નાસા સ્પેસ સેન્ટરમાં ન્યુ યર સેલિબ્રેટ કર્યું સુરભિ જ્યોતિએ , મુંબઈ મહિલાઓ માટે એકદમ સુરક્ષિત છે : કુશા કપિલા
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ રિલેશનશિપમાં છે એવા સમાચાર ઘણા સમયથી ચર્ચામાં હતા. તેઓ ઘણાં વર્ષથી રિલેશનને લઈને ચર્ચામાં હતાં અને હવે તેમણે એની જાહેરાત કરી છે. તેમણે તેલુગુ રોમૅન્ટિક ફિલ્મ ‘મહા સમુદ્રમ’માં સાથે કામ કર્યું હતું. તેમણે ન્યુ યર સાથે સેલિબ્રેટ કર્યું હતું અને બન્નેએ તેમનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ ફોટો શૅર કરતાં અદિતિએ લખ્યું હતું કે ‘હું ખૂબ જ ખુશનસીબ છું. ૨૦૨૪નું વર્ષ દરેક માટે ખુશીઓ અને પ્રેમથી ભરેલું રહે એવી શુભેચ્છા.’
નાસા સ્પેસ સેન્ટરમાં ન્યુ યર સેલિબ્રેટ કર્યું સુરભિ જ્યોતિએ
ADVERTISEMENT
સુરભિ જ્યોતિએ નાસા સ્પેસ સેન્ટરમાં ન્યુ યર સેલિબ્રેટ કર્યું હતું. તે ન્યુ યર સેલિબ્રેટ કરવા માટે અમેરિકા ગઈ હતી અને તેણે હ્યુસ્ટનના સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી હતી. સુરભિ ‘કુબૂલ હૈ’, ‘નાગિન 3’ અને ‘ઇશ્કબાઝ’ જેવા શો માટે જાણીતી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર તેના આ વેકેશનના કેટલાક ફોટો શૅર કર્યા છે. આ ફોટોમાં તે નાસા સ્પેસ સેન્ટરની અંદર જોવા મળી રહી છે.
મુંબઈ મહિલાઓ માટે એકદમ સુરક્ષિત છે : કુશા કપિલા
કુશા કપિલાનું કહેવું છે કે તે જ્યારે મુંબઈમાં હોય ત્યારે એકદમ અલગ હોય છે. સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સરમાંથી તે ઍક્ટ્રેસ બની છે. તે દિલ્હીની છે અને એથી દિલ્હી-મુંબઈ વચ્ચે ઝોલાં ખાતી રહે છે. તે થોડા સમય પહેલાં જ તેના ડિવૉર્સને લઈને ખૂબ જ ચર્ચામાં હતી. તે હાલમાં જ ‘દેહાતી લડકે’માં જોવા મળી છે. દિલ્હીથી મુંબઈ શિફ્ટ થવાના એક્સ્પીરિયન્સ વિશે પૂછતાં કુશાએ કહ્યું કે ‘મુંબઈ શિફ્ટ થવાનો અનુભવ સારો રહ્યો છે. મારા માટે આ શહેર નવું નથી. હું છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી અહીં કામ કરી રહી છું. જોકે દિલ્હી કરતાં અહીંની લાઇફ ખૂબ જ જોરમાં છે. અહીંના લોકો વર્કોહૉલિક છે. મને લાગે છે કે હું મુંબઈમાં હોઉં ત્યારે અલગ વ્યક્તિ હોઉં છું. જોકે હું જ્યારે દિલ્હી જાઉં છું ત્યારે હું લાઇફને થોડી સ્લો કરું છું. હું બન્ને શહેર વચ્ચે બૅલૅન્સ જાળવી રાખું છું. મારી અંદર હવે દિલ્હી અને મુંબઈ બન્નેની પર્સનાલિટી છે. મારો મુંબઈનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. અહીંના લોકો મને પસંદ છે. મને એક વાત ખૂબ જ પસંદ છે કે મુંબઈ મહિલાઓ માટે ખૂબ જ સેફ છે.’


