લોકપ્રિય સિંગર અમાલ મલિકનો ચોંકાવનારો દાવો- પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કાર્તિક આર્યન સાથે પણ આવું જ વર્તન થઈ રહ્યું હતું
સિંગર અમાલ મલિક
સિંગર અમાલ મલિક હંમેશાં ચર્ચામાં રહે છે. તે તેના મ્યુઝિક પ્રોજેક્ટ્સ ઉપરાંત તેના પરિવાર સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને પણ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલાં અમાલ મલિકે સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાના પરિવાર સાથેના સંબંધો તોડવાની જાહેરાત કરી હતી. હવે કાર્તિક આર્યન વિશે તેનું એક નવું નિવેદન ચર્ચામાં આવ્યું છે જેમાં તેણે કાર્તિકની તુલના સુશાંત સિંહ રાજપૂત સાથે કરી છે. અમાન મલિકે કહ્યું છે કે કાર્તિક આર્યનને બૉલીવુડના લોકપ્રિય ફિલ્મ-નિર્માતાઓ અને ડિરેક્ટર્સ ટાર્ગેટ કરી રહ્યા છે, આવું જ અગાઉ સુશાંત સિંહ રાજપૂત સાથે કરવામાં આવ્યું હતું.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં અમાલ મલિકે કહ્યું કે ‘સુશાંતના અવસાન પછી લોકોને બૉલીવુડની હકીકત વિશે ખબર પડી, પરંતુ આ પહેલાં કોઈને અંદાજો નહોતો કે આ ઇન્ડસ્ટ્રીમાં આવું નકારાત્મક વાતાવરણ છે જે કોઈને આટલું મોટું પગલું ભરવા માટે મજબૂર કરી શકે છે. સુશાંત સિંહ રાજપૂત આ બધું સહન કરી શક્યો નહીં. કેટલાક લોકો તેને હત્યા ગણાવે છે, જ્યારે તપાસમાં તે આત્મહત્યા હોવાનું જણાયું. ગમે તે હોય, માણસ તો ગયોને. આ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીએ ચોક્કસ તેના મગજ પર કોઈ અસર કરી હશે. લોકોએ હંમેશાં તેને પ્રોત્સાહન આપ્યું, પરંતુ જ્યારે લોકોને તેની તકલીફનો અંદાજ આવ્યો તો જનતા બૉલીવુડની વિરુદ્ધ થઈ ગઈ. મને નથી લાગતું કે સુશાંતના અવસાન પહેલાં જાહેરમાં ઇન્ડસ્ટ્રીની આટલી બદનામી થઈ હશે.’
ADVERTISEMENT
અમાલે એવો દાવો પણ કર્યો કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કાર્તિક આર્યન સાથે પણ આવું જ વર્તન થઈ રહ્યું હતું. જોકે કાર્તિકે આ સમસ્યાનો સામનો કર્યો અને પરિવારના સમર્થનથી તે હસતા મોંએ આ તમામ મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શક્યો છે.

