ફિલ્મને કરવામાં આવતા ટ્રોલિંગ પર પોતાને દુ:ખ થયું હોવાનું જણાવતાં ડિરેક્ટરે આવું કહ્યું

ઓમ રાઉત
‘આદિપુરુષ’નું ટીઝર રિલીઝ થતાં જ લોકો એને ટ્રોલ કરી રહ્યા છે. એને જોતાં ફિલ્મના ડિરેક્ટર ઓમ રાઉતે જણાવ્યું કે ફિલ્મને મોટી સ્ક્રીન માટે બનાવવામાં આવી છે. ફિલ્મની વિઝયુઅલ ઇફેક્ટ્સને લઈને લોકો મજાક કરી રહ્યા છે. આ ફિલ્મમાં પ્રભાસ રાઘવના રોલમાં, ક્રિતી સૅનન જાનકીના રોલમાં અને સૈફ અલી ખાન લંકેશના રોલમાં જોવા મળવાનો છે. ફિલ્મને આવતા વર્ષે ૧૨ જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મને જે પ્રકારે ટ્રોલ કરવામાં આવી રહી છે એના પર પોતાના વિચાર વ્યક્ત કરતાં ઓમ રાઉતે કહ્યું કે ‘મને દુ:ખ તો થયું છે. એમાં કોઈ આશ્ચર્ય નથી કે ફિલ્મને તો મોટી સ્ક્રીન માટે બનાવવામાં આવી છે. જોકે દરેક લોકો સુધી પહોંચાડવા માટે અમારે ફિલ્મમાં થોડા કટ્સ સાથે એનું ટીઝર યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું. જે પ્રકારનું વાતાવરણ ઊભું થયું છે એ મારા નિયંત્રણમાં નથી. જો મને પર્યાય આપવામાં આવે તો હું એને યુટ્યુબ પર રિલીઝ ન કરત, પરંતુ સ્થિતિને જોતાં વધુ લોકો સુધી એને પહોંચાડવા માટે અમે યુટ્યુબ પર રિલીઝ કર્યું.’
આ પણ વાંચો : Adipurushમાં રાવણના ખોટા ચિત્રણ માટે નિર્દેશક પર ભડકી BJP, સૈફના લૂક સામે વાંધો
‘આદિપુરુષ’નું સ્ક્રીનિંગ નહીં થવા દે વિશ્વ હિન્દુ પરિષદ
વિશ્વ હિન્દુ પરિષદે ‘આદિપુરુષ’નું સ્ક્રીનિંગ નહીં થવા દેવાની ધમકી આપી છે. તેમનાં મુજબ હિન્દુ ધર્મનું અપમાન થયું છે. તેમનાં મુજબ ભગવાન રામ, લક્ષ્મણ અને રાવણને જે પ્રકારે દેખાડવામાં આવ્યા છે એનાથી હિન્દુ પરંપરાની મજાક ઉડાવવામાં આવી છે. ઉપરાંત ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય પ્રધાન બ્રજેશ પાઠકે પણ જણાવ્યું છે કે ફિલ્મ દ્વારા હિન્દુ લાગણીને ઠેસ પહોંચી છે. સાથે જ મધ્ય પ્રદેશના હોમ મિનિસ્ટર નરોત્તમ મિશ્રાએ પણ જણાવ્યું હતું કે જો ફિલ્મમાંથી વાંધાજનક સીન્સ હટાવવામાં નહીં આવે તો લીગલ ઍક્શન લેવામાં આવશે. ફિલ્મને લઈને નારાજગી વ્યક્ત કરતાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર પ્રમુખ અજય શર્માએ કહ્યું કે ‘ફિલ્મમાં હિન્દુ પરંપરાનું અપમાન થયું છે. અમે એને સાંખી નહીં લઈએ. થિયેટર્સમાં આ ફિલ્મને વિશ્વ હિન્દુ પરિષદ સ્ક્રીન નહીં થવા દે. જો સેન્સર બોર્ડ એની ફરજ નહીં બજાવે તો સરકારે આ મુદ્દો ઉકેલવો પડશે.’
રામાયણને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સાથે નથી જોડતાં સીતાનો રોલ કરનાર દીપિકા ચિખલિયા
રામાનંદ સાગરની ‘રામાયણ’માં સીતાનો રોલ કરનાર દીપિકા ચિખલિયાનું કહેવું છે કે તેઓ રામાયણને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સાથે નથી જોડી શકતાં. ‘આદિપુરુષ’નું ટીઝર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યુ છે. એમાં વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એના પર પોતાની પ્રતિક્રિયા આપતાં દીપિકા ચિખલિયાએ કહ્યું કે ‘મેં ‘આદિપુરુષ’નું ટીઝર જોયું છે. મને લાગે છે કે રામાયણની સ્ટોરી સત્ય અને નૈતિકતાની છે. હું રામાયણને વિઝયુઅલ ઇફેક્ટ્સ સાથે નથી જોડી શકતી. આ મારો વ્યક્તિગત વિચાર છે.’
તો સાથે જ ‘આદિપુરુષ’માં રાવણના રોલમાં જોવા મળતા સૈફ અલી ખાનને લઈને દીપિકા ચિખલિયાએ કહ્યું કે ‘ફિલ્મનું પાત્ર સૌને કન્વિન્સ થવું જોઈએ. જો ભૂમિકા શ્રીલંકાની છે તો તે મુગલ જેવો ન દેખાવો જોઈએ. મને વધુ કાંઈ સમજમાં ન આવ્યું, કેમ કે મેં માત્ર ૩૦ સેકન્ડનું જ ટીઝર જોયું છે. મને એ અલગ દેખાય છે. વીએફએક્સનો જમાનો છે તો કોઈની લાગણીને ઠેસ ન પહોંચવી જોઈએ.’