સોનુ નિગમે હૃદયસ્પર્શી તસવીરો શૅર કરીને આપી શ્રદ્ધાંજલિ
સોનુ નિગમે સોશ્યલ મીડિયા પર આશા ભોસલેને શ્રદ્ધાંજલિ આપતી બે ખાસ તસવીરો શૅર કરી છે
સોનુ નિગમે પોતાની કરીઅરમાં દિવંગત ગાયિકા આશા ભોસલે સાથે મળીને અનેક યાદગાર ગીતો ગાયાં છે. આશા ભોસલેના નિધન પછી સોનુ નિગમે તેમની સાથે વિતાવેલી અનેક યાદગાર પળોને યાદ કરીને એક ભાવુક નોંધ શૅર કરી છે.
સોનુ નિગમે સોશ્યલ મીડિયા પર આશા ભોસલેને શ્રદ્ધાંજલિ આપતી બે ખાસ તસવીરો શૅર કરી છે. પ્રથમ તસવીરમાં તે એક મંચ પર સંપૂર્ણ આદર અને શ્રદ્ધા સાથે આશાતાઈના પગ ધોઈ રહ્યો છે. આ તસવીરમાં તેમની સાથે અન્ય લોકો પણ જોવા મળે છે. બીજી તસવીર એક કૉન્સર્ટ દરમ્યાનની છે જેમાં સોનુ સ્ટેજ પર આશાના પગને સ્પર્શ કરીને આશીર્વાદ લેતો જોવા મળે છે.
ADVERTISEMENT
સોનુ નિગમે પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘આશાજી, ૧૯૯૪માં જ્યારે હું પહેલી વાર આપને મળ્યો અને આપની સાથે ગાયું ત્યાંથી લઈને ૨૦૨૪ના ડિસેમ્બરમાં થયેલી આપણી છેલ્લી કૉન્સર્ટ સુધીની અને ગયા વર્ષે આપની સાથે ગાયેલાં છેલ્લાં બે ડ્યુએટ ગીતો સુધીની આખી સફર હું હંમેશાં આનંદ અને ગૌરવ સાથે યાદ રાખીશ. હું માત્ર એટલું જ કહી શકું છું... ચલે તો ગએ હો પર, દિલ અભી ભરા નહીં... બીજી દુનિયામાં ફરી મુલાકાત થશે. ઓમ શાંતિ.’
