‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝીની જબરદસ્ત સફળતા બાદ ફિલ્મમેકર આદિત્ય ધર સાથે કામ કરવા માટે અનેક લોકો ઉત્સુક છે. આ દરમ્યાન આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ એક મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે.
આદિત્ય ધર
‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝીની જબરદસ્ત સફળતા બાદ ફિલ્મમેકર આદિત્ય ધર સાથે કામ કરવા માટે અનેક લોકો ઉત્સુક છે. આ દરમ્યાન આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ એક મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. હાલમાં એક લાઇવ સેશન દરમ્યાન તેમણે જણાવ્યું કે આસામ સરકાર અહોમ સામ્રાજ્યના મહાન સેનાપતિ લચિત બોરફુકનના જીવન પર ભવ્ય બાયોપિક બનાવવા માટે આદિત્ય ધર સાથે ચર્ચા કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઑગસ્ટમાં તેઓ આદિત્ય ધર સાથે વ્યક્તિગત મુલાકાત કરીને આ પ્રોજેક્ટ વિશે વિગતવાર ચર્ચા કરશે. આસામ સરકાર લચિત બોરફુકનના જીવન, શૌર્ય અને વારસાને બૉલીવુડ સ્તરની ફિલ્મ દ્વારા દેશ-વિદેશના દર્શકો સુધી પહોંચાડવા ઇચ્છે છે.
કોણ હતા લચિત બોરફુકન?
લચિત બોરફુકન મધ્યકાલીન આસામના અહોમ સામ્રાજ્યના મહાન સેનાપતિ હતા. તેઓ ખાસ કરીને ૧૬૭૧માં થયેલા સરાઈઘાટના યુદ્ધમાં પોતાના અદ્ભુત નેતૃત્વ અને યુદ્ધની રણનીતિ માટે જાણીતા છે. તેમણે પોતાના કૌશલ્યથી શક્તિશાળી મુગલ સેનાને પરાજિત કરી હતી અને ઉત્તર-પૂર્વ ભારતમાં મુગલોના વિસ્તરણને કાયમ માટે અટકાવ્યું હતું. લચિત બોરફુકનનો જન્મ ૧૬૨૨માં થયો હતો અને તેમનું અવસાન ૧૬૭૨માં થયું હતું.
