ધર્મેન્દ્રની ૯૦મી જન્મતિથિએ હેમા માલિનીએ પોસ્ટ કર્યો ઇમોશનલ સંદેશ, દેઓલ પરિવારના સની-બૉબી-અભયે પણ યાદ કર્યા
હેમા માલિનીએ પોસ્ટ કરેલી તસવીર
ધર્મેન્દ્રના અવસાનને બે અઠવાડિયાંથી વધુ સમય વીતી ગયો છે. તેમના અવસાન પછી તેમનો પરિવાર હજી પણ શોકમાં છે. ધર્મેન્દ્રના અવસાન બાદ ગઈ કાલે તેમનો પહેલો જન્મદિવસ હતો. આ દિવસે તેમના માટે હેમા માલિની, એશા દેઓલ, સની દેઓલ, બૉબી દેઓલ અને અભય દેઓલે સોશ્યલ મીડિયા પર પોસ્ટ લખીને તેમને યાદ કર્યા હતા. હેમા માલિનીએ પોસ્ટમાં ધર્મેન્દ્ર સાથેની બે તસવીરો પોસ્ટ કરીને પોતાની વ્યથા લખી છે જે કોઈ પણ વ્યક્તિના દિલને સ્પર્શી જાય એવી છે.
હું ફરીથી જોડાવાનો પ્રયાસ કરી રહી છું
ADVERTISEMENT
હેમા માલિનીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે : દિલને તોડી નાખતી તમારી વિદાયને બે અઠવાડિયાંથી વધુ સમય થઈ ગયો છે અને હું ધીમે-ધીમે મારી જાતને તૂટેલા ટુકડાઓમાંથી ફરી જોડવાનો પ્રયત્ન કરી રહી છું. મને ખબર છે કે તમે હંમેશાં મારી સાથે હશો. આપણા જીવનની ખુશીભરી યાદ હંમેશાં જીવંત છે અને એ પળોને ફરી યાદ કરવાથી મને ઘણું સાંત્વન અને આનંદ મળે છે. ભગવાનનો આભાર માનું છું આપણાં સાથે વિતાવેલાં સુંદર વર્ષો માટે, આપણી બે સુંદર દીકરીઓ માટે જે આપણા પ્રેમનું પ્રતિબિંબ છે અને એ તમામ સુંદર તેમ જ ખુશીની પળો માટે જે હંમેશાં મારા દિલમાં રહેશે.
પપ્પા હંમેશાં મારી સાથે છે, મારી અંદર

સની દેઓલે ધર્મેન્દ્રની ૯૦મી જન્મતિથિએ એક વિડિયો પોસ્ટ કર્યો છે જેમાં પિતા-પુત્ર પર્વતો વચ્ચે મસ્તી કરતા અને આનંદ માણતા જોવા મળે છે. આ પોસ્ટની કૅપ્શનમાં સનીએ લખ્યું, ‘આજે મારા પિતાનો જન્મદિવસ છે. પપ્પા હંમેશાં મારી સાથે છે, મારી અંદર. તમને પ્રેમ કરું છું, પપ્પા. તમારી યાદ આવે છે.’
સની દેઓલના ભાઈ બૉબી દેઓલે પણ સોશ્યલ મીડિયામાં પિતા પર લખેલી ઇમોશનલ કવિતા પોસ્ટ કરી છે.
આપણે બન્ને દરેક જન્મમાં સાથે છીએ

ધર્મેન્દ્રની દીકરી એશા દેઓલે સોશ્યલ મીડિયામાં પપ્પા સાથેની કેટલીક તસવીરો શૅર કરીને કૅપ્શન લખી, ‘મારા વહાલા પપ્પા. આપણે બન્ને દરેક જન્મમાં, દરેક દુનિયામાં અને એનાથી પણ આગળ સુધી હંમેશાં સાથે છીએ, પછી ભલે એ સ્વર્ગ હોય કે ધરતી. આપણે એક છીએ, પપ્પા. અત્યાર માટે મેં તમને ખૂબ પ્રેમથી, ખૂબ સંભાળીને અને ખૂબ કીમતી રીતે મારા દિલમાં રાખી લીધા છે. ખૂબ ઊંડાણમાં જેથી આ આખા જીવનમાં તમને મારી સાથે લઈને ચાલી શકું. તમારી સાથે વિતાવેલી એ જાદુઈ અને અમૂલ્ય યાદો, જીવનના પાઠ, તમે આપેલી શિક્ષા, તમારું માર્ગદર્શન, તમારો સ્નેહ, તમારો બિનશરતી પ્રેમ, તમારી મર્યાદા અને તમારી મજબૂતી... આ બધું જ મને તમારી દીકરી હોવાથી વારસામાં આપ્યું છે, એને કોઈ ક્યારેય બદલી શકતું નથી અને ન તો કોઈ એની સરખામણી કરી શકે છે. મને તમારી ખૂબ યાદ આવે છે પપ્પા. તમારી એ ઉષ્મા, સુરક્ષિત જપ્પી જે સૌથી આરામદાયક ધાબળા જેવી લાગતી હતી. તમારા એ નરમ પણ મજબૂત હાથ, જેની પકડમાં છુપાયેલો પ્રેમ અને ઘણા અનકહ્યા સંદેશા હતા. તમારા અવાજમાં મારું નામ બોલાવું અને પછી આપણી લાંબી વાતો, હાસ્ય અને શાયરીઓ બધું જ ખૂબ યાદ આવે છે. તમારો જીવન-મંત્ર હતો કે હંમેશાં નમ્ર રહો, ખુશ રહો, સ્વસ્થ અને મજબૂત રહો. હું વચન આપું છું કે હું તમારી વિરાસતને ગર્વ અને સન્માન સાથે આગળ વધારીશ અને હું પૂરો પ્રયાસ કરીશ કે તમારો પ્રેમ તે લાખો લોકો સુધી પહોંચાડું જેઓ તમને અત્યંત ચાહે છે. આઇ લવ યુ પપ્પા... તમારી વહાલી દીકરી, તમારી એશા, તમારી બિટ્ટુ.’
અભય દેઓલની યાદગીરી

ધર્મેન્દ્રના ભત્રીજા અને ઍક્ટર અભય દેઓલે સોશ્યલ મીડિયા પર શૅર કરેલી એક પોસ્ટમાં ધર્મેન્દ્ર સાથેનો પોતાનો બાળપણનો ફોટો શૅર કરીને લખ્યું છે, ‘આ કદાચ ૧૯૮૫ કે ૧૯૮૬ની વાત છે. મને ત્યારે ઠપકો મળ્યો હતો તેથી હું થોડો નારાજ હતો. તેમણે મને બોલાવ્યો, મને તેમની બાજુમાં બેસાડ્યો અને કહ્યું, લાઇટ સામે જો અને તરત જ એક ફોટોગ્રાફરે આ ફોટો ક્લિક કરી લીધો હતો. હું આ શબ્દો ફરી સાંભળવા માટે તરસી રહ્યો છું. આજે તેમનો જન્મદિવસ હતો.’
ધર્મેન્દ્રની ૯૦મી જન્મતિથિએ શ્રદ્ધાંજલિ આપવા તેમના ઘરે ઊમટી ફૅન્સની ભીડ

ગઈ કાલે દિવંગત ધર્મેન્દ્રની ૯૦મી જન્મતિથિ હતી. એ દિવસે ફૅન્સ તેમને શ્રદ્ધાંજલિ આપી શકે એ માટે દેઓલ-પરિવારે ઘરના દરવાજા ખોલી દીધા હતા. આ સંજોગોમાં મોટી સંખ્યામાં ફૅન્સ ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપવા તેમના ઘરની બહાર ઊમટી આવ્યા હતા. ફૅન્સે લાઇનમાં ઊભા રહીને તેમને પ્રેમપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. એ સમયે સની દેઓલ અને બૉબી દેઓલે ફૅન્સ સાથે તસવીરો પણ ક્લિક કરાવી હતી.
ઇક્કીસ ભારત અને પાકિસ્તાન બન્નેએ જોવી જોઈએ

ફિલ્મના અંતિમ દિવસે શૂટ કરાયેલા વિડિયોમાં ધર્મેન્દ્રએ આ ઇચ્છા વ્યક્ત કરી હતી
બૉલીવુડના હી-મૅન અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું ૨૪ નવેમ્બરે અવસાન થયું હતું. ગઈ કાલે તેમની ૯૦મી જન્મજયંતી હતી. ધર્મેન્દ્રને સિનેમાથી અતિશય પ્રેમ હતો અને જીવનના આખરી દિવસો સુધી તે સિનેમાને જીવતા રહ્યા. તેમની છેલ્લી ફિલ્મ ‘ઇક્કીસ’ ૨૫ ડિસેમ્બરે રિલીઝ થવાની છે ત્યારે ફિલ્મના મેકર્સે ધર્મેન્દ્રના જન્મદિવસ પર એક ખાસ વિડિયો શૅર કર્યો છે જેમાં અભિનેતાનો અંતિમ સંદેશ જોવા મળે છે. આ વિડિયોમાં ધર્મેન્દ્ર ફિલ્મના અંતિમ દિવસના સેટ પરથી દિલને સ્પર્શે એવી કેટલીક વાતો કરે છે. તેઓ કહે છે, ‘હું બહુ ખુશ છું કે મેં મૅડૉક ફિલ્મ્સ સાથે કામ કર્યું. ટીમ-કૅપ્ટન શ્રીરામજી, ફિલ્મ ખૂબ જ શાનદાર રીતે પૂર્ણ થઈ છે. મારા ખ્યાલથી આ ફિલ્મ ભારત અને પાકિસ્તાન એમ બન્ને દેશોએ જોવી જોઈએ. આ છેલ્લો દિવસ છે, હું થોડો ખુશ છું અને થોડો દુખી પણ. તમને બધાને ઘણોબધો પ્રેમ. મારા તરફથી કોઈ વાત ખોટી થઈ ગઈ હોય તો ક્ષમા કરજો.’


