Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દેવેન વર્માની કૉમેડી નિર્ભેળ, સાહજિક અને પરિવાર સાથે બેસીને માણી શકાય એવી હતી

દેવેન વર્માની કૉમેડી નિર્ભેળ, સાહજિક અને પરિવાર સાથે બેસીને માણી શકાય એવી હતી

Published : 06 July, 2025 01:20 PM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

કારણે તેમની અને રૂપા ગાંગુલીની નિકટતા વધતી ગઈ. એ વાતનું અનુસંધાન સાધતાં રૂપા વર્માના જ શબ્દોમાં જોઈએ

દેવેન વર્મા અને સંજીવકુમાર ‘અંગૂર’માં, રૂપા અને દેવેન વર્મા સાથે અશોકકુમાર.

વો જબ યાદ આએ

દેવેન વર્મા અને સંજીવકુમાર ‘અંગૂર’માં, રૂપા અને દેવેન વર્મા સાથે અશોકકુમાર.


Laughter is the shortest distance between two people.


Victor Borge, Actor and Comedian



હાસ્ય એટલે બે વ્યક્તિ વચ્ચેનું અંતર ઘટાડવાનો રામબાણ ઉપાય. હકીકતમાં મજાક  હળવાશથી કહેવાયેલી ગંભીર વાત છે. આ કળા જેને હાથવગી હોય તેને લોકપ્રિય થવા માટે મહેનત નથી કરવી પડતી. દેવેન વર્મા પાસે નાની-નાની વાતમાંથી હાસ્ય નિષ્પન્ન કરવાનો કસબ હતો. એ જ કારણે તેમની અને રૂપા ગાંગુલીની નિકટતા વધતી ગઈ. એ વાતનું અનુસંધાન સાધતાં રૂપા વર્માના જ શબ્દોમાં જોઈએ :


શરૂઆતમાં અમે ગ્રુપમાં મળતાં પરંતુ પછી એકલાં અંગ્રેજી ફિલ્મો જોવા અને રેસ્ટોરાંમાં જતાં. હું જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્‍સમાં ભણતી. તે સાંજે મને લેવા આવે. મારી ફ્રેન્ડ્સ ઈર્ષ્યા કરે કે કેટલો હૅન્ડસમ બૉયફ્રેન્ડ છે. એ દિવસોમાં દેવેન ઘરે ફોન કરે તો છોકરીના અવાજમાં બોલે. મમ્મી પૂછે કે કોણ બોલે છે? તો કહે, ‘રૂપાની ફ્રેન્ડ જુલી બોલું છું.’ મમ્મીને છેતરવાનું સહેલું નહોતું. તે કહે, ‘જુલી તો કદી ફોન નથી કરતી. તું કોણ છે?’ થોડા સમયમાં મમ્મીને ખબર પડી ગઈ. દેવેન કહે, ‘ચાલ, આપણે લગ્ન કરી લઈએ.’ મને ખબર હતી બાબા નહીં માને. દેવેન કહે, ‘તેમની મરજી વિના આપણે કશું કરવું નથી.’ પણ બિલાડીના ગળે ઘંટ કોણ બાંધે? એક દિવસ દેવેને કહ્યું, ‘હું જ દાદામુનિને વાત કરું છું.’

એ દિવસ બરાબર યાદ છે. દેવેન ઘરે આવ્યા. આમતેમ થોડી વાતચીત થઈ અને બાબાની આંખમાં આંખ મિલાવી કહે, ‘હું રૂપા સાથે લગ્ન કરવા માગું છું.’ બાબા થોડા ચોંક્યા. કદાચ તેમને આ વાતનો અણસાર આવી ગયો હશે. તરત બાજુમાં રહેલા કાળાં ગૉગલ્સ ચડાવીને દેવેનને થોડી ક્ષણ માટે તાકી રહ્યા. જાણે તેના વ્યક્તિત્વનો એક્સરે ન લેતા હોય? તેમણે કહ્યું, ‘તું હજી ઇન્ડસ્ટ્રીમાં એસ્ટૅબ્લિશ નથી થયો. આટલી મોટી જવાબદારી કેમ નિભાવીશ?’ દેવેને કહ્યું, ‘તમે નચિંત રહો. મને મારી ટૅલન્ટ  પર ભરોસો છે. હું રૂપાનો પૂરતો ખ્યાલ રાખીશ.’ બાબાએ કહ્યું, ‘રૂપા હજી નાની છે. ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો યોગ્ય નથી.’


 શક્તિ સામંત, વસંત જોગળેકર, તપન સિંહા અને બીજા બાબાને કહેતા રૂપાને માટે સારો રોલ છે, ફિલ્મમાં કામ કરવાની છૂટ આપો. પણ બાબા મના કરતા. મને પણ ઇચ્છા થતી પણ હિંમત નહોતી, જોકે એનો બહુ અફસોસ નથી.

 બાબા પોતાની રીતે સાચા હતા. દરેક પિતા પુત્રીના ભવિષ્ય માટે ચિંતિત હોય છે. દેવેને કહ્યું, ‘આપણે ઉતાવળ નથી કરવી. મને ખાતરી છે એક દિવસ દાદામુનિ રાજીખુશીથી હા પાડશે.’ આમ દેવેન પૂરી નિષ્ઠાથી કામ કરતા રહ્યા. ધીમે-ધીમે તેમની ઓળખ બની. અને  લગભગ દોઢ વર્ષ બાદ ૧૯૬૭ની ૩૦ જાન્યુઆરીએ NSCIમાં અમારાં લગ્ન થયાં.

  આ હતી રૂપા ગાંગુલી અને દેવેન વર્માની રોચક પરીકથા જેવી પ્રેમકહાની.

lll

‘ગુમરાહ’માં (૧૯૬૩) પ્રમાણમાં નાની પરંતુ અગત્યની હાસ્યરસિક ભૂમિકા ભજવ્યા બાદ દેવેન વર્માની કારકિર્દી સડસડાટ દોડવા લાગી. ‘આજ ઔર કલ’માં (૧૯૬૩) ‘બા અદબ, બા મુલાયઝા’ ગીતનું ફિલ્માંકન તનુજા સાથે તેમના પર થયું. ૧૯૬૪માં ‘કવ્વાલી કી રાત’માં તેમના પર ફિલ્માંકન થયેલી અને મોહમ્મદ રફીના (આશા ભોસલે સાથે’ સ્વરમાં રેકોર્ડ થયેલી કવ્વાલી ‘હુસ્નવાલે હુસ્ન કા અંજામ  દેખ’ લોકપ્રિય થઈ. ‘માલિક’માં (૧૯૭૨) ‘ખાના મિલેગા, પીના મિલેગા’માં કિશોરકુમારે તેમને પ્લેબૅક આપ્યું. ‘દેવર’માં નેગેટિવ શેડ્સ ધરાવતું પાત્ર ભજવી તેમણે પોતાની અભિનયક્ષમતાનો પરિચય આપ્યો. ‘રિશ્તે નાતે’, ‘સંઘર્ષ’, ‘અનુપમા’, ‘મિલન’ જેવી ફિલ્મોએ પુરવાર કર્યું કે કોઈ પણ ભૂમિકામાં દેવેન વર્મા પોતાની અલગ છાપ છોડી જાય છે. ‘અનુપમા’માં ‘ક્યૂં મુઝે ઇતની ખુશી દે દી કે ઘબરાતા હૈ દિલ’માં પિયાનો વગાડતા દેવેન વર્મા હીરો જેટલા જ હૅન્ડસમ લાગે છે.

૧૯૬૯માં તેમણે પ્રોડ્યુસર બનવાનું નક્કી કર્યું અને નવરત્ન ફિલ્મ્સના નેજા હેઠળ ‘યકીન’ બનાવી. ધર્મેન્દ્ર અને શર્મિલા ટાગોરની જોડી અને શંકર-જયકિશનના સંગીતથી સજેલી આ ફિલ્મમાં દેવેન વર્માએ જાવેદ અખ્તર સાથે મળીને સ્ક્રીનપ્લે અને ડાયલૉગ્સ લખ્યા હતા.  ૧૯૭૧માં તેમણે ‘નાદાન’ બનાવી. નવીન નિશ્ચલ અને આશા પારેખની આ ફિલ્મથી દેવેન વર્મા ડિરેક્ટર બન્યા.  

  તેમણે ‘બેશરમ’ માટે અમિતાભ બચ્ચનને ૨૫ હજાર ઍડ્વાન્સ આપીને સાઇન કર્યા ત્યારે બિગ બી એક ફ્લૉપ હીરો તરીકે ઓળખાતા. એક પાર્ટીમાં  જાણીતા પ્રોડ્યુસર-ડિરેક્ટર, જેમણે પાછળથી અમિતાભ બચ્ચન સાથે અનેક બ્લૉકબસ્ટર ફિલ્મ બનાવી તેમણે દેવેન વર્માને  કહ્યું, ‘તારી ફિલ્મ ડૂબી જશે. આ લંબુને લઈને તેં મોટી ભૂલ કરી છે.’ દેવેન વર્માએ કહ્યું, ‘મને તેનામાં સ્પાર્ક દેખાય છે. એ લાંબી રેસનો ઘોડો છે.’ અમુક કારણોસર ફિલ્મનું શૂટિંગ લંબાઈ ગયું. એ દરમ્યાન ‘ઝંજીર’ (૧૯૭૩) રિલીઝ થઈ અને સુપરહિટ થઈ. બિગ બીની પ્રતિભા બાબત  હીરાપારખુ દેવેન વર્માનું જજમેન્ટ પાકું હતું. તેમને થયું કે દોઢ લાખમાં સાઇન કરેલો હીરો હવે ફિલ્મ નહીં કરે. પરંતુ અમિતાભ બચ્ચને કહ્યું, ‘હું એક પૈસો વધારે નહીં લઉં. બસ, થોડી રાહ જોવી પડશે.’ ફિલ્મ ૧૯૭૮માં રિલીઝ થઈ.

 ૧૯૭૭માં ‘આદમી સડક કા’માં મોહમ્મદ રફીના સ્વરમાં રેકૉર્ડ થયેલું ગીત ‘બુરા ના  માનો યાર દોસ્તી યારી મેં’માં મોહમ્મદ રફી સાથે અને ૧૯૭૭માં ‘દૂસરા આદમી’ના ‘અંગના ના આએગા સાંવરિયા’માં પામેલા ચોપડા સાથે દેવેન વર્માએ પ્લેબૅક આપીને સાબિત કર્યું કે સંગીત ક્ષેત્રે પણ તેમની પાસે મહારત છે.

  એક સમય એવો આવ્યો કે તેમના હાથમાં ૧૬ ફિલ્મો હતી. સવારે મુંબઇમાં ઈસ્માઈલ શ્રોફફની ‘આહિસ્તા આહિસ્તા’નું શૂટિંગ કરે. બપોરે હૈદરાબાદમાં ‘પ્યાસા સાવન’નું,   રાતે દિલ્હીમાં યશ ચોપરાની ‘સિલસિલા’નું શૂટિંગ કરે અને સવારે પાછા મુંબઈ આવી જાય.

૧૯૭૫માં દેવેન વર્માને ‘ચોરી મેરા કામ’માં ગુજરાતી પ્રવીણભાઈના પાત્ર માટે દિલીપ કુમારના હસ્તે બેસ્ટ કૉમેડિયન અવૉર્ડ મળ્યો. ત્યાર બાદ ૧૯૭૯માં ‘ચોર કે ઘર ચોર’માં ડબલ રોલ માટે બીજો અવૉર્ડ મળ્યો. ૧૯૬૮માં બિમલ રૉયની ગુલઝાર લિખિત ‘દો દુની ચાર’માં કિશોરકુમાર અને આસિત સેનનો ડબલ રોલ હતો. શેક્સપિયરની ‘Comedy of errors’ પર આધારિત આ ફિલ્મનો વિષય ગુલઝારનો મનગમતો  હતો. ૧૯૮૨માં તેમણે આ જ વિષય પરથી ‘અંગૂર’ બનાવી, જેમાં દેવેન વર્મા અને સંજીવકુમાર ડબલ રોલમાં હતા. આ ફિલ્મ માટે દેવેન વર્માને ત્રીજો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો.

૧૪૯ ફિલ્મોમાં અભિનય કરનાર દેવેન વર્માની કૉમેડી નિર્ભેળ, સાહજિક અને પરિવાર સાથે બેસીને માણી શકાય એવી હતી. ૯૦ના દસકમાં કૉમેડીનું સ્વરૂપ બદલાતું ગયું. દ્વિઅર્થી સંવાદો અને અશ્લીલ ચેનચાળા દ્વારા હાસ્ય નિપજાવતા કલાકાર બનવાની તેમની તૈયારી નહોતી. તે પત્નીને કહેતા, ‘મને લાગે છે કે મારો સમય પૂરો થવા આવ્યો છે.’ તેમણે કામ ઓછું કરી નાખ્યું. એક દિવસ શૂટિંગમાં એવું બન્યું કે તેઓ પોતાના શૉટની રાહ જોઈ બેઠા હતા. ત્યાં ડિરેક્ટરની એક લેડી અસિસ્ટન્ટ સિગારેટના ધુમાડા તેમની તરફ ફેંકતી કહે, ‘ચલિએ, આપ કા શૉટ રેડી હૈ.’ તેનો વાત કરવાનો અંદાઝ અને હરકત જોઈ દેવેન વર્માએ થયું, ‘Enough is Enough.’

રૂપા વર્મા એ વાત કરતાં કહે છે, ‘ઘેર આવીને દેવેન કહે, ‘જે વાતાવરણમાં તમારો દમ ઘૂંટાતો હોય ત્યાં શું કામ જવું જોઈએ? નવી પેઢીનો ઍટિટ્યુડ મને સમજાતો નથી. અમે એકમેકનો રિસ્પેક્ટ રાખતા. એક સમય હતો જ્યારે સૌ સેટ પર સાથે ખાતા-પીતા, વાતો કરતા, મસ્તી મજાક કરતા. આજે લોકો એટલા પ્રોફેશનલ થઈ ગયા છે કે શૉટ આપીને જતા રહે છે.  હું આ દુનિયામાં મિસફિટ છું.’

આમ દેવેન વર્માએ અભિનયને બાય બાય કર્યું. તેમની છેલ્લી ફિલ્મ હતી યશરાજ ફિલ્મ્સની ‘મેરે યાર કી શાદી હૈ’ (૨૦૦૨). ફિલ્મોમાંથી રિટાયર થઈ લેડ ફૉર ઇચ અધર  જેવું વર્મા દંપતી પુણેમાં સેટલ થયું. રૂપા વર્મા કહે છે, ‘મુંબઈની ભાગદોડવાળી જિંદગી કરતાં પુણેની શાંત જિંદગી તેમને ખૂબ ગમતી. ડાયાબિટીઝ હોવા છતાં મીઠું ખાવાના શોખીન દેવેનની  ફેવરિટ ડિશ હતી પૂરણપોળી અને દાળઢોકળી. સંગીત અને વાંચનનો શોખ હોવાને કારણે તે બોર ન થાય. દરેક વાતમાં તેમની પાસે હ્યુમર હોય એટલે We had quality time together. જીવન માટે તેમનો પૉઝિટિવ ઍટિટ્યુડ સૌએ સમજવા જેવો છે. એક વાર મદ્રાસથી પાછા  આવતી વખતે અમારી બૅગ ચોરાઈ ગઈ. એમાં કીમતી વસ્તુ ઉપરાંત ત્રણ અવૉર્ડ પણ હતા. મને એનું બહુ દુઃખ થયું. પણ દેવેન કહે, ‘આ જીવન પણ એક દિવસ જતું રહેશે તો ચીજવસ્તુનો શું  મોહ રાખવો?’

૨૦૧૪ની બીજી ડિસેમ્બરના દિવસે તેમની કિડની ફેલ થઈ એટલું જ નહીં, ઉપરથી  હાર્ટ-અટૅક આવ્યો. ૭૭ વર્ષના સૌને હસાવતા દેવેન વર્માએ વિદાય લીધી ત્યારે ભીની આંખે વિદાય આપતાં સ્વજનોની આંખોમાં તેમનો હસમુખ ચહેરો તરવરતો હતો.

Whatsapp-channel Whatsapp-channel

06 July, 2025 01:20 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK