈ પોસ્ટ કરવું હોય. બાકી મનોરંજન માટે હું બીજી વસ્તુઓ પસંદ કરું છું. જ્યારે પણ મને ફ્રી સમય મળે છે ત્યારે હું ફરવા નીકળી જાઉં છું. હું એક જગ્યાએ બેસી રહી શકતી નથી.’


