દીપિકા પાદુકોણે પોતાના બર્થ-ડે સેલિબ્રેશનમાં પતિની ધુરંધરની સફળતા વિશે જાહેરમાં ખુશી વ્યક્ત કરી
દીપિકા પાદુકોણ
રણવીર સિંહની ‘ધુરંધર’ બૉક્સ-ઑફિસ પર સતત સફળતા મેળવી રહી છે. આ ફિલ્મે કમાણીના અનેક રેકૉર્ડ તોડી નાખ્યા છે અને દર્શકોને પણ એ બહુ પસંદ પડી રહી છે. આ સ્થિતિમાં ફિલ્મની સફળતા વશે રણવીરની પત્ની દીપિકા પાદુકોણનું એક રીઍક્શન ચર્ચામાં છે જેમાં તે આ સફળતાથી બહુ ખુશ છે અને ગર્વ અનુભવી રહી છે. સોમવારે દીપિકાની ૪૦મી વર્ષગાંઠ હતી અને આ દિવસે તેણે થોડા દિવસ પહેલાં ફૅન્સ સાથે કરેલા ઍડ્વાન્સ સેલિબ્રેશનની તસવીરો અને વિડિયો વાઇરલ બન્યાં છે.
આ સેલિબ્રેશનના એક વિડિયોમાં દીપિકા પોતાની ફિલ્મો અને જીવન વિશે વાતચીત કરી રહી ત્યારે તેણે એકાએક બધાને પૂછ્યું કે શું બધાએ ‘ધુરંધર’ જોઈ છે? બધાએ એકસાથે ‘હા’ કહ્યું તો દીપિકા ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. આ પછી જ્યારે ઍન્કરે તેને મજાકમાં કહ્યું કે મને તો હતું કે અહીં માત્ર તમારી ફિલ્મો વિશે જ વાત થશે. ત્યારે દીપિકાએ ખાસ સ્ટાઇલમાં પોતાના વાળ લહેરાવીને હળવાશથી ગર્વપૂર્વક જવાબ આપ્યો કે આ તો પરિવારની જ વાત છે. દીપિકાના આ જવાબથી ખ્યાલ આવી ગયો હતો કે તે પતિ રણવીરની સફળતાથી બહુ ખુશ છે.


