સની-બૉબી દ્વારા આયોજિત પ્રેયર-મીટમાં હેમા અને તેમની દીકરીઓની ગેરહાજરીએ અનેક પ્રશ્નો ઊભા કર્યા હતા
દેઓલ પરિવારની પ્રાર્થનાસભા, હેેમા માલિનીએ રાખેલી પ્રાર્થનાસભા
ધર્મેન્દ્રનું ૨૪ નવેમ્બરે નિધન થયા પછી સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાયો હતો. જોકે તેમના અવસાન પછી તેમની પહેલી પત્ની પ્રકાશ કૌરના દીકરા સની દેઓલ અને બીજી પત્ની હેમા માલિની વચ્ચેનો વિખવાદ ખુલ્લો પડી ગયો છે.
ધર્મેન્દ્રના નિધન બાદ પહેલી પત્ની પ્રકાશ કૌરનાં સંતાનો સની દેઓલ અને બૉબી દેઓલે પોતાના દિવંગત પિતાની યાદમાં એક પ્રાર્થનાસભાનું આયોજન કર્યું હતું. આ પ્રેયર-મીટમાં દિવંગત સુપરસ્ટારની બીજી પત્ની હેમા માલિની અને તેમની દીકરીઓ એશા દેઓલ તથા આહના દેઓલ સામેલ નહોતાં થયાં. સની-બૉબી દ્વારા આયોજિત પ્રેયર-મીટમાં હેમા અને તેમની દીકરીઓની ગેરહાજરીએ અનેક પ્રશ્નો ઊભા કર્યા હતા અને ખાસ વાત તો એ છે કે એ જ દિવસે હેમા માલિનીએ પોતાના ઘરમાં ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપવા માટે અલગ પ્રાર્થનાસભાનું આયોજન કર્યું હતું. હેમા માલિનીના ઘરે આયોજિત પ્રાર્થનાસભામાં ગોવિંદાની પત્ની સુનીતા આહુજા અને તેના દીકરા યશવર્ધન સહિત પરિવારના અનેક નજીકના મિત્રો અને શુભેચ્છકો હાજર રહ્યાં હતાં.
ADVERTISEMENT
એ પછી તાજેતરમાં હેમા માલિનીએ દિલ્હીમાં પણ ધર્મેન્દ્રની યાદમાં પ્રાર્થનાસભાનું આયોજન કર્યું હતું. એ પ્રેયર-મીટમાં ગૃહપ્રધાન અમિત શાહ, દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા અને જાણીતા રાજનેતાઓ હાજર રહ્યાં હતાં, પણ સની અને બૉબી દેઓલ હાજર નહોતા રહ્યા. આમ ધર્મેન્દ્રના નિધન બાદ તેમની પહેલી પત્ની પ્રકાશ કૌરના દીકરા સની દેઓલ અને હેમા માલિની વચ્ચેનો વિખવાદ હવે ખુલ્લેઆમ થયો છે.


