મૉડલ અને ઍક્ટ્રેસ પૂનમ પાન્ડેએ શુક્રવારે સવારે પોતાના અવસાનની અફવા સોશ્યલ મીડિયામાં ફેલાવી હતી.
પૂનમ પાંડે
મૉડલ અને ઍક્ટ્રેસ પૂનમ પાન્ડેએ શુક્રવારે સવારે પોતાના અવસાનની અફવા સોશ્યલ મીડિયામાં ફેલાવી હતી. સર્વાઇકલ કૅન્સરને કારણે તેના નિધનના સમાચારને સાચા સમજીને અનેક સેલિબ્રિટીઝે તેને શ્રદ્ધાંજલિ આપી હતી. એ દરમ્યાન અનેક લોકોને લાગ્યું હતું કે આ તેનો પબ્લિસિટી સ્ટન્ટ હોઈ શકે છે, તો કેટલાકને એવું લાગ્યું હતું કે કદાચ પૂનમનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હૅક થયું હશે. જોકે હવે પૂનમે ગઈ કાલે વિડિયો શૅર કરીને તે જીવંત હોવાની માહિતી આપી હતી. એ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પૂનમે કહ્યું કે ‘હું એ તમામ લોકોની માફી માગું છું જેમને મારે કારણે તકલીફ થઈ હતી. મારો ઇરાદો એ વિષય પર ચર્ચા કરવાનો હતો જેના પર લોકો ચર્ચા નથી કરતા અને એ છે સર્વાઇકલ કૅન્સર. મેં જ મારા નિધનના ખોટા સમાચાર ફેલાવ્યા હતા. જાણું છું કે આ વધારે પડતું છે, પરંતુ અચાનક આપણે સર્વાઇકલ કૅન્સર વિશે ચર્ચા કરવા માંડ્યા. આ બીમારી ધીમે-ધીમે વ્યક્તિનો ભોગ લે છે અને એથી આ બીમારી વિશે વહેલી તકે ચર્ચા થવી જરૂરી હતી. મને એ વાતનો ગર્વ છે કે મારા અવસાનના સમાચારને કારણે મારે જે હાંસલ કરવું હતું એ હું કરી શકી. હું તમારી સાથે ખૂબ અગત્યની બાબત શૅર કરવા માગું છું કે હું જીવંત છું. સર્વાઇકલ કૅન્સરે મારો ભોગ નથી લીધો. જોકે દુ:ખની વાત એ છે કે એની માહિતીના અભાવે અને એ બીમારીનો સામનો કઈ રીતે કરવો એની જાણ ન હોવાથી હજારો મહિલાઓએ જીવ ગુમાવવો પડે છે. અન્ય કૅન્સરની જેમ સર્વાઇકલ કૅન્સરથી પણ બચી શકાય છે. એચપીવી વૅક્સિન અને એની ટેસ્ટથી બચાવ શક્ય છે. આપણી પાસે સાધન છે કે એ બીમારીને કારણે કોઈનું નિધન ન થાય. ચાલો, વધુ એક ગંભીર બીમારીનો સામનો સાથે મળીને કરીએ અને દરેક મહિલાને માહિતી આપીએ.’
તેણે પોતાના નિધનની અફવા ફેલાવી હતી એ વાત લોકોએ જાણતાં સોશ્યલ મીડિયામાં સૌકોઈ તેની ટીકા કરી રહ્યું છે...
ADVERTISEMENT
વિવેક અગ્નિહોત્રી
સોશ્યલ મીડિયાના વધતા ચૅલેન્જિસને કારણે મારું એવું માનવું છે કે એના પર કોઈ નિયમ હોવા જોઈએ. મુખ્યત્વે ન્યુઝમેકર્સ માટે અને જેઓ પોતાને ઇન્ફ્લુન્સર્સ માને છે. સેન્સેશનલિઝમ અને નૌટંકીને સામાન્ય બનાવવું ખતરનાક છે. મોતના ખોટા સમાચાર એક શરૂઆત છે. હવે જુઓ આગળ શું થાય છે.
એકતા કપૂર
આપણે બધાએ સાથે મળીને પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આ વૅક્સિનનો ઉપયોગ નહીં કરીએ. જે કંપનીએ આવી અસંવેદનશીલ કૅમ્પેનને પ્રોત્સાહન આપ્યુ છે એ કંપની પર પણ કેસ કરવો જોઈએ.
બિપાશા બાસુ
ખરેખર ખરાબ વર્તન છે. એની પાછળ સામેલ પીઆર લોકોને પણ શરમ આવવી જોઈએ. તે એકમાત્ર જવાબદાર નથી.
અશોક પંડિત
હું તમામ સરકારી લૉ એજન્સીને વિનંતી કરું છું કે આખા દેશ સામે ખોટું બોલવું અને આ નાટક કરવા બદલ ઍક્ટ્રેસ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે. સાથે જ આ કેસમાં સામેલ પીઆર એજન્સીને પણ સજા થવી જોઈએ.
સિદ્ધાંત કપૂર
પબ્લિસિટી માટે પોતાના જ નિધનનું નાટક કરવું એ ક્રાઇમ છે. આ ખરેખર વાહિયાત છે.
નિક્કી તંબોલી
‘ખરેખર હલકી પબ્લિસિટી છે. ક્ષણિક સ્પૉટલાઇટ મેળવવા માટે કોઈ આટલી હદે નીચે પડી શકે છે. કૅન્સર જેવી સિરિયસ બીમારી પ્રત્યે જાગરૂકતા લાવવા મોતની ખોટી અફવા ફેલાવવી એ ખરેખર દુખદ છે. આજે વિશ્વભરના અનેક લોકો આવી બીમારીથી પીડાય છે. આવી બાબતો પર ધ્યાન ન આપવું જોઈએ.’
આરતી સિંહ
ડિઝગસ્ટિંગ. આ જાગરૂકતા નથી. મારો જ્યારે જન્મ થયો ત્યારે મારી મમ્મીનું કૅન્સરને કારણે નિધન થયું હતું. કૅન્સરને કારણે જ મારા પિતાનું પણ નિધન થયું હતું. મારી મમ્મી ડૉક્ટરને કહેતી હતી, ‘બચા લો... મારી દીકરીનો જન્મ થયો છે અને મને એક વર્ષનો દીકરો છે...’ તું સજાગતા નથી ફેલાવી રહી, તું જુઠ્ઠાણાં ફેલાવી રહી છે. હૉસ્પિટલમાં એક વખત જઈને જો કે લોકો કઈ રીતે કૅન્સર સામે જંગ લડી રહ્યા છે. એ લોકોની લાગણી સાથે તેં ખિલવાડ કર્યો છે. એ સ્વીકાર્ય નથી. શરમજનક અને શૉકિંગ છે કે લોકો આટલી હદે નીચા પડી શકે છે. રેસ્ટ ઇન પીસ તારા માટે માત્ર એક શબ્દ છે. એ લોકોને જઈને પૂછ જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે. તેં સોશ્યલ મીડિયામાં જુઠ્ઠાણું ફેલાવ્યું છે, જાગૃતિ નહીં. ધિક્કાર છે તારા પીઆર સ્ટન્ટને.
પાયલ ઘોષ
કેટલાક લોકોને જાગરૂકતાના નામે આવા સ્ટન્ટ કરવાની મજાક લાગે છે. સર્વાઇકલ કૅન્સરથી પીડિત લોકોને નરક જેવું જીવન પસાર કરવું પડે છે. જોકે કેટલાક લોકો પીઆર માટે એનો ઉપયોગ કરવાને પોતાનો અધિકાર સમજે છે.
શ્રીજિતા ડે
જાગરૂકતા લાવવાની આ કોઈ રીત નથી. આ ખરેખર અયોગ્ય છે. મને વિશ્વાસ નથી બેસતો કે કોઈ પ્રમોશન માટે આટલી હદે નીચે પડી શકે છે. શરમ કરો. આવા અનેક લોકો છે જેઓ કૅન્સરથી પીડાય છે.
સિને વર્કર્સે કરી પૂનમ પાન્ડે વિરુદ્ધ એફઆઇઆરની માગણી
પૂનમ પાન્ડેએ પોતાના અવસાનના ખોટા સમાચાર ફેલાવીને પોતાને માટે મુસીબત વહોરી લીધી છે. શુક્રવારે તેના નિધનના સમાચાર આવતાં સૌકોઈ ચોંકી ગયા હતા. એવામાં ગઈ કાલે તેણે પોતાનો વિડિયો શૅર કરીને પોતે જીવતી હોવાનું જણાવ્યું છે. એને જોતાં સૌકોઈ તેની ટીકા કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર ઑલ ઇન્ડિયન સિને વર્કર્સ અસોસિએશને પોસ્ટ કર્યું કે ‘મૉડલ અને ઍક્ટ્રેસ પૂનમ પાન્ડેએ જે પીઆર સ્ટન્ટ કર્યું છે એ ખરેખર ખોટું છે. પોતાના પ્રમોશન માટે સર્વાઇકલ કૅન્સરનો ઉપયોગ કર્યો એ અસ્વીકાર્ય છે. આ ન્યુઝ બાદ લોકો ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોના નિધનના સમાચાર પર વિશ્વાસ નહીં કરે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પીઆર માટે આજ સુધી કોઈ આટલી હદે નથી ગયું. પૂનમ પાન્ડેના મૅનેજરે આ ખોટા ન્યુઝ ફેલાવ્યા એથી પૂનમ પાન્ડે અને તેના મૅનેજર વિરુદ્ધ પણ એફઆઇઆર થવો જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ વ્યક્તિ પોતાના લાભ માટે આવા નિધનના સમાચાર નહીં ફેલાવે. આખી ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી આખા દેશ સાથે મળીને તેને શ્રદ્ધાંજલિ આપે છે.’


