હિન્દી ફિલ્મ ‘સૂર્યવંશમ’માં જોવા મળેલી સૌંદર્યાનું ૨૧ વર્ષ પહેલાં વિમાન-દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. હવે વર્ષો પછી આ કેસમાં ઍક્ટર મોહન બાબુ વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મિલકતના વિવાદને કારણે સૌંદર્યાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
સૌંદર્યા અને મોહન બાબુ (ફાઇલ તસવીર)
હિન્દી ફિલ્મ ‘સૂર્યવંશમ’માં અમિતાભ બચ્ચન સાથે જોવા મળેલી સૌંદર્યાનું ૨૧ વર્ષ પહેલાં વિમાન-દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. હવે વર્ષો પછી આ મામલામાં સાઉથના ઍક્ટર મોહન બાબુ વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હકીકતમાં સોશ્યલ ઍક્ટિવિસ્ટ ચિત્તિમલ્લુએ મોહન બાબુ પર સૌંદર્યાની હત્યાનો આરોપ લગાવ્યો છે. એવો આરોપ છે કે મોહન બાબુએ મિલકતના વિવાદને કારણે સૌંદર્યાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તે લાંબા સમયથી સૌંદર્યા અને તેના ભાઈ પર જમીન વેચવા માટે દબાણ કરી રહ્યો હતો, પરંતુ જ્યારે એવું ન થયું ત્યારે તેણે તેની હત્યા કરાવી હતી.
ફરિયાદમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે સૌંદર્યાના આવા આકસ્મિક મૃત્યુ પછી મોહન બાબુએ તેની જમીન પર ગેરકાયદે કબજો કરી લીધો હતો. સૌંદર્યા એકમાત્ર સાઉથની ઍક્ટ્રેસ હતી જે એ યુગના દરેક સુપરસ્ટાર સાથે જોવા મળી હતી. સૌંદર્યાનો ‘સૂર્યવંશમ’માં અમિતાભ બચ્ચન સાથેનો રોલ બહુ લોકપ્રિય થયો હતો. એ સિવાય સૌંદર્યાએ રજનીકાન્ત, કમલ હાસન, મમુટી, મોહનલાલ, વિષ્ણુવર્ધન સાથે પણ ઘણી ફિલ્મો કરી છે.

