ગઈ કાલે એકમાત્ર મિડ-ડેએ આ શક્યતા વ્યક્ત કરી એ પછી અનુપમ ખેરે પોતે કન્ફર્મ કરી આ વાત
ગઈ કાલે એકમાત્ર મિડ-ડેએ આ શક્યતા વ્યક્ત કરી એ પછી અનુપમ ખેરે પોતે કન્ફર્મ કરી આ વાત
‘શ્રી રામભૂમિ’ ફિલ્મના અયોધ્યાના સેટ પરથી અનુપમ ખેરનો લુક ગુરુવારે જોવા મળ્યા પછી ‘મિડ-ડે’એ ગઈ કાલના અંકમાં લખ્યું હતું કે ક્યાંક તેઓ અશોક સિંઘલનું પાત્ર તો નથી ભજવી રહ્યાને? હવે જોકે અનુપમ ખેરે પોતે જ કહી દીધું છે કે તેઓ આ ફિલ્મમાં અશોક સિંઘલનું પાત્ર ભજવી રહ્યા છે. સાથે તેમણે પોતાના પાત્ર વિશે પણ વિગતવાર વાત કરી છે. સોશ્યલ મીડિયા પર પોતાના આ લુકની તસવીરો શૅર કરીને અનુપમ ખેરે લખ્યું છે, ‘મારા દ્વારા ભજવવામાં આવી રહેલા પાત્રની કેટલીક તસવીરો મીડિયા સુધી પહોંચી ગઈ છે, તેથી મને લાગ્યું કે હું પોતે જ તમને જણાવી દઉં કે હું કઈ ભૂમિકામાં જોવા મળવાનો છું. ફિલ્મ ‘શ્રી રામભૂમિ’માં હું શ્રી અશોક સિંઘલજીની ભૂમિકા ભજવી રહ્યો છું. તેઓ એવું વ્યક્તિત્વ હતા જેમણે શ્રીરામ જન્મભૂમિ આંદોલનને પોતાની સંપૂર્ણ નિષ્ઠા, દૃઢ સંકલ્પ અને સમર્પણથી નવી દિશા આપી. તેઓ માત્ર એક નેતા નહોતા, પ્રભુ શ્રીરામના અનન્ય સેવક હતા. તેમની આસ્થા, સંવેદનશીલતા અને અતૂટ વિશ્વાસે આ આંદોલનમાં નવી ઊર્જાનો સંચાર કર્યો હતો. ઇતિહાસના આવા મહાન વ્યક્તિત્વને પડદા પર પ્રામાણિકતા અને સંવેદનશીલતા સાથે જીવંત કરવું મારા માટે ખૂબ મોટી જવાબદારી છે. હું સંપૂર્ણ નિષ્ઠાથી મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીશ. તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓની મને જરૂર રહેશે. જય શ્રીરામ.’
