આ બ્લૉગ પછી અમિતાભે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર લખ્યું હતું, ટાઇમ ટુ ગો. જેને કારણે અવનવી અટકળો થઈ હતી.
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને તાજેતરમાં એક રહસ્યમય ટ્વીટ કર્યું હતું અને એ ટ્વીટમાં ‘ટાઇમ ટુ ગો’ એવું લખ્યું હોવાથી અમિતાભ બચ્ચનના ચાહકોમાં આઘાત ફેલાયો હતો. આ પોસ્ટ પછી ચાહકોમાં એવી અટકળો શરૂ થઈ ગઈ હતી કે શું અમિતાભ બચ્ચન ફિલ્મો અને તેમના ફેવરિટ શો ‘કૌન બનેગા કરોડપતિ’માંથી રિટાયરમેન્ટ લેવાનો સંકેત આપી રહ્યા છે?
જોકે ‘કૌન બનેગા કરોડપતિ’ના તાજેતરના એપિસોડમાં અમિતાભ બચ્ચને આ ટ્વીટ પાછળનું રહસ્ય સ્પષ્ટ કર્યું હતું અને ચાહકો સાથે સીધી વાતચીત કરી હતી. આ શોના નિર્માતાઓએ એક પ્રોમો-વિડિયો શૅર કર્યો હતો જેમાં એક સ્પર્ધકે ડાન્સ કરવા માટે કરેલી રમતિયાળ વિનંતીનો બિગ બીએ રમૂજભરી રીતે જવાબ આપ્યો હતો. અમિતાભ બચ્ચને તેમના લાક્ષણિક અંદાજમાં મજાકમાં કહ્યું હતું કે ‘કૌન નાચેગા? અરે ભાઈસાહબ, નાચને કે લિએ યહાં નહીં રખા હૈ હમકો.’ આ જવાબથી બધા હસી પડ્યા હતા.
ADVERTISEMENT
આ બધી વાતચીત ચાલી રહી હતી ત્યારે એક મેમ્બરે અમિતાભ બચ્ચનને તેમની ‘ટાઇમ ટુ ગો’ ટ્વીટનો અર્થ પૂછ્યો હતો. પોતાની તીક્ષ્ણ બુદ્ધિ માટે જાણીતા અમિતાભ બચ્ચને હસીને જવાબ આપ્યો હતો અને એ વાક્ય હતું, ‘જવાનો સમય થઈ ગયો છે...’ તો એમાં ખોટું શું છે?’
ત્યારે બીજા એક ઉત્સુક ચાહકે પૂછ્યું હતું કે ‘તમે ક્યાં જઈ રહ્યા છો?’ ત્યારે અમિતાભ બચ્ચને તેમની લાક્ષણિક શૈલીમાં જવાબ આપ્યો હતો, ‘એનો અર્થ છે કે જવાનો સમય થઈ ગયો છે...’ તેઓ આ વાક્ય પૂરું કરે એ પહેલાં પ્રેક્ષકો એકસાથે બોલી ઊઠ્યા હતા, ‘આપ યહાં સે કહીં નહીં જા સકતે.’
ત્યાર બાદ અમિતાભ બચ્ચને બધી અફવાઓ પર વિરામ મૂકતાં આ બાબતે સ્પષ્ટતા કરતાં સમજાવ્યું હતું કે ‘અરે ભાઈસાહેબ, મારે કામ પર જવાનો સમય થઈ ગયો છે. તમે લોકો શું કહી રહ્યા છો. અહીં જ્યારે કામ પૂરું કરીએ છીએ ત્યારે રાતે બે વાગ્યા હોય છે. હું ઘરે પહોંચું ત્યારે પણ એક કે બે વાગ્યા હોય છે. લખતાં-લખતાં મને ઊંઘ આવી ગઈ અને હું સૂઈ ગયો. હું લખવા માગતો હતો કે કામ પર જવાનો સમય આવી ગયો છે.’
૮૨ વર્ષના અમિતાભ બચ્ચને તાજેતરમાં તેમના બ્લૉગમાં લખ્યું હતું, પરિપૂર્ણતા અને જગ્યાની અછત... એક જ સિક્કાની બે બાજુ... અનિવાર્ય... પણ હાજર. મનને એવાં કાર્યો કરવા માટે પ્રેરિત કરે છે જેનો એણે ક્યારેય સામનો ન કર્યો હોય. માહિતીનો વિશાળ અને બહુવિધ ફેલાવો દરેકને એકબીજાની મુલાકાત લેવા માટે મજબૂર કરે છે અને જ્યાં સુધી કોઈ વિચારે છે કે ક્યાં જવું છે ત્યાં સુધીમાં બીજાનો પ્રભાવ એટલી હદે પ્રબળ બને છે કે પહેલું ખોવાઈ જાય છે અને ભૂલી જાય છે.
આ બ્લૉગ પછી અમિતાભે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર લખ્યું હતું, ટાઇમ ટુ ગો. જેને કારણે અવનવી અટકળો થઈ હતી.


