LAC બૅટલ ઑફ ગલવાન નામની આ ફિલ્મના ડિરેક્ટર નીતિન કુમાર ગુપ્તા છે
ફિલ્મ ‘બૅટલ ઑફ ગલવાન’
હાલમાં સોશ્યલ મીડિયા પર સલમાન ખાનની ફિલ્મ ‘બૅટલ ઑફ ગલવાન’ની ચર્ચા ચાલી રહી છે. સલમાન આ ફિલ્મ માટે કડક તાલીમ લઈ રહ્યો છે. હાલમાં આ ફિલ્મનો ફર્સ્ટ લુક પણ રિલીઝ કરવામાં આવ્યો છે. જોકે આ ચર્ચા વચ્ચે સલમાનની ફિલ્મ જેવી જ સ્ટોરીવાળી મૂવી યુટ્યુબ પર રિલીઝ થઈ છે. ‘LAC બૅટલ ઑફ ગલવાન’ નામની આ ફિલ્મના ડિરેક્ટર નીતિન કુમાર ગુપ્તા છે.
આ ફિલ્મ વિશે વાત કરતાં ડિરેક્ટરે કહ્યું હતું, ‘ઑગસ્ટ ૨૦૨૨માં સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) માટે ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર ૨૦૨૨માં CBFCએ ફિલ્મમાં અનેક ફેરફારો સૂચવ્યા હતા. તેમણે ફિલ્મના શીર્ષકમાંથી ‘LAC’ શબ્દ હટાવવા, વાસ્તવિક સ્થળોના સંદર્ભો દૂર કરવા અને હિંસાને ૩૩ ટકા ઘટાડવાનું કહ્યું હતું.
મને સૌથી વધુ દુઃખ ત્યારે થયું જ્યારે CBFCએ એન્ડ ક્રેડિટ્સમાંથી ગલવાનમાં શહીદ થયેલા ૨૦ વાસ્તવિક શહીદોની તસવીરો હટાવવાનું કહ્યું. આ તસવીરો પહેલાંથી જ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. અમે શહીદોનાં નામ બદલી નાખ્યાં હતાં, ચીનનો સીધો ઉલ્લેખ ટાળ્યો હતો અને વેરિફાઇડ સોર્સ પર આધારિત વાર્તા બનાવી હતી. આ પછી સપ્ટેમ્બર ૨૦૨૨માં સુધારેલી ફિલ્મ CBFCને ફરીથી સબમિટ કરવામાં આવી, પરંતુ ત્રણ વર્ષ સુધી કોઈ જવાબ ન મળ્યો. આખરે, ફિલ્મના ડિજિટલ રાઇટ્સ ધરાવતા અમેરિકન નાગરિક વિક્રમ જાધવે આ ફિલ્મને યુટ્યુબ પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો.’

