લંડનમાં થયેલા વિવાદમાં ફૅને સ્પષ્ટતા કરી કે તેણે આવું કહ્યું પછી અક્ષય કુમાર થોડો શાંત થયો
વાઈરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
અક્ષય કુમાર તાજેતરમાં લંડનમાં એક ફૅન પર ગુસ્સે થઈને તેનો ફોન છીનવી લેવાના વાઇરલ વિડિયોને કારણે ચર્ચામાં આવ્યો હતો. જોકે પછી તેણે આ ફૅન સાથે સેલ્ફી પણ ક્લિક કરાવ્યો હતો. વિવાદમાં આવેલો અક્ષયનો આ ફૅન સોશ્યલ મીડિયામાં હૅરી તરીકેની ઓળખ ધરાવે છે. હવે હૅરીએ એક નવો વિડિયો શૅર કરીને આ ઘટનાની પૂરી વાત જણાવી છે અને સ્પષ્ટ કર્યું કે અક્ષયે ગુસ્સામાં તેનો ફોન અને હાથ પકડ્યો હતો.
હૅરીએ તેના લેટેસ્ટ વિડિયોમાં જણાવ્યું કે ‘હું ઑક્સફર્ડ સ્ટ્રીટ પર સિગ્નલ પર ઊભો હતો ત્યારે મને લાગ્યું કે હું અક્ષયને જોઈ રહ્યો છું. એથી ખાતરી કરવા મેં તેનો પીછો કર્યો. મેં પહેલાં પાછળથી એક વિડિયો લીધો. આ પછી જ્યારે મેં આગળથી વિડિયો લેવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે મને જોયો. તે મારી નજીક આવ્યો અને મારો ફોન છીનવી લીધો. તેણે મારો હાથ પણ પકડ્યો અને મને તેને ડિસ્ટર્બ ન કરવા કે વિડિયો ન લેવા કહ્યું. મેં તેને કહ્યું કે આપણે યુકેમાં છીએ અને તે મારી સંમતિ વગર મને સ્પર્શ ન કરી શકે. અક્ષયે મને વિડિયો ન લેવા કહ્યું, કારણ કે તે વ્યસ્ત હતો. મેં તેને કહ્યું કે તે આ વાત નમ્રતાથી પણ કહી શક્યો હોત. તેણે કહ્યું, ‘સૉરી બેટા, હું હમણાં વ્યસ્ત છું.’ મેં તેને મારો ફોન પાછો આપવા કહ્યું અને તેણે એ પાછો આપી દીધો. અક્ષય પછી શાંત થયો અને ટૂંકી વાતચીત બાદ સેલ્ફી પાડવાની પરમિશન આપી. અમારી વચ્ચે કોઈ મોટો મુદ્દો નહોતો. તે ખરેખર ખૂબ સારો માણસ છે.’
ADVERTISEMENT
આ વિડિયો વાઇરલ થયો કારણ કે અક્ષય ભાગ્યે જ ગુસ્સામાં જોવા મળે છે અને તે સામાન્ય રીતે ફૅન્સ સાથે નમ્ર અને મૈત્રીપૂર્ણ વર્તન કરે છે. નેટિઝન્સે અક્ષયના વર્તનની ટીકા કરી. જોકે અક્ષયે હજી સુધી આ ટીકાનો જવાબ આપ્યો નથી.


