અબુ ધાબી માટેની ઍડમાં ધારણ કરેલા અવતારથી છેડાયો વિવાદનો મધપૂડો
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
દીપિકા પાદુકોણની પસંદગી ‘એક્સ્પીરિયન્સ અબુ ધાબી’ પ્રોજેક્ટની નવી રીજનલ બ્રૅન્ડ ઍમ્બૅસૅડર તરીકે કરવામાં આવી છે. હાલમાં આ પ્રોજેક્ટની નવી જાહેરાત ‘વિઝિટ અબુ ધાબી’માં રણવીર સિંહ અને દીપિકા એકસાથે જોવા મળ્યાં છે. આ જાહેરાતમાં દીપિકાએ અબાયા અને હિજાબ પહેર્યો છે તેમ જ એ શેખ ઝાયેદ ગ્રૅન્ડ મસ્જિદમાં ઊભેલી દેખાઈ રહી છે. જોકે દીપિકાના હિજાબ પહેરવાને કારણે જ તેને સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહી છે. જોકે કેટલાક ફૅન્સ દીપિકાને સપોર્ટ પણ કરી રહ્યા છે.
દીપિકાના ટ્રોલર્સ ટીકા કરી રહ્યા છે કે હિજાબ પહેરવાનો તેનો નિર્ણય તેના ૨૦૧૫ના ‘માય ચૉઇસ’ કૅમ્પેન કરતાં બિલકુલ વિરુદ્ધ છે, કારણ કે આ કૅમ્પેનમાં તેણે મહિલાઓને તેમની શરતોએ જીવવા દેવાની, પસંદગીનાં કપડાં પહેરવા દેવાની, બિંદી લગાડવી કે ન લગાડવી એનો નિર્ણય કરવા દેવાની અને પ્રેમ કરવાની સ્વતંત્રતાની હિમાયત કરી હતી. હવે ટ્રોલર્સ તેને ટોણો મારી રહ્યા છે કે હવે ‘માય ચૉઇસ’નું શું થયું? તો કેટલાક લોકો કહી રહ્યા છે કે દીપિકા અને રણવીર જે એક્સાઇટમેન્ટ અને ખુશીથી વિદેશી સંસ્કૃતિને પ્રમોટ કરી રહ્યાં છે, જો એ જ જોશ ભારતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં દેખાડતાં હોત તો વધુ સારું થાત.
ADVERTISEMENT
જોકે કેટલાક ફૅન્સ દીપિકાને સમર્થન આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે ‘તેણે જે પહેર્યું છે એ જે-તે સંસ્કૃતિ માટે યોગ્ય છે. તમારે એવી વ્યક્તિ પર ગર્વ કરવો જોઈએ જે કોઈ પણ દેશમાં જઈને આદર દર્શાવી શકે.’ તો એક બીજા ફૅને કહ્યું છે કે ‘અન્ય સંસ્કૃતિ પ્રત્યે તેનો આદર અને હિજાબ પહેરવાને કારણે તેના પ્રત્યેનો મારો પ્રેમ વધી ગયો છે.’


