કથિત પાર્ટનર અનીતા અડવાણીએ જણાવ્યું કે સુપરસ્ટાર અંત સમયે મોટા ભાગે રડતા રહેતા હતા અને મોતને બોલાવતા હતા
રાજેશ ખન્ના, અનીતા અડવાણી
રાજેશ ખન્નાની ગણતરી બૉલીવુડના સુપરસ્ટાર્સમાં થાય છે. તેમનું ૨૦૧૨માં ૬૯ વર્ષની વયે બ્લડ-કૅન્સરને કારણે નિધન થઈ ગયું હતું. રાજેશ ખન્નાએ ૧૯૭૩માં ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યાં હતાં, પણ પછી બન્ને અલગ થઈ ગયાં હતાં. જોકે તેમણે ડિવૉર્સ નહોતાં લીધાં. ચર્ચા છે કે તેઓ ૨૦૦૪થી કથિત રીતે ઍક્ટ્રેસ અનીતા અડવાણી સાથે રહેતા હતા અને તેમના અંતિમ સમયમાં અનીતા જ તેમની સાથે હતી.
હવે એક ઇન્ટરવ્યુમાં અનીતાએ રાજેશ ખન્ના વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અનીતાએ જણાવ્યું કે રાજેશ ખન્ના તેને મારતા હતા તથા મોટા ભાગે રડતા રહેતા હતા અને પોતાના મોતને બોલાવતા હતા.
ADVERTISEMENT
અનીતાએ આ ઇન્ટરવ્યુમાં રાજેશ ખન્ના સાથેના પોતાના સંબંધો વિશે જણાવ્યું કે ‘તેમણે મને બાલાજીની સામે કંગન આપ્યાં હતાં. તેમણે મને અપનાવી હતી. તેઓ સ્વભાવે શાંત હતા અને બહુ હિંસક નહોતા. જોકે તેઓ મને ક્યારેક-ક્યારેક મારતા હતા એટલે પ્રતિભાવમાં હું પણ તેમને મારતી હતી. આ પછી તેઓ ફરિયાદ કરતા કે મારા નખ તેમને વાગી ગયા. તેમની સાથે રહેવાનું મુશ્કેલ બની ગયું હતું. એક-બે ડ્રિન્ક પછી તેઓ ગેરવર્તન કરતા. પહેલાં હું લડતી અને ચર્ચા કરતી, પણ પછી તેમણે મને સમજાવ્યું કે ભલે તેઓ ખોટા હોય તો પણ મારે ચૂપ રહેવાનું છે.’
આ ઇન્ટરવ્યુમાં અનીતા અડવાણીએ કહ્યું કે રાજેશ ખન્નાનું સપનું હતું કે ‘તેમના ઘરને આશીર્વાદ મ્યુઝિયમમાં ફેરવી નાખવામાં આવે. તેમની પાસે ઘરને વેચવા માટે ૧૫૦ કરોડ રૂપિયાની ડીલ પણ હતી, પણ આમ છતાં તેમણે ઘર ન વેચવાનો નિર્ણય લીધો હતો.’

