બે અલગ-અલગ પેઢીનાં ચાર સંતાનોના પિતા અર્જુન રામપાલે પોતાના પેરન્ટિંગ અનુભવો શૅર કર્યા
ઍક્ટર અર્જુન રામપાલ બાવન વર્ષની વયે પેરન્ટિંગના અનોખા તબક્કામાં છે
ઍક્ટર અર્જુન રામપાલ બાવન વર્ષની વયે પેરન્ટિંગના અનોખા તબક્કામાં છે. પહેલી પત્ની મેહર જેસિયા સાથેનાં લગ્નને કારણે થયેલી દીકરીઓ માહિકા અને માયરા ૨૩ અને ૨૦ વર્ષની છે, જ્યારે પાર્ટનર ગૅબ્રિએલા ડેમેટ્રિયાડ્સ સાથેના બે દીકરાઓ એરિક અને અરીવ છ અને બે વર્ષના છે. આમ અર્જુન બે અલગ-અલગ પેઢીનાં સંતાનોનો પિતા છે. પોતાની પેરન્ટિંગ જર્ની વિશે વાત કરતાં અર્જુને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘માતા-પિતા બનવાનો આનંદ ક્યારેય ઓછો થતો નથી. મને દરેક બાળકનો જન્મ ચમત્કાર જેવો લાગ્યો છે. મારી દીકરીઓના જન્મ વખતે હું યુવાન હતો અને મારું ધ્યાન ફ્યુચર પ્લાનિંગ પર હતું. આ કારણે હું તેમની સાથે બહુ નથી રહી શક્યો. જોકે મારા દીકરા એરિકનો જન્મ થયો ત્યારે મેં તેના ઉછેરમાં વધારે સક્રિય રહેવાનું નક્કી કર્યું. મને લાગે છે કે દીકરીઓ સ્વીટ હોય છે, પણ દીકરાઓ બદમાશ હોય છે - ઊર્જાથી ભરપૂર. જોકે બધા પોતપોતાની રીતે મજેદાર છે.

ADVERTISEMENT
આજના સમયમાં પેરન્ટિંગ ખૂબ જ અલગ છે. તમારે વધુ સાંભળવું પડે છે, વધુ સંવેદનશીલ રહેવું પડે છે. મારી દીકરીઓ હવે સ્વતંત્ર છે અને હું હજી પણ તેમની પાસેથી શીખું છું. હવે બૂમો પાડવાથી કામ નથી થતું, તેઓ ફક્ત તમારી નકલ કરશે. તમારે પણ તેમની સાથે વિકસિત થવું પડશે.’


