‘ધ બેન્ગૉલ ફાઇલ્સ’ ૧૯૪૬ના ગ્રેટ કલકત્તા કિલિંગ્સનાં રમખાણો અને નોઆખલી રમખાણો પર આધારિત છે
અનુપમ ખેર
અનુપમ ખેર હવે ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મ ‘ધ બેન્ગૉલ ફાઇલ્સ’માં મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવવા માટે પૂરેપૂરા તૈયાર છે. અનુપમ ખેરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેમણે મહાત્મા ગાંધીના પાત્રમાં ઢળવા માટે એક વર્ષ સુધી કડક શિસ્તબદ્ધ જીવન જીવ્યું છે અને માંસાહારી ભોજન તેમ જ શરાબનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે.
ઇન્ટરવ્યુમાં અનુપમ ખેરે વધુમાં જણાવ્યું હતું કે ‘મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવવી એ કોઈ પણ અભિનેતા માટે સપનું હોય છે. મારે આ ભૂમિકા માટે એક વર્ષ સુધી સખત મહેનત કરવી પડી. આ ફિલ્મમાં મહાત્મા ગાંધીના પાત્રને ન્યાય આપવા માટે વજન તો ઘટાડ્યું જ છે, સાથે-સાથે ગયા ઑગસ્ટથી માંસાહારી ભોજન કરવાનું અને દારૂ પીવાનું બંધ કર્યું છે.’
ADVERTISEMENT
‘ધ બેન્ગૉલ ફાઇલ્સ’ ૧૯૪૬ના ગ્રેટ કલકત્તા કિલિંગ્સનાં રમખાણો અને નોઆખલી રમખાણો પર આધારિત છે. આ ફિલ્મમાં ૧૯૪૦ના દાયકાની ડાયરેક્ટ ઍક્શન ડે જેવી ઘટના કેન્દ્રમાં છે. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શનકુમાર જેવા કલાકારો પણ છે.
રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ કરવાની યોજના છે. પ્રથમ ભાગ ‘ધ બેન્ગૉલ ફાઇલ્સ : રાઇટ ટુ લાઇફ’ ૨૦૨૫ની પાંચ સપ્ટેમ્બરે રિલીઝ થશે પણ બીજા ભાગની રિલીઝ-ડેટ હજી જાહેર થઈ નથી.
ડાયરેક્ટ ઍક્શન ડેના દિવસે શું થયું હતું?
ડાયરેક્ટ ઍક્શન ડે એ ૧૯૪૬ની ૧૬ ઑગસ્ટે ભારતમાં બનેલી એક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ઘટના છે. આ દિવસે ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગે તેમના નેતા મોહમ્મદ અલી ઝીણાના નેતૃત્વ હેઠળ અલગ પાકિસ્તાનની ડિમાન્ડને સમર્થન આપવા માટે દેશવ્યાપી હડતાળ અને વિરોધ-પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ આયોજને કલકત્તા શહેરમાં ગ્રેટ કલકત્તા કિલિંગ્સ તરીકે ઓળખાતાં હિંસક રમખાણોને વેગ આપ્યો જેમાં હજારો લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. આ રમખાણોએ ભારતના ભાગલા અને સાંપ્રદાયિક તનાવને વધુ ભીષણ બનાવ્યો. આ ઘટનાની આસપાસ ‘ધ બેન્ગૉલ ફાઇલ્સ’ની વાર્તા આકાર લે છે.

