શાહરુખે ‘સર્કસ’ અને ‘ફૌજી’ જેવી સિરિયલમાં કામ કર્યું હતું.
શાહરુખ ખાન
મનોજ બાજપાઈને શાહરુખ ખાન પ્રત્યે ખૂબ સન્માન છે, કારણ કે તેણે નાની ઉંમરમાં તેનો આખો પરિવાર ગુમાવ્યા બાદ અથાક મહેનત કરીને નામ, પ્રસિદ્ધિ મેળવ્યાં છે. મનોજ બાજપાઈનું કહેવું છે કે શાહરુખ જે પણ કપરા સંજોગોમાંથી પસાર થયો છે એ તેનો સાક્ષી છે. શાહરુખે ‘સર્કસ’ અને ‘ફૌજી’ જેવી સિરિયલમાં કામ કર્યું હતું. ત્યાર બાદ તેણે ‘દીવાના’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મે તેને ખૂબ ફેમસ કરી દીધો હતો. બાદમાં તે એક પછી એક અમે અનેક ફિલ્મોમાં પોતાની ઍક્ટિંગથી લોકોને પોતાના દીવાના બનાવતો ગયો. તેની સ્ટ્રગલ વિશે મનોજ બાજપાઈએ કહ્યું કે ‘જે પ્રકારે તેણે પોતાની દુનિયા ઊભી કરી છે અને તેને આ મકામ પર જોઈને મને ખૂબ ખુશી થાય છે. એક વ્યક્તિ જેની પૂરી દુનિયા વેરાન થઈ ગઈ હતી. માત્ર ૨૬ વર્ષની ઉંમરમાં તેણે આખો પરિવાર ગુમાવ્યો હતો. બાદમાં તેણે પોતાની દુનિયા બનાવી. પરિવાર બનાવ્યો. ખૂબ નામ અને નામ-સન્માન મેળવ્યાં. હું તેને ખૂબ માન આપું છું કેમ કે હું તેની આસપાસના મિત્રોમાંનો જ એક છું જેણે તેની સાથે થયેલું આ બધું જોયું હતું. મારા મનમાં શાહરુખ માટે કદી પણ કોઈ કડવાશ ન હોઈ શકે.’