તેમને લીગલ નોટિસ પણ મોકલવામાં આવી છે. એમાંથી માત્ર એકે જ એ નોટિસનો જવાબ આપ્યો છે.
જવાન ફિલ્મ પોસ્ટર
શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’ની ક્લિપ લીક થતાં તેના પ્રોડક્શન-હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટે એફઆઇઆર દાખલ કર્યો છે. સોશ્યલ મીડિયામાં આ ફિલ્મ સંબંધિત કેટલાક ફોટો, વિડિયો અને મ્યુઝિક ઑનલાઇન લીક થયાં છે એથી સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનમાં ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ઍક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાથે જ પોલીસને પાંચ ટ્વિટર અકાઉન્ટની માહિતી પણ આપવામાં આવી છે, જેણે ફિલ્મની ક્લિપ લીક કરી છે. તેમને લીગલ નોટિસ પણ મોકલવામાં આવી છે. એમાંથી માત્ર એકે જ એ નોટિસનો જવાબ આપ્યો છે. પ્રોડક્શન-હાઉસનું કહેવું છે કે જે ક્લિપ લીક થઈ છે એમાં ઍક્ટર્સના લુક, કેટલાક વિડિયો, ફિલ્મનાં ગીતો પણ સંભળાઈ રહ્યાં છે. રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટે ફિલ્મ માટે અલગ પ્રકારની માર્કેટિંગ સ્ટ્રૅટેજી બનાવી હતી અને એના હેઠળ એ ગીતોને રિલીઝ કરવાના હતા. જોકે આ લીકને કારણે તેમની સ્ટ્રૅટેજી પર પાણી ફરી વળ્યું છે. ફિલ્મની માહિતી બહાર ન આવે એ માટે સેટ પર મોબાઇલ અને અન્ય રેકૉર્ડિંગ ડિવાઇસની મંજૂરી નહોતી અપાઈ છતાં જો ફિલ્મની કોઈ બાબત લીક થાય તો એ ચિંતાનો વિષય કહેવાય. આ ફિલ્મ ૭ સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં શાહરુખ સાથે નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા અને રિદ્ધિ ડોગરા પણ જોવા મળશે.


